નવી દિલ્હી: અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર આ ટેરિફ સાતમી ઓગસ્ટથી અમલમાં આવશે. આ સાથે, ટ્રમ્પે ભારતના અર્થતંત્ર વિશે પણ ગંભીર ટિપ્પણી કરી. તેમણે રશિયા સાથે ભારતના અર્થતંત્રને મૃત અર્થતંત્ર ગણાવ્યું હતું. ટ્રમ્પનું નિવેદન વાસ્તવિકતાથી ખૂબ જ દૂર છે. જે ભારત નહીં પણ સમગ્ર દુનિયા કહી રહી છે.
આઇએમએફની નજરે...
પ્રમુખ ટ્રમ્પના નિવેદનના એક દિવસ પહેલા, 29 જુલાઇએ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ તેના સભ્ય દેશોના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (WEO)નું નવું મૂલ્યાંકન બહાર પાડયું હતું. આઇએમએફમાં 191 સભ્ય દેશો છે. આઇએમએફએ નાણાકીય વર્ષ 2026-2027માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. આ અગાઉના અંદાજ કરતાં થોડો વધારે છે. આઇએમએફે WEO રિપોર્ટમાં કહ્યું છે કે તેણે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 0.2 ટકા એટલે કે 20 બેસિસ પોઈન્ટ વધારીને 6.4 ટકા કર્યો છે. તે જ સમયે, આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે વૃદ્ધિ દરનો અંદાજ 0.1 ટકા એટલે કે 10 બેસિસ પોઈન્ટ વધારીને 6.4 ટકા કર્યો છે. આ દર્શાવે છે કે ભારતનું અર્થતંત્ર કઈ ગતિએ વધી રહ્યું છે. આઇએમએફે યુએસ GDP માટે વૃદ્ધિ દર 1.9 ટકા રહેવા અંદાજ લગાવ્યો છે. 2023 માં તે 2.9 ટકા હતો.
વર્લ્ડ બેન્કની નજરે...
વર્લ્ડ બેંકે એપ્રિલમાં 2025-26 માટે ભારતના વિકાસ દરનો અંદાજ 6.7 ટકાથી ઘટાડીને 6.3 ટકા કર્યો. પરંતુ ગયા મહિને જારી ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં, વિશ્વ બેંકે કહ્યું હતું કે અનિશ્ચિતતાને કારણે નિકાસ પર દબાણ છતાં, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા રહેશે.
એડીબીની નજરે...
બીજી બાજુ, એશિયન ડેવલપમેન્ટ બેંકે 23 જુલાઈના રોજ અંદાજ લગાવ્યો હતો કે ભારતનો જીડીપી 2025માં 6.5 ટકા અને 2026માં 6.7ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. વિશ્વની ત્રણ મુખ્ય રેટિંગ એજન્સીઓ મૂડીઝ, S&P અને ચિ દ્વારા પણ ભારતના અર્થતંત્ર વિશે સમાન અભિપ્રાય વ્યક્ત કરાયો હતો.
મૂડીઝની નજરે...
ભારતનું અર્થતંત્ર ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે આ વર્ષે 6 મેના રોજ બહાર પાડવામાં આવેલા તેના અહેવાલમાં 2025માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. મૂડીઝે આશા વ્યક્ત કરી હતી કે 2026માં દેશની અર્થવ્યવસ્થામાં તેજી આવશે અને તે 6.5 ટકાની ગતિએ વૃદ્ધિ પામશે. આનો અર્થ એ થયો કે 2025 કરતાં 2026માં ભારતનું અર્થતંત્ર વધુ ઝડપથી વધશે.
S&Pનો અંદાજ...
આ વર્ષે S&P ગ્લોબલ રેટિંગ્સે ભારતના અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જૂનમાં જાહેર થયેલા એશિયા-પેસિફિક ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં, આ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ભારતમાં સ્થાનિક માંગ મજબૂત છે, જે વૈશ્વિક પડકારો છતાં અર્થતંત્રને ગતિ આપે છે. એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. અગાઉ તેણે વૃદ્ધિ દર 6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
ફિચ રેટિંગ્સની નજરે...
ફિચ રેટિંગ્સે આ વર્ષે 22 મેના રોજ 2028 માટે ભારતના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.4 ટકા કર્યો હતો. આ રેટિંગ એજન્સીએ નવેમ્બર 2023માં તે 6.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. ફિચે પાંચ વર્ષ માટે જીડીપી અંદાજોને અપડેટ કર્યા અને કહ્યું કે 2023ના અહેવાલ સમયે ભારતીય અર્થતંત્ર અમારી અપેક્ષા કરતાં વધુ મજબૂત રીતે ઉછળ્યું છે.
ભારત વિશ્વની ચોથી મોટી ઈકોનોમી
‘ફોર્બ્સ’નાં જણાવ્યા મુજબ અમેરિકા હાલ 30.51 ટ્રિલિયન ડોલર સાથે વિશ્વની સૌથી મોટી ઈકોનોમી છે તે પછી 19.23 ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા નંબરની અને 4.74 ટ્રિલિયન ડોલર સાથે જર્મની ત્રીજા નંબરની જ્યારે 4.19 ટ્રિલિયન ડોલર સાથે ભારત ચોથા નંબરની સૌથી મોટી ઈકોનોમી છે. ભારતનો આર્થિક વિકાસ દર 2025 અને 2026માં 6.4 ટકાના દરે વધશે. ચીનની ઈકોનોમી 2025માં 4.8 ટકા અને 2026માં 4.2 ટકાના દરે વધશે જ્યારે અમેરિકાની ઈકોનોમી 2025માં 1.9 ટકા અને 2026માં 2 ટકાના દરે વધશે.