જીત મળી, પણ જ્વલંત નહીં

Wednesday 05th June 2024 08:02 EDT
 
 

નવી દિલ્હીઃ અઢારમી લોકસભા માટેની ચૂંટણીમાં મતદારોએ અદભૂત જનાદેશ આપ્યો છે. ભાજપ જીતીને પણ હાર્યા જેવી સ્થિતિમાં છે તો કોંગ્રેસ હારીને પણ જીતનો આનંદ માણી રહી છે. દેશના 64 કરોડ મતદારે સતત ત્રીજી વાર એનડીએની ઝોળીમાં બહુમતી ઠાલવી તો દીધી છે પરંતુ INDI એલાયન્સમાં ચેતનાનો સંચાર કર્યો છે. 10 વર્ષમાં પહેલી વાર મતદારોએ ભાજપને એકલપંડે સરકાર બનાવવા જેટલી બેઠકો પણ આપી નથી. કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં આપીને મતદારોએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં મોરચા સરકારનો યુગ ફરી શરૂ થશે ને પ્રાદેશિક પક્ષો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
નાયડુ - નીતીશકુમાર કિંગમેકર
એનડીએને ચૂંટણી પરિણામમાં પૂર્ણ બહુમતી મળ્યા પછી ભાજપમાં ભાવિ સરકાર મુદ્દે મંથન શરૂ થઈ ગયું છે. 543 બેઠક ધરાવતી લોકસભામાં 240 પર અટકીને ભાજપ 272ના જાદુઈ આંકડાથી 32 બેઠક પાછળ રહ્યો છે. દરમિયાન, આંધ્ર પ્રદેશમાં 16 બેઠક જીતનારા ચંદ્રાબાબુ નાયડુ અને બિહારમાં 12 બેઠક લાવનારા નીતીશકુમાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. નાયડુએ કહ્યું હતું કે આંધ્રની પ્રજાએ અમારી યુતિ પર વિશ્વાસ રાખીને અમને જંગી વિજય અપાવ્યો છે. અમે એનડીએ સાથે છીએ. બીજી તરફ વડા પ્રધાન મોદીએ નીતીશ અને નાયડુને ફોન કરીને એનડીએની બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. નાયડુએ મંગળવારે સાંજે પત્રકાર પરિષદ રદ કરી હતી. એ પહેલાં પરિણામો પછી ગૃહ મંત્રી અમિત શાહે ટીડીપીના વડા ચન્દ્રાબાબુ નાયડુ, જનતા દળ (યુ)ના વડા નીતીશકુમાર સહિત એનડીએના અન્ય સાથીઓને ફોન કરીને પરિણામો અંગે પ્રતિક્રિયા મેળવી હતી.
વિપક્ષી જૂથ પણ નીતીશકુમાર - નાયડુને સાધવા પ્રયાસ કરી રહ્યું હોવાથી ભાજપના નેતાઓની મેરેથોન બેઠક મોડી રાત સુધી ચાલી હતી. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પક્ષની નેતાગીરી સાથે પરિણામ અંગે સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એનડીએ પર ફરી વિશ્વાસ બદલ જનતા જનાર્દનનો આભાર. પહેલી વાર જગન્નાથની ધરતી પર ભાજપના મુખ્યમંત્રી હશે. ભાજપે પહેલી વાર કેરળમાં પણ બેઠક જીતી છે.
શનિવારે શપથવિધિ?
એનડીએના સાથી પક્ષો સાથે વાતચીત કર્યા પછી ગુરુવારે ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળશે. તેમાં સરકારની રચના અને સોગંદવિધિ કરવાની તારીખ નક્કી થઈ શકે છે. નવી સરકાર સંભવત શનિવાર - આઠમી જૂને શપથવિધિ લઇ શકે છે. બીજી તરફ, જનતા દળ (યુ) નેતા કે. સી. ત્યાગીએ કહ્યું, ચૂંટણી પહેલાં એનડીએ અંગે અમારું જે વચન હતું, તે અત્યારે પણ છે.
મોદીને જાકારો મળ્યોઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી લડાઇ બંધારણ બચાવવા માટે હતી જેમાં અમારો વિજય થયો છે અને લોકોએ નરેન્દ્ર મોદીને જાકારો આપ્યો છે. INDIAની બેઠકમાં ભાવિ રણનીતિ નક્કી કરાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter