બ્રિટનની સૌથી મોટી નવનિર્મિત બૈતુલ ફુતુહ મસ્જિદનું ભવ્ય ઉદ્ઘાટન

2015ની ભયાનક આગમાં ત્રીજા ભાગની મસ્જિદનો નાશ થયો હતો

Thursday 09th March 2023 00:25 EST
 
 

લંડનઃ 2015ની ભયાનક આગમાં નષ્ટ થયેલી બ્રિટનની પ્રતિષ્ઠિત બૈતુલ ફુતુહ મસ્જિદનું પુનઃનિર્માણ કરાયા પછી અહમદિયા મુસ્લિમ કોમ્યુનિટીના નેશનલ પીસ સિમ્પોઝિયમ ખાતે નવા કોમ્પ્લેક્સમાં ભવ્ય ઉદ્ઘાટન કરાયું છે. વિનાશક આગની જવાળાઓમાં મલ્ટિપરપઝ હોલ્સ સહિત મસ્જિદ સંકુલના લગભગ ત્રીજા ભાગનો નાશ થયો હતો. મસ્જિદનું પુનઃનિર્માણ પૂર્ણ થવાની સાથે લંડનના લેન્ડસ્કેપમાં નવા 20 મિલિયન પાઉન્ડની પાંચ મજલાની ઓફિસ સ્પેસ અને ગેસ્ટ રૂમ્સ સહિતની સુંદર ઈમારતનો સમાવેશ થયો છે. કોમ્યુનિટીના સભ્યો અને સ્થાનિક લોકો ધાર્મિક, સ્પોર્ટ્સ અને કોમ્યુનિટી ઈવેન્ટ્સમાં ભાગ લઈ શકશે.
અહમદિયા મુસ્લિમ કોમ્યુનિટીના વૈશ્વિક વડા અને ખલીફ, નામદાર હઝરત મિરઝા મસરૂર અહેમદના હાથે 2023ના નેશનલ પીસ સિમ્પોઝિયમ ખાતે નવા મસ્જિદ સંકુલનું ઉદ્ઘાટન થયું હતું. આ વર્ષે અત્યાર સુધીનો 17મો રાષ્ટ્રીય શાંતિ પરિસંવાદ યોજાયો હતો જેમાં પાર્લામેન્ટેરિયન્સ, ડિપ્લોમેટ્સ, વિદ્વાનો અને સંખ્યાબંધ ચેરિટી સંસ્થાઓ અને ધાર્મિક સમુદાયોના પ્રતિનિધિઓ સહિત સેંકડો મહેમાનો હાજર રહ્યા હતા.
મસ્જિદોના મહત્ત્વ અને સાચી મસ્જિદની ભૂમિકા વિશે બોલતા નામદાર હઝરત મિરઝા મસરૂર અહેમદે કહ્યું હતું કે, ‘મસ્જિદમાં પ્રવેશ કર્તી વેળાએ સાચા મુસ્લિમને પરમ શાંતિનો અનુભવ થવો જોઈએ અને ઈશ્વરીય આદેશોને પરિપૂર્ણ કરવા સાથે અન્યો માટે શાંતિ અને સલામતીના પ્રતીક પૂરવાર થવું જોઈએ. આપણી (અહમદિયા મુસ્લિમ કોમ્યુનિટી) તમામ મસ્જિદો સર્વશક્તિમાન ઈશ્વર-ખુદાની ઉપાસનાના સ્થાન તરીકે જ નહિ, માનવજાતના અધિકારોની પરિપૂર્ણતા અને વિશ્વમાં શાંતિની સ્થાપનાના સાધન તરીકે પણ ઉપયોગી રહેવું જોઈએ.’
ખલીફે વિશ્વમાં વ્યાપ્ત સંઘર્ષોના સંદર્ભે શાંતિની તાકીદે આવશ્યકતા હોવાં પત્યે ધ્યાન દોરવા પોતાના સંબોધનનો ઉપયોગ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે,‘ ઘણા વર્ષોથી મેં સંપૂર્ણ વિશ્વ યુદ્ધના જોખમોની ચેતવણીઓ આપી છે અને તેના વિનાશક અને જીવલેણ પરિણામો આપણી સમજશક્તિની બહાર હશે તેમ પણ કહ્યું છે. આવા યુદ્ધની આગોતરી ચેતવણી આપ્યા પછી મને આપણે  તેની નજદીક જઈ રહ્યા છીએ એ હકીકત બાબતે જરા પણ સંતોષ લેવા જેવું લાગતું નથી. ખરેખર તો વિશ્વ ભારે ઝડપથી લાખો નિર્દોષ લોકો જીવ ગુમાવશે અથવા કાયમી નાશ પામશે તેવા વિનાશકારી વિશ્વ યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું તેની મને ભારે પીડા અને સંતાપ થઈ રહ્યો છે... આપણી ભાવિ પેઢીઓને શાંતિ અને સમૃદ્ધિનો વારસો આપી જવાના બદલે આપણે તેમને વિદાયની ભેટ તરીકે માત્ર મોત, વિનાશ અને દુઃખ સિવાય કશું આપી જવાના નથી.’
બૈતુલ ફુતુહ મસ્જિદનું નિર્માણ સૌપ્રથમ 2003માં કરાયું હતું અને તેને કોમ્યુનિટીના સભ્યો અને જાહેર જનતા માટે ખુલ્લી મૂકાઈ હતી જેમાં, 10,000થી વધુ ઉપાસકોનો સમાવેશ થઈ શકે છે.
નવા 20 મિલિયન પાઉન્ડના પ્રોજેક્ટનું ભંડોળ અહમદિયા મુસ્લિમ કોમ્યુનિટીના સભ્યો દ્વારા ઉભું કરાયું હતું અને તેની ડિઝાઈન શુદ્ધ ભૌમિતિક અને સપ્રમાણ ગોઠવણી પર આધારિત છે જે સામાન્યપણે ઈસ્લામિક સ્થાપત્યશૈલી અને વિશેષતઃ મસ્જિદોની ડિઝાઈનમાં જોવા મળે છે. પાંચ મજલાના કોમ્પ્લેક્સમાં હવાની કુદરતી અવરજવરસાથેની જગ્યા તેમજ બે વિશાળ મલ્ટિપરપઝ હોલ્સ, ઓફિસીસ અને ગેસ્ટ રૂમ્સનો સમાવેશ થાય છે. નવી ફેસિલિટીમાં સોલાર પેનલ્સ, કાર્યક્ષમ હીટિંગ અને કૂલિંગ સિસ્ટમ્સ સહિત ઓછી ઊર્જા અને ટકાઉ ટેકનોલોજીસના સમાવેશ ઉપરાંત અન્ય ઊર્જા અને જળસંરક્ષણની લાક્ષણિકતાઓ છે જે ગ્રીન ફૂટપ્રિન્ટ્સનો મહત્તમ ફાળો આપે છે.
તસ્વીર સૌજન્યઃ ©AMA UK


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter