ટોરી પાર્ટીના વિજયરથમાં મોટા માથાં રગદોળાયાં

લિબરલ ડેમોક્રેટ્સ નેતા જો સ્વિન્સન,ડીયુપીના નાયબ નેતા નાઈજેલ ડોડ્સ, ટોરી બ્રેક્ઝિટીઅર ઝાક ગોલ્ડસ્મિથ, શેડો કેબિનેટ મિનિસ્ટર સ્યુ હેમાન,લિબ ડેમના ચુકા ઉમન્નાને પણ મતદારોએ જાકારો આપ્યો

Wednesday 18th December 2019 02:15 EST
 
 

લંડનઃ ટોરી પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં ભારે બહુમત હાંસલ કર્યો તેની સાથે અનેક રાજકીય માંધાતાએ તેમની બેઠક ગુમવવી પડી છે. લિબરલ ડેમોક્રેટ્સ નેતા જો સ્વિન્સન તેમની બેઠક હારી ગયાં હતાં અને તેમણે પક્ષના નેતાપદેથી તત્કાળ રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાંત, ડીયુપીના નાયબ નેતા નાઈજેલ ડોડ્સ, ટોરી બ્રેક્ઝિટીઅર ઝાક ગોલ્ડસ્મિથ, શેડો કેબિનેટ મિનિસ્ટર સ્યુ હેમાન અને હાલ લિબ ડેમના ચુકા ઉમન્નાને પણ મતદારોએ જાકારો આપ્યો હતો.

૩૯ વર્ષીય જો સ્વિન્સને જુલાઈમાં જ લિબ ડેમ પાર્ટીનું સુકાન સંભાળ્યું હતું અને તેઓ વડા પ્રધાન બની શકે તેવા ઉમેદવાર ગણાયાં હતાં. જોકે, ઈસ્ટ ડનબાર્ટનશાયર બેઠક પરથી સ્કોટિશ નેશનલ પાર્ટીના એમી કાલાઘનના હાથે માત્ર ૧૪૯ મતથી તેઓ પરાજિત થયાં હતાં. તેના પરાજયના કારણે લિબ ડેમ્સ પાર્ટીએ ત્રણ કરતાં ઓછાં વર્ષમાં ચોથા નેતાની શોધ કરવી પડશે.

લેબર પાર્ટીના ઉમેદવારો મેલિન ઓન (ગ્રિમ્સબી), કેરોલિન ફ્લિન્ટ (ડોન વેલી) અને કોર્બીનના ખાસ સાથી લોરા પિડકોક (નોર્થ વેસ્ટ ડરહામ) પણ પરાજિત થયાં છે. મિસ પિડકોકને કોર્બીનના વારસદાર ગણાવાયાં હતાં. શેડો એન્વિરોન્મેન્ટ સેક્રેટરી સ્યૂ હેમાન કમ્બરિયાની વર્કિંગ્ટન બેઠક પર પરાજિત થયાં છે.

લેબરના પૂર્વ પીઢ સાંસદ અને કોર્બીનના ટીકાકાર ફ્રાન્ક ફિલ્ડ બિર્કેનહીડ બેઠક પર અપક્ષ તરીકે લડ્યા હતા અને સત્તાવાર લેબર ઉમેદવાર સામે હાર્યા હતા. અગાઉ, લેબર શેડો બિઝનેસ મિનિસ્ટર ચુકા ઉમન્ના સિટીઝ ઓફ લંડન એન્ડ વેસ્ટમિન્સ્ટર બેઠક પરથી પરાજિત થયા છે. ઉમન્ના લેબર પાર્ટી છોડી ઈન્ડિપેન્ડન્ટ ગ્રૂપમાં અને તે પછી લિબરલ ડેમોક્રેટ્સમાં સામેલ થયા હતા.

ડીયુપીના નાયબ નેતા નાઈજેલ ડોડ્સની સિન ફિનના ઉમેદવારના હાથે બેલફાસ્ટ નોર્થમાં ભારે હાર થઈ હતી. આર્યલેન્ડના ભાગલા પછી પહેલી વખત આ બેઠક રિપબ્લિકન્સના હાથમાં ગઈ છે. બ્રેક્ઝિટીઅર ટોરી અને એન્વિરોન્મેન્ટ મિનિસ્ટર ઝાક ગોલ્ડસ્મિથે રિચમોન્ડ પાર્ક બેઠક ગુમાવી છે. આ ઉપરાંત, પૂર્વ એટર્ની જનરલ અને ચૂસ્ત બ્રેક્ઝિટ સમર્થધક ડોમિનિક ગ્રીવ બીકન્સફિલ્ડ બેઠક પરથી હાર્યા હતા. ૨૨ વર્ષથી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર ગ્રીવની નો-ડીલ બ્રેક્ઝિટનો વિરોધ કરવા બદલ ટોરી પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter