લંડન
યુકેની કાઉન્સિલોએ વર્ષ 2022માં દરરોજ સરેરાશ 20,000 પાર્કિંગ દંડ ફટકાર્યા હતા. ચર્ચિલ મોટર ઇન્શ્યુરન્સના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા રોજના 19631 લોકોને પાર્કિંગ માટે દંડ઼ ફટકારવામાં આવ્યો હતો જે વર્ષ 2021 કરતાં 12 ટકાનો વધારો દર્શાવે છે. જેના કારણે કાઉન્સિલોને પ્રતિ દિવસ 7,77,287 પાઉન્ડની આવક થઇ હતી. જે વર્ષ 2021 કરતાં 35,113 પાઉન્ડ વધારે છે. યુકેની 230 કાઉન્સિલ દ્વારા અપાયેલી માહિતીના આધારે આ આંકડા જારી કરાયા હતા. વાહનચાલક પાર્કિંગના નિયમોનો ભંગ કરે છે ત્યારે તેને પેનલ્ટી ચાર્જ નોટિસ આપવામાં આવે છે જેને પાર્કિંગ દંડ તરીકે પણ ઓળખાય છે. લંડનમાં આ દંડ 130 પાઉન્ડ જ્યારે લંડનની બહાર 70 પાઉન્ડ છે. જો વાહનચાલક દંડની રકમ 14 દિવસમાં ચૂકવે તો તેને 50 ટકાની રાહત અપાય છે.
નોર્થ લંડનમાં આવેલી આઇલિંગ કાઉન્સિલ દ્વારા સૌથી વધુ એટલે કે સરેરાશ 1012 પ્રતિ દિવસ પાર્કિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. બર્મિંગહામ સિટી કાઉન્સિલ દ્વારા 373, સાઉધમ્પ્ટન સિટી કાઉન્સિલ દ્વારા 313, કાર્ડિફ કાઉન્સિલ દ્વારા 279 પાર્કિંગ દંડ પ્રતિ દિવસ ફટકારવામાં આવ્યા હતા.
ચર્ચિલ મોટર ઇન્શ્યુરન્સના નિકોલસ મેન્ટેલે જણાવ્યું હતું કે, પાર્કિંગના જટિલ નિયમોના કારણે સમગ્ર દેશમાં વાહનચાલકો દંડાઇ રહ્યાં છે. અમે હંમેશા વાહન ચાલકોને પાર્કિંગ સાઇન કાળજીપુર્વક સમજવા પ્રોત્સાહન આપી રહ્યાં છીએ જેથી તેઓ તગડા દંડથી બચી શકે.