40.2 ડિગ્રી બ્રિટન બન્યો અગનભઠ્ઠી

Wednesday 20th July 2022 05:07 EDT
 
 

લંડન: બ્રિટનમાં મંગળવારે ગરમીએ દેશના ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સહારાના રણ અને ઉત્તર આફ્રિકામાંથી વહેતા ગરમ પવનોના કારણે બ્રિટનમાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ઇતિહાસમાં પહેલીવાર ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. મંગળવારે બપોરે 12.50 કલાકે લંડનના હિથ્રો એરપોર્ટના વિસ્તારમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઇ હતી. તેના એક કલાક બાદ સરેના ચાર્લવૂડમાં ગરમીનો પારો 39.1 ડિગ્રી અને વાઇઝલેમાં 39.3 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયો હતો. 

લંચ ટાઇમ સુધીમાં સરેમાં જ ચેર્ટસે ખાતતે 39.2 ડિગ્રી અને વેસ્ટલંડનના નોરથોલ્ટમાં 39.1 ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમી નોંધાઇ હતી. અપમિન્સટરના પી લેન, વેનિંન્ગ્ટનના ધ ગ્રીન, પિન્નરમાં યુક્સબ્રિજ, સાઉથગેટના ગ્રીન લેન્સ, ક્રોયડોનના ઓક્સ રોડ, ડાગેનહામના બેલ્લાર્ડ્સ, વેમ્બ્લીના બ્રોડવે, હેન્ડનમાં ક્રેસેન્ટ, ક્રોયડોનના ચેપલ વ્યૂ અને એલ્થામના સિડકપ રોડ પરના ઘાસના મેદાનોમાં આગ ફાટી નીકળી હતી. હીટવેવના કારણે બ્રિટનની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ હતી. હોસ્પિટલોમાં સામાન્ય ઓપરેશનો રદ કરી દેવાયાં હતાં અને એપોઇન્ટમેન્ટ રદ કરાઇ હતી. રોયલ મેઇલ વર્કર્સને ફિલ્ડ વર્ક બંધ કરી સોર્ટિંગ કચેરીઓમાં હાજર રહેવાનો આદેશ જારી કરાયો હતો. બ્રિટનમાં મોટાભાગની ટ્રેન સેવાઓ રદ કરી દેવાઇ હતી.

પ્રચંડ હીટવેવ બાદ વરસાદી તોફાન અને પૂર બ્રિટનને ઘમરોળશે
બ્રિટનમાં મંગળવારે તાપમાન 40 ડિગ્રીને પાર થયા પછી બુધવારે ઠંડી હવાઓ અને વરસાદી તોફાનોની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઇંગ્લેન્ડના મોટાભાગના વિસ્તારો માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. બુધવારે તાપમાન 20 ડિગ્રીની આસપાસ આવી જવાની સંભાવના છે.

સોમવારની રાત ઇતિહાસમાં સૌથી ગરમ રાત

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દેશમાં સોમવારની રાત ઇતિહાસની સૌથી ગરમ રાત નોંધાઇ હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સના ઘણા વિસ્તારોમાં રાતનું તાપમાન 25 ડિગ્રી સેન્ટિગ્રેડથી ઉપર રહ્યું હતું. દેશમાં રાતનું સૌથી ઊંચુ લઘુત્તમ તાપમાન વેસ્ટ યોર્કશાયરમાં 25.9 ડિગ્રી સેન્ટિગ્રેડ અને સાઉથ લંડનના ક્રોયડોનમાં કેનલી ખાતે 25.8 ડિગ્રી સેન્ટિગ્રેડ રહ્યું હતું. જેના પગલે 3 ઓગસ્ટ 1990ની રાત્રે બ્રાઇટોનમાં નોંધાયેલા રાતના લઘુત્તમ તાપમાન 23.9 ડિગ્રી સેન્ટિગ્રેડનો રેકોર્ડ તૂટી ગયો હતો.
 એસેક્સમાં પાંચ ઇમારત સ્વાહા
બ્રિટનમાં સૂરજદાદાના રૌદ્ર સ્વરૂપને કારણે દક્ષિણ ઇંગ્લેન્ડમાં સંખ્યાબંધ સ્થળોએ દાવાનળ ફાટી નીકળ્યા હતા. એસેક્સના વેનિંન્ગ્ટન ખાતે ઘાસના મેદાનમાં આગ ફાટી નીકળતાં પાંચ ઇમારતો સ્વાહા થઇ ગઇ હતી. નજીકના અપમિન્સ્ટર અને કેન્ટમાં ડાર્ટફોર્ડમાં ટેમ્સ નદીના કિનારા પર પણ મોટી આગ ફાટી નીકળી હતી. લંડનમાં પણ ઘણા સ્થળોએ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડે ઇમર્જન્સી જાહેર કરી હતી. એકલા વેનિંન્ગ્ટનમાં 15 ફાયર એન્જિન સાથે 100 લાશ્કરો આગ બૂઝાવવાના કામમાં રોકાયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter