લંડનઃ યુકેને ૨૦૨૦થી હચમચાવી રહેલી કોરોના વાઈરસ મહામારીમાં મૃત્યુઆંક ૧૫૦,૦૦૦ના સીમાચિહ્ન આંકડાને વટાવી ગયો છે. બીજી તરફ, કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ પણ માઝા મૂકી રહ્યો છે. શનિવાર, ૮ જાન્યુઆરીએ તેના દૈનિક સંક્રમિતોની સંખ્યા ૧૪૬,૩૯૦ થઈ હતી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને મૃતકોના પરિવારોને દિલસોજી પાઠવવા સાથે જીવનરક્ષક પ્રયાસો બદલ NHS પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી. કોરોના પોઝિટિવ આવ્યાના ૨૮ દિવસમાં મોતનો ભોગ બનનારા કેસની સંખ્યા ૧૫૦,૦૫૭ના આંકડે પહોંચી છે. વિશ્વમાં આ આંકડે પહોંચનારા સાત દેશ છે.
વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે પ્રત્યેક સ્વજનનું મોત પરિવારો, મિત્રો અને કોમ્યુનિટીઓ માટે આઘાતજનક બન્યું છે. આપણા માટે આ મહામારીમાંથી બહાર નીકળવાનો એક માત્ર માર્ગ દરેક વ્યક્તિ વેક્સિનના તેમના બૂસ્ટર અથવા પ્રથમ અને બીજા ડોઝ લે તેમાં જ છે. તેમણે દેશના વેક્સિન પ્રોગ્રામમાં મદદ માટે આગળ આવનારા તમામ વોલન્ટીઅર્સ તેમજ NHSના તમામ કર્મચારી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
વિપક્ષી લેબરનેતા સર કેર સ્ટાર્મરે ૧૫૦,૦૦૦ મૃત્યુઆંકને યુકે માટે ‘કાળા માઈલસ્ટોન’ તરીકે ગણાવ્યો હતો. કોરોના મહામારી સંબંધિત પબ્લિક ઈન્ક્વાયરીની માગ દોહરાવી હતી જેનાથી ઉત્તરો મળશે અને ભવિષ્ય માટે બોધપાઠ પણ શીખવા મળશે.
દરમિયાન, યુકેના એજ્યુકેશન સેક્રેટરી નધિમ ઝાહાવીએ હળવા કોવિડ કેસીસના પેશન્ટ માટે સેલ્ફ આઈસોલેશનનો સમયગાળો સાત દિવસથી પાંચ દિવસ કરવાની તરફેણ કરી છે.