ગુજરાતીઓ માટે એપીપીજી – ભારતીય સમુદાય સંપુર્ણ વિમુખ

સૌથી મોટા સવાલો – સાંસદ કોના માટે કામ કરે છે... સમાજ, પ્રતિબદ્ધ મતદારો અથવા તો વિભાજનકારી પરિબળો માટે? જાતિ, વંશ અને રંગના નામે લોકોને વિભાજિત કરવા કે એકજૂથ કરવા??

Tuesday 18th April 2023 12:46 EDT
 
 

લંડન

ગુજરાતીઓ માટે એપીપીજીના નામે હજુ વિભાજનકારી વિચાર અમલમાં મૂકતી પ્રવૃત્તિઓ જારી છે. 25મી એપ્રિલે પાર્લામેન્ટ હાઉસમાં ગુજરાતીઓ માટેના એપીપીજીનો જાહેર પ્રારંભ કરવાની જાહેરાત કરી દેવાઇ છે. જનતા અને ચોક્કસ સમુદાય વિરોધ કરતો હોય ત્યારે આમ કેવી રીતે બની શકે?? દુર્ભાગ્યની વાત તો એ છે કે આપણા પ્રિય સાંસદ ગેરેથ થોમસને સમાજની ચિંતાનો જવાબ આપવાનો જરાપણ સમય નથી. બીજીતરફ વિભાજનકારી પરિબળો દ્વારા આયોજિત કાર્યક્રમની તૈયારી અને બેઠકોમાં સામેલ થવાનો તેમની પાસે ભરપૂર સમય છે. હવે સૌથી મોટા સવાલો એ છે કે, સાંસદ કોના માટે કામ કરે છે... સમાજ, પ્રતિબદ્ધ મતદારો અથવા તો વિભાજનકારી પરિબળો માટે? જાતિ, વંશ અને રંગના નામે લોકોને વિભાજિત કરવા કે એકજૂથ કરવા??

ગુજરાતીઓ માટે એપીપીજીની રચનાનો એક ડઝન કરતાં વધુ સંગઠનોએ વિરોધ કરી સાંસદ ગેરેથ થોમસને પત્રો લખ્યાં છે. સમુદાય વતી ગુજરાત સમાચાર અને એશિયન વોઇસે તેમને ખુલ્લો પત્ર પણ પાઠવ્યો હતો. આટલા બધા પ્રયાસો  છતાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસને ગેરેથ થોમસના ઓફિસ મેનેજર મેલ ક્રોસ્બી તરફથી ફક્ત એક જ જવાબ મળ્યો છે. ક્રોસ્બીએ જવાબમાં જણાવ્યું છે કે, ગેરેથ થોમસ હાલ રજા પર છે પરંતુ હું આ મામલો આગામી સપ્તાહમાં તેમની સમક્ષ ઉઠાવવાનો છું અને તેમની સાથે મુલાકાતનો સમય જેમ બને તેમ ઝડપથી નક્કી કરી આપીશ. સાંસદ ગેરેથ તરફથી અમને આ એક જ જવાબ પ્રાપ્ત થયો છે.

ગુજરાતીઓ માટેની એપીપીજીનો પ્રારંભ રદ કરીને ગ્રુપને વિખેરી નાખો – વિહિપ, યુકે

ગુજરાતીઓ માટે એપીપીજીની રચનાનો વિશ્વ હિન્દુ પરિષદ યુકે અને વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. વિહિપ યુકેના પ્રમુખ ડો. ટી પી જોટંગિયાએ સાંસદ ગેરેથ થોમસ, સાંસદ બોબ બ્લેકમેન અને એપીપીજીના અન્ય પદાધિકારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે, અમને જાણવા મળ્યું છે કે તમે પાર્લામેન્ટ હાઉસમાં 25 એપ્રિલ મંગળવારના રોજ ગુજરાતીઓ માટેના એપીપીજીનો પ્રારંભ કરવા જઇ રહ્યા છો. અમે માનીએ છીએ કે આ તમારા દ્વારા થઇ રહેલો ભાગલાવાદી પ્રયાસ છે કારણ કે બ્રિટનમાં ભારતના તમામ સમુદાયો માટે અલગ અલગ એપીપીજીની કોઇ આવશ્યકતા નથી. અમારી પાસે હિન્દુઓ અને ભારત માટેનું એપીપીજી અસ્તિત્વમાં છે. વિહિપ તમને આ પ્રયાસ અટકાવીને ગુજરાતીઓ માટેના એપીપીજીને વિખેરી નાખવાની અપીલ કરે છે.

આ નર્યો બકવાસ છે... – કપિલ દુદકિયા

આ ભાગલાવાદી પ્રયાસમાં જોડાયેલા અને તેમના સમર્થકોની કોલમ લેખક કપિલ દુદકિયાએ આકરી ટીકા કરી છે. તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, ઇસ્ટર્ન આઇ દ્વારા નર્યો બકવાસ કરવામાં આવ્યો છે. ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી તમામ રાષ્ટ્રીય સંસ્થાઓએ આ એપીપીજીનો વિરોધ કર્યો છે. હકીકતમાં તેમાંથી કોઇનો સંપર્ક પણ કરવામાં આવ્યો નથી. મને આશ્ચર્ય એ વાતનું છે કે આ પાગલપનની નોંધ લેવાની પણ તમે લોકોએ કોઇ દરકાર કરી નથી.

સમાજને એકજૂથ કરવાની જરૂર છે ત્યારે એપીપીજી ગુજરાતી તેમાં અવરોધ બનશે – પરમ શક્તિ પીઠ

યુકેની પરમ શક્તિ પીઠે ગુજરાતીઓ માટે અલગ એપીપીજીની રચના સામે ગંભીર વાંધા ઉઠાવ્યા છે. યુકેની પરમ શક્તિ પીઠના ડો. હર્ષા જાનીએ ગુજરાતીઓ માટેના એપીપીજીના તમામ હોદ્દેદારોને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, અમારા સભ્યોમાં મોટાભાગના યુકેના ગુજરાતી છે. તેઓ  વિભાજનકારી અને ગેરમાર્ગે દોરતા પગલાને આપણા સમુદાયોમાં ભાગલાની કવાયત માને છે. અમે 25મી એપ્રિલે ગુજરાતી માટેના એપીપીજીનો પ્રારંભ રદ કરીને તેને વિખેરી નાખવાની અપીલ કરીએ છીએ. બ્રિટિશ ભારતીયો અને હિન્દુ સમુદાયો, તેમાં પણ વિશેષ ગુજરાતીઓ યુકેના અર્થતંત્રમાં તેમના યોગદાન અને વિવિધ ધર્મો વચ્ચેના સંબંધો માટે ગૌરવ અનુભવે છે. આપણે આપણી ભાવિ પેઢીઓ માટે બ્રિટનને સમુદ્ધ બનાવવા અને ભારત તથા તેના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો સાથેના સંબંધો મજબૂત બનાવવા કામ કરવા સમુદાયોને એકજૂથ કરવાની જરૂર છે ત્યારે ગુજરાતીઓ માટે અલગ એપીપીજીની રચના ભાગલા પડાવશે. અમે એકજૂથ બ્રિટિશ હિન્દુ અને ભારતીય સમુદાયનો પ્રસ્તાવ મૂકીએ છીએ અને ભારતીય મૂળના સાંસદોને બ્રિટિશ હિન્દુઓ અને ભારત માટે એપીપીજીની રચનાની અપીલ કરીએ છીએ.

ભાગલાવાદી પ્રવૃત્તિ સામે સામાજિક સંગઠનોના સવાલ અને ચેતવણી

ગુજરાતીઓ માટે અલગ એપીપીની રચનાના પ્રસ્તાવ પર ઘણા સામાજિક સંગઠનો સવાલ ઉઠાવી રહ્યાં છે. તેમનો આરોપ છે કે આ માટે ગુજરાતી સમુદાયના આગેવાનો અને સંગઠનો સાથે કોઇ ચર્ચા કરવામાં આવી નથી. તેમણે ચેતવણી આપી છે કે આ પ્રકારના પ્રયાસથી સમાજમાં ભાગલા જ સર્જાશે.

ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ યુકે

સંસ્થાએ પત્રમાં જણાવ્યું હતું કે, અમારા મતે ગુજરાતીઓ માટે એપીપીજીની રચના બ્રિટિશ ઇન્ડિયન કોમ્યુનિટીની અને ભારતની વૈવિધ્યતામાં એકતા પર હુમલો છે. વિશાળ ભારતીય સમુદાયમાં ભાગલા પડાવવાની આ પ્રકારના બદઇરાદાભર્યા પ્રયાસોને પ્રોત્સાહન આપવું જોઇએ નહીં.

ભાદરણ બંધુ સમાજ યુકે

સંસ્થાએ ચેતવણી આપી છે કે આ એપીપીજી યુકેમાં ભારતીય સમુદાયમાં વિભાજનને પ્રોત્સાહન આપે છે. તેનાથી યુકેમાં હિન્દુ સમુદાય તેની સાંસ્કૃતિક ઓળખ અને વારસાને ગુમાવી દેશે. પ્રમુખ બિમલ પટેલ જણાવે છે કે આપણે એક સમાજ તરીકે એકજૂથ રહેવું જોઇએ. ભારત પર સંસ્થાનવાદી નિયંત્રણ માટે અપનાવવામાં આવેલી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ વિભાજનની ચેતવણી આપે છે. એવી ચિંતા પ્રવર્તી રહી છે કે ભારતની જેમ યુકેમાં પણ ભારતીય સમુદાય સંખ્યાબંધ સમુદાયોમાં વિભાજિત થઇ જશે.

હિન્દુ સ્વયંસેવક સંઘ

સંસ્થાના પ્રમુખ ધીરજ શાહે જણાવ્યું હતું કે, સાંસદોના આ કૃત્યને ભારત સરકાર સ્વીકારશે નહીં અને તેને વિભાજનકારી કૃત્ય ગણાશે.

ગુજરાતી માટેના એપીપીજીનો વિરોધ કરતા સંગઠનો

  1. હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (સેંકડો હિન્દુ સંગઠનો અને મંદિરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા)
  2. નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ – યુકેમાં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી સંસ્થા
  3. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે, ભારતને એકસૂત્રે બાંધનાર સરદાર વલ્લભભાઇ પટેલની વિચારધારાને અનુસરતી સંસ્થા
  4. નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ – યુકેમાં હજારો ગુજરાતી પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા
  5. ઇનસાઇટ યુકે
  6. એચએસએસ યુકે – 67 શહેરમાં સક્રિય 110 કેન્દ્ર, મોટાભાગના સભ્યો ગુજરાતી
  7. પરમ શક્તિ પીઠ યુકે – સ્થાપક દીદીમા સાધ્વી ઋતંભરાજી
  8. સી બી પટેલ, એશિયન વોઇસ, ગુજરાત સમાચાર – યુકેમાં અગ્રણી એશિયન મીડિયા હાઉસ

comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter