‘ખાળે ડૂચા દરવાજા ઉઘાડા’ની હાલતઃ ચીન, ઈટાલી, ઈરાનથી ફ્લાઈટ્સ ચાલુ

Wednesday 25th March 2020 01:42 EDT
 
 

લંડનઃ યુકેમાં શાળા-કોલેજો, દુકાનો, પબ્સ, રેસ્ટોરાં, જાહેર પરિવહન સહિતની સેવાઓ પર તાળાબંધી લદાઈ રહી છે, સામાજિક સંપર્કો ટાળવા પર ભાર રખાયો છે ત્યારે તેની સરહદો ખુલ્લી અને અરાજક હાલતમાં છે. દેશની પરિસ્થિતિ ‘ખાળે ડૂચા દરવાજા ઉઘાડા’ જેવી છે. કોરોના વાઈરસ કટોકટીના કારણે વિશ્વમાં સૌથી વધુ મૃત્યુઆંક ધરાવતા દેશ ઈટાલી, ચીન અને ઈરાનથી હજારો પેસેન્જર સાથેની ફ્લાઈટ્સ હીથ્રો અને ગેટવિક એરપોર્ટ્સ પર ઉતરાણ કરી રહી છે. અહેવાલો અનુસાર એક સપ્તાહમાં આશરે ૭૫૦૦ પ્રવાસી બ્રિટનમાં પ્રવેશી રહ્યા છે.

ફોરેન ઓફિસે અનિવાર્ય હોય તો જ વિદેશ પ્રવાસ કરવાની બ્રિટિશરોને સલાહ આપી છે. યુરોપિયન યુનિયને તેમના બ્લોકથી બહારના દેશોની ફ્લાઈટ્સને ૩૦ દિવસ માટે પ્રતિબંધિત કરી લગભગ તમામ પ્રવાસીને પ્રવેશબંધી કરી દીધી છે. ભારત અને કઝાકસ્તાન જેવા બિનઈયુ દેશોએ પણ ઈરાન એરની ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. ભારતે તો તમામ વિદેશી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ બધું છતાં, બ્રિટનમાં વિદેશી ફ્લાઈટ્સ ચાલુ રહી છે તેને મહાઆશ્ચર્ય ગણાવી શકાય. જોકે, સરકારી પ્રવક્તાનું કહેવું છે કે,‘ સરહદો બંધ કરવી અથવા પ્રવાસ પ્રતિબંધ જેવા હસ્તક્ષેપોથી ચેપના ફેલાવા પર અસર પડતી હોવાના કોઈ પૂરાવા નથી.’

ઉલ્લેખનીય છે કે ચીનના વુહાનથી કોરોના વાઈરસનો ઉદ્ભવ થયા પછી સૌથી વધુ મૃત્યુઆંક ૩૫૦૦ જેટલો રહ્યો હતો. હવે ઈટાલી કોવિડ-૧૯નું કેન્દ્ર બન્યું છે અને મૃત્યુઆંક ૪૮૦૦ને પાર કરી ગયો છે. બ્રિટિશ એરવેઝ, ઈટીજેટ અને રાયનએરની ઈટાલી અને બ્રિટન વચ્ચેની ફ્લાઈટ્સ બંધ છે પરંતુ, હવાઈમાર્ગ ખુલ્લો છે. રોમ, બીજિંગ અને શાંગહાઈથી રોજ ફ્લાઈટ્સ લંડનમાં ઉતરાણ કરી રહી છે. રોમથી ડાયરેક્ટ ફ્લાઈટ્સ આગામી સપ્તાહે પણ લંડન આવશે. માર્ચ ૧૫થી રોમના લીઓનાર્દો દ વિન્સી એરપોર્ટથી ઓછામાં ઓછી ૧૬ ફ્લાઈટ્સનું હીથ્રો ખાતે ઉતરાણ થયું છે.

ઈરાન એરની તહેરાનથી લંડનની સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ હજુ કાર્યરત છે અને ગત સપ્તાહમાં ત્રણ ઈરાની વિમાને હીથ્રો પર ઉતરાણ કર્યું હતું. કોરોના કટોકટીમાં ઈરાન ત્રીજા ક્રમનો ૧૫૦૦થી વધુનો મૃત્યુઆંક ધરાવતો દેશ છે. ગત શનિવારે બીજીંગથી એર ચાઈનાની બે અને શાંગહાઈથી ચાઈના ઈસ્ટર્ન જેટની એક ફ્લાઈટ્સનું ઉતરાણ હીથ્રો એરપોર્ટ પર થયું હતું જ્યારે શાંગહાઈની એક ફ્લાઈટ ગેટવિક એરપોર્ટ પર ઉતરી હતી.

આ દેશોમાંથી બ્રિટન આવતા પ્રવાસીઓએ ૧૪ દિવસ સુધી સ્વયં એકાંતવાસ રાખવાનો હોય છે પરંતુ, નીતિનો અમલ થાય છે કે નહિ તે જાણવાની કોઈ સિસ્ટમ નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter