અલ કાયદા સુપ્રીમો ઝવાહિરી અમેરિકાના હુમલામાં ઠાર

લાદેનની હત્યાના 11 વર્ષ બાદ અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના વધુ એક માસ્ટર માઇન્ડને હણી નાખ્યો

Tuesday 02nd August 2022 15:49 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાએ 11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલાના મુખ્ય માસ્ટર માઇન્ડ પૈકીના એક અને ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ કાયદાનું નેતૃત્વ સંભાળનાર આતંકવાદી સરગણા અયમાન અલ ઝવાહિરીને હણી નાખ્યો છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડેને જાહેરાત કરી હતી કે વર્ષો સુધી શોધ ચલાવ્યા બાદ આખરે અમેરિકાની સેનાએ શનિવારે રાત્રે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ડ્રોન વડે ફાયર કરેલા બે હેલફાયર મિસાઇલના હુમલામાં ઝવાહિરી માર્યો ગયો હતો.
અમેરિકાએ ઝવાહિરીના માથા પર 25 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરી રાખ્યું હતુ. તેમ છતાં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ઝવાહિરી કાબુલમાં આવેલા તેના નિવાસસ્થાનમાં નિયમિત રીતે જાહેરમાં દેખા દેતો હતો.

અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કરે, 2011માં પાકિસ્તાનના અબોટાબાદ ખાતે લાદેન પર કરાયેલા હુમલાની જેમ આ ઓપરેશનને પણ અત્યંત ગુપ્ત રખાયું હતું.
ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારબાદ અલ કાયદાના આતંકવાદીઓ પણ અફઘાનિસ્તાનમાં મજબૂત બની રહ્યાં હતાં. તેથી ઝવાહિરી પણ અફઘાનિસ્તાનમાં હોવા અંગે કોઇ આશ્ચર્ય નહોતું તેમ છતાં તેને શોધી કાઢવો એટલો સરળ નહોતો. ઘણા વર્ષોથી ઝવાહિરીને સપોર્ટ કરી રહેલા નેટવર્કથી અમેરિકા માહિતગાર હતો પરંતુ પહેલીવાર અમેરિકી ગુપ્તચર એજન્સીઓને જાણ થઇ હતી કે ઝવાહિરી તેની પત્ની, દીકરી અને તેના સંતાનો સાથે કાબુલમાં આવી ગયો છે.
અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમે ઝવાહિરીને જાણ ન થાય તે રીતે સતત તેને શોધતાં રહ્યાં હતાં અને એક દિવસ તે અમારા ધ્યાનમાં આવી ગયો. અમે તેને થોડા સમય સુધી સંખ્યાબંધ વાર તેની બાલ્કનીમાં આવતો જોયો હતો.

ઝવાહિરી પર હુમલાની યોજના મે અને જૂન મહિનામાં તૈયાર કરાઇ હતી. અમેરિકી અધિકારીઓએ ઝવાહિરી રહેતો હતો તે ઇમારત અને તેના પરિવારની તમામ ગતિવિધિઓ પર નજર રાખી હતી. ઇમારતને વધુ નુકસાન ન થાય અને ઓછામાં ઓછા નાગરિકો પર જોખમ રહે તે રીતે હુમલો કરવાની યોજના તૈયાર કરાઇ હતી.

ડિફેન્સ અને ઇન્ટેલિજન્સના અધિકારીઓ દ્વારા જૂન મહિનામાં હુમલાને અંતિમ ઓપ અપાયો અને 1 જુલાઇના રોજ સમગ્ર યોજના પ્રમુખ જો બાઇડેન સમક્ષ રજૂ કરાઇ હતી. 25મી જુલાઇએ બાઇડેન દ્વારા યોજનાને લીલી ઝંડી બતાવાયા બાદ હુમલાને અંતિમ અંજામ અપાયો હતો.

બીજીતરફ તાલિબાને આરોપ મૂક્યો હતો કે અમેરિકાએ ઝવાહિરી પર હુમલો કરીને દોહા કરારનું ઉલ્લંઘન કર્યું છે. ઝવાહિરીના મોત બાદ હવે ઇજિપ્તની સેનાનો પૂર્વ કર્નલ અને હાલ અલ કાયદામાં નંબર ટુ ગણાતો સૈફ અલ આદેલ ઝવાહિરીનું સ્થાન લઇ શકે છે. અમેરિકાએ તાજેતરમાં અલ માસરીની હત્યા કર્યા બાદ આદેલ આતંકી સંગઠનમાં નંબર ટુના સ્થાને આવી ગયો હતો.

અયમાન અલ ઝવાહિરી

- 19 જૂન 1951ના રોજ ઇજિપ્તના કેરોમાં પ્રોફેસર પિતાના ત્યાં જન્મ

- તેજસ્વી વિદ્યાર્થી, આંખનો સર્જન બન્યો અને કેરોની ક્લિનિકમાં કામગીરી

- ઇસ્લામિક સ્કોલર સૈયદ કુત્બની વિચારધારાથી પ્રભાવિત

- 1966માં ઝવાહિરીએ ઇજિપ્તની સેક્યુલર સરકાર ઉથલાવવા આતંકવાદી જૂથની રચના કરી

- 1971માં ઇજિપ્તના પૂર્વ પ્રમુખ અનવર સાદતની હત્યાના કાવતરા માટે ધરપકડ

- 1984માં જેલમાંથી મુક્ત થયા બાદ પાકિસ્તાનના પેશાવર પહોંચ્યો

- પાક.-અફઘાન સરહદ પર સોવિયેત સેના સામે લડતા ઇસ્લામિક લડાકુઓની સારવાર કરતો હતો

- લાદેનના સંપર્કમાં આવ્યા બાદ તેનો પર્સનલ ડોક્ટર બની ગયો

- લાદેન અલ કાયદાની ચેકબુક હતો તો ઝવાહિરી આતંકી યોજનાઓનો માસ્ટર માઇન્ડ

- 2011માં લાદેનના મોત બાદ અલ કાયદાનો સર્વેસર્વા બની ગયો


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter