મહિલા સશક્તિકરણ, સમસ્યાઓ અને સિદ્ધિઓ વિશે વિચારગોષ્ઠિ

ગુજરાત સમાચારની સુવર્ણજયંતીની ઉજવણી નિમિત્તે બ્રિટિશ એશિયન મહિલાઓની સિદ્ધિઓ અને તેમની સમસ્યાઓ સંદર્ભે અનોખો ઝૂમ ઈવેન્ટ

સુભાષિની નાઈકર Wednesday 03rd May 2023 07:59 EDT
 
 

ગુજરાત સમાચારની ગોલ્ડન જ્યુબિલી ઉજવણીઓનાં ભાગરૂપે ABPL ગ્રૂપ દ્વારા બ્રિટિશ એશિયન મહિલાઓનાં અભૂતપૂર્વ યોગદાન, સિદ્ધિઓ અને સફળતાના ગુણગાન કરવા તેમજ તેમની સમક્ષના પડકારો અને તેના ઉકેલોની વાત કરવા 16 એપ્રિલ, 2023ના દિવસે વિશેષ ઝૂમ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં માનસિક આરોગ્ય, એકલતા અને અને એકાકીપણાં, લૈંગિક અસમાનતા અને મહિલાઓ દ્વારા રોજબરોજના જીવનમાં સામનો કરવો પડે છે તે ઘરેલુ હિંસા જેવાં વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ બે કલાકના કાર્યક્રમનું સંચાલન જાણીતા મહિલા નેતા અને એન્ફિલ્ડ સહેલીના સીઈઓ કૃષ્ણાબહેન પૂજારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં નિષ્ણાત વક્તા તરીકે કાઉન્સિલર રેખાબહેન શાહ, ડો. મેનકા પોથાલિંગમ, મમતાબહેન ટોલીઆ, ગીતાબહેન શાહ, પાયલબહેન પટેલ, રશ્મિબહેન મિશ્રા, કાન્તિભાઈ નાગડા MBE અને કોકિલાબહેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. ભારતીબહેન પટેલનાં મધૂરાં ગીતોએ સલૂણી સાંજ પર જાદુ પાથરી દીધો હતો.

આ કાર્યક્રમમાં ચેરમેન અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલે કહ્યું હતું કે,‘આપણી જવાબદારી છે અને આપણે એ ચોક્કસ કરવા માગીએ છીએ કે આપણે મુખ્યત્વે પુરુષોના વર્ચસ્વ સાથેના વિશ્વમાં રહીએ નહિ. મહિલાઓનો અવાજ પણ સરખો જ હોવો જોઈએ. ગત 50 વર્ષમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના અગ્રણી એડિટર્સમાં મહિલાની બહુમતી રહી છે. ગુજરાત સમાચારમાં જ્યોત્સનાબહેન શાહ અનેો કોકિલાબહેન પટેલ તેમજ એશિયન વોઈસમાં રુપાંજના દત્તા કામગીરીમાં ટોચના સ્થાને રહ્યાં છે. અમે જેનો ઉપદેશ આપીએ છીએ તે કરીએ પણ છીએ.’

સામાજિક કાર્ય, જીવનના અનુભવો અને માનસિક આરોગ્ય

હેરોના કાઉન્સિલર રેખાબહેન શાહે જણાવ્યું હતું કે,‘હું 20 કરતાં વધુ વર્ષથી કાઉન્સિલર છું, કોમ્યુનિટીની સાથે અને હેરો કાઉન્સિલમાં કામ કરી રહી છું. મારું કામ 25 વર્ષ અગાઉ શરૂ થયું હતું જ્યારે મારા પતિ નવીન શાહ પણ કાઉન્સિલર હતા. મેં મેન્ટલ હેલ્થના ક્ષેત્રમાં 22 વર્ષ કામ કર્યું હોવાથી હું તેનું સારું જ્ઞાન ધરાવું છું. તેનાથી મને કાઉન્સિલ મેમ્બર તરીકેની ફરજમાં પણ મદદ મળી છે. એક કાઉન્સિલર તરીકે તમે વિવિધ પ્રકારના લોકો સાથે આદાનપ્રદાન કરો છો અને હાઉસિંગ, એજ્યુકેશન, પ્લાનિંગ, પર્યાવરણ વગેરે સહિત ઘણા મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. તેમને સહાયરૂપ બનવાં જે કાંઈ થઈ શકે તે બધું જ મેં કર્યું છે.’

કામ કરતી વેળાએ તેમની સમક્ષના પડકારો વિશે વાત કરતાં રેખાબહેન શાહે જણાવ્યું હતું કે,‘હેરો અને બ્રેન્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સની ઘટનાઓ વ્યાપક છે ત્યારે મેં કેટલાક પડકારોનો સામનો કરેલો છે. જેઓ તમારી મદદ માગે છે અને કોમ્યુનિટીના સભ્યોની મદદ કરવાના તમે પ્રયાસ કરો જ છો. પરિવારોની પોતાની મુશ્કેલીઓ હોય છે કારણકે તેમના જ ઘરમાં શું ચાલી રહ્યું છે તે સ્વીકારવાનું જ તેઓ નકારે છે. તેઓ એમ જ કહે છે કે તમે જૂઠ્ઠાં છો અને તમારે પુરાવા એકત્ર કરવા જોઈએ. આ કેસ બરાબર રીતે હાથ ધરાયો છે કે નહિ તે ચકાસવા અમે પાછળથી તે સ્થળો-વિસ્તારોની મુલાકાત પણ લેતાં હતાં.’

પોતાનાં જીવનનાં અનુભવો વિશે બોલતાં હેલ્થકેર પ્રોફેશનલ્સના લીડરશિપ કન્સલ્ટન્ટ ડો. મેનકા પોથાલિંગમે જણાવ્યું હતું કે,‘હું માનું છું કે તમારાં જીવનમાં દરેક અનુભવોમાંથી તમારે કશું શીખવું હોય તો તેના પર વિચારમંથન કરો અને તક હાંસલ કરો કારણકે તમે હંમેશાં કાંટાળા માર્ગ પર જ હો છો. હું હંમેશાં કહું છું કે તકો મને ગમે છે જે ગ્લાસ અડધો ભરેલો અથવા અડધો ખાલી કહેવા જેવી હોતી નથી. હું તેમાં સંમત નથી. હું માનું છું કે ખાલી ગ્લાસમાં ભરપૂર હવા હોય જ છે. આપણી સમક્ષની તક પણ તેના જેવી છે. આપણે તેને નિહાળવા માઈક્રોસ્કોપની જ જરૂર રહે છે. આપણે આપણી પાછળ બંધ કરાયેલાં બારણાંને જ જોવામાં એટલાં વ્યસ્ત રહીએ છીએ કે આપણી સામે જ રહેલું બારણું જોવાનું ગુમાવીએ છીએ.’

માનસિક આરોગ્ય સંબંધે પોતાના જ સંઘર્ષો વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે,‘એક સમયે મને ડિપ્રેશનનું નિદાન કરાયું હતું. હું તે સમયની ઘણી સફળ મહિલા ગણાતી હતી. લોકોને તો દેખાતી હતી સુંદર કાર, મઝાની રજાઓ પરંતુ, પડદા પાછળની હકીકતોની કોઈને જાણ ન હતી. આથી હું માનું છું કે કોની પાસે શું છે તેને ધ્યાનમાં લીધા સિવાય દયાળુ બનવાનું પસંદ કરવું મહત્ત્વનું છે કારણકે કોઈની પાછળની કથાની તમને જાણ હોતી નથી. જ્યારે મને હતાશાના લીધે સાઈન-ઓફ કરવામાં આવી ત્યારે મેં કામ પરથી રજાઓ લઈ લીધી. અને તેનાથી મારાં માટે એક પ્રશ્ન ઉભો થયો - શું આ પૂરતું છે? મારાં જીવનનો ઉદ્દેશ શું છે અને હું શું કરવાં ઈચ્છું છું? આ સાથે મેં મારા અંગત વિકાસની યાત્રા આરંભી, હું હિપ્નોથેરાપિસ્ટ અને NLP ટ્રેઈનર બની અને લીડરશિપ કોચિંગ કર્યું.’

તેમણે ઉમેર્યું હતું કે,‘કોવિડકાળ દરમિયાન, અન્ય લોકોની માફક મેં પણ લોકોની મદદ કરવા નિર્ણય કર્યો હતો. શું કરવું તેના વિશે વિચારી રહી હતી અને મેં ‘મીટ મેનકા’ નામે ટોક શો શરૂ કર્યો જેમાં, મેં માનસિક આરોગ્યથી હૃદય તેમજ શ્વસનતંત્રથી કિડની સહિતના વિષયો પર બોલવા લાગી કારણકે આપણે કોઈ પણ મુદ્દાઓ પર વાત કરવાથી શરમાતા નથી. હું માનું છું કે ડોમેસ્ટિક વાયોલેન્સ, યૌનશોષણ, એશિયામાં જ્ઞાતિપ્રથા અને સિંગલ પેરન્ટિંગ સહિત જે તમામ વિષયો પર ચર્ચા કરાઈ હતી તેનો ખુલ્લેઆમ ઉકેલ આવવો જોઈએ. આથી, હું હંમેશાં કહું છું કે મેં તમામ સમજૂતીઓની રેખા ઓળંગી હતી જે કમનસીબે યુદ્ધના શિકારની સાથોસાથ ડાઈવોર્સી અથવા ડિપ્રેશનનું નિદાન કરાયેલી વ્યક્તિ તરીકેની પણ હતી. હું તેનાથી શરમાતી કે સંકોચાતી નથી, એવી આશા સાથે કે કોઈને તેમની ઈચ્છાનુસાર સિદ્ધિ પ્રાપ્ત થતી હોવાં છતાં, તેનાથી બધું બરાબર હોવાનું વિચારવામાં મદદ મળશે.’

વર્જિન એટલાન્ટિક એરવેઝમાં સીનિયર કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ મમતાબહેન ટોલીઆએ માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ અને તેને કેવી રીતે હલ કરવા તે વિશે સંબોધન કરતાં કહ્યું હતું કે,‘મને કળા અને ક્રાફ્ટ્સમાં પણ ઘણો રસ છે. તેનો પરિચય મને મારી માતા અને બહેને કરાવ્યો હતો જેનાથી મને રોજબરોજના તણાવ અને ચિંતાતુરતાનો સામનો કરવામાં મદદ મળી છે. લાગણીશીલતા, માનસશાસ્ત્રીય અને સામાજિક સ્વાસ્થ્ય એ બધાં જ માનસિક સ્વાસ્થ્યના ઘટકો છે. જો આ ઘટકો બરાબર ન હોય તો તેનાથી દેવું, નોકરી ગુમાવવી જેવાં આર્થિક પ્રશ્નો, લગ્નવિષયક સમસ્યાઓ, ડાઈવોર્સ અને પારિવારિક મતભેદો સર્જાય છે.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘તેનાથી આપણી વિચારવા, લાગણીના અનુભવ અને કામકાજ પર અસર થાય છે તેમજ આપણે તણાવનો કેવી રીતે સામનો કરીએ છીએ, અન્ય લોકો સાથેના વર્તન અને કેવી આરોગ્યપ્રદ પસંદગીઓ કરીએ છીએ તેની સાથે પણ તેનો સંબંધ રહે છે. આનું કારણ એ છે કે આપણે જ્યારે માનસિક આરોગ્યની સમસ્યામાંથી પસાર થતાં હોઈએ છીએ ત્યારે તંદુરસ્ત પસંદગીઓ કરતા નથી. આપણે જ્યારે ચિંતિત અને નિરાશ હોઈએ છીએ ત્યારે એવાં કાર્યો કરીએ છીએ જે આપણે ખરેખર કરવાં ન જોઈએ.’

તેમણે કામકાજના સ્થળે માનસિક બીમારી મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે,‘આપણે ઘણી વખત આપણા ઘણા સાથીઓ તેનો સામનો કરી રહ્યા હોવાં વિશે અજાણ હોઈએ છીએ. તમે કદાચ કોઈનું વજન ઉતરી રહ્યું હોવાનું કે તે ચૂપ રહેતા હોવાનું નોંધ્યું હશે. આ સામે દેખાતું નથી. વારંવાર કામ ન થવું અથવા દેખીતાં કારણ વગર નોકરીમાં રજા પાડવી અથવા તદ્દન વિચિત્ર વર્તન કરવું પણ તેના લક્ષણ છે. આથી, તમે પણ જ્યારે સંઘર્ષ કરી રહ્યાં હો ત્યારે ઉકેલ શોધવાં તમારાં સહકર્મચારીઓ પાસે જાવ.જેના પર આધાર, ભરોસો રાખી શકાય અને સારા હમરાઝ અને વિશ્વસનીય સહકર્મી પાસે જાવ. જો તમારે મદદ જોઈતી હોય તો તમારી કંપની અને તમારા બોસના વિકલ્પો પણ વિચારી શકાય. સંખ્યાબંધ સંસ્થાઓથી પાસેથી પણ મદદ મેળવી શકાય. આપણે જેમની સાથે રહીએ છે તે લોકો અને પડોશીઓ પણ દરેક બાબતના મહત્ત્વપૂર્ણ પાસા છે, તમે તેમની મદદ પણ મેળવી શકો છો.’

ઈવેન્ટના સહભાગીઓ વચ્ચે વૈચારિક આદાનપ્રદાન

કાર્યક્રમમાં ભાગ લેનારાઓમાંથી એક દેશવીન કૌર મંગતે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ હલ કરવા મહિલાઓએ કેવી રીતે સ્પોર્ટ્સ અથવા કોઈ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ તેવો પ્રશ્ન પૂછ્યો હતો. આનો ઉત્તર આપતાં મમતાબહેન ટોલીઆએ જણાવ્યું હતું કે,‘ તમે જ્યારે કસરત કરો છો ત્યારે શરીરમાં ઘણા હોર્મોન્સનો સ્રાવ થાય છે જેમાં મુખ્યત્વે ખુશી-આનંદ લાવતા હોર્મોન્સ હોય છે જેનાથી તમને સારું લાગવામાં મદદ મળે છે. ભલે તે થોડા સમય પૂરતું પણ હોય, તે એવી બાબત છે જેના વિશે હું ચોક્કસપણે કહીશ કે ડિપ્રેશન-હતાશા સામે લડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. કસરતનો અર્થ એવો થતો નથી કે તમારે જીમ અથવા તો તેવા અન્ય સ્થળોએ જવું પડે.’

આ જ પ્રશ્નનો ઉત્તર વાળતાં ડો. મેનકા પોથાલિંગમે કહ્યું હતું કે,‘મારાં માનવા મુજબ ઘણી વખત સ્પોર્ટ્સને એટલું પ્રોત્સાહન અપાતું નથી જેટલું અપાવું જોઈએ. જોકે, હું સંપૂર્ણપણે સહમત છું કે સ્પોર્ટ્સના ડાન્સ, યોગ અથવા ચાલવા સહિત કોઈ પણ પ્રકારની કસરત માટે તમારે જીમમાં જવાનું હોતું નથી. માત્ર ચાલવાનું જ પૂરતું છે તે દર્શાવતાં ઘણાં સંશોધનો થયાં છે. કદાચ તમે આપણા પારિવારિક મિત્રો અથવા પડોશીઓ સાથે મળી એક ગ્રૂપ બનાવો અને સપ્તાહમાં ઓછામાં ઓછાં એક વખત ચાલવા જઈ શકો.

આપણે પોતાને કેવી રીતે અભિવ્યક્ત કરવા અથવા કોઈને મદદની જરૂર છે તે જાણવાનો સમય શું તેવો પ્રશ્ન પૂછાતાં ડો. પોથાલિંગમે ઉત્તરમાં જણાવ્યું હતું કે,‘આપણને કહેવામાં આવ્યું છે કે કોઈને કશું કહેવું નહિ, બધું અમર્યાદિતપણે ચાર દીવાલોની અંદર જ રાખવું જોઈએ. આથી, હું તેનો પડઘો પાડું છું અને માનું છું કે આ મોટી સમસ્યાનો એક હિસ્સો છે. આપણને વાત કરવા પ્રોત્સાહન અપાતું નથી અને જો પ્રોત્સાહન અપાય તો પણ માનસિક આરોગ્ય કે ડોમેસ્ટિક વાયોલન્સ વિશે વાત કરી શકાતી નથી. હું સંખ્યાબંધ કોમ્યુનિટી પ્રવૃતિઓમાં જોડાયેલી છું અને ચેરિટી સંસ્થાઓ સાથે સંકળાયેલી છું અને હું જાણું છું કે પ્રશ્ન તો આ જ રહે છે. ખાસ કરીને આ સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાના જમાનામાં દરેક જણ એમ જ દેખાડવા ઈચ્છે છે કે તેમની જિંદગી સમૃદ્ધ થઈ રહી છે, અને દરેક જણ સારા, સંપૂર્ણ સંબંધો ધરાવે છે. સંવેદનાત્મક આરોગ્યની વાત કરીએ તો, તેનાથી અન્ય લોકો પર વધારાનું દબાણ આવે છે. આ મુદ્દા પર પણ વાત શરૂ કરવાનું હવે આવશ્યક બની રહ્યું છે. તમે જાણો છો કે, આપણે આ મુદ્દે વ્યાપકપણે વાત કરવાનું અને તેના વિશે જાગરૂકતા ઉભી કરવાની શરૂઆત નહિ કરીએ, ભલે તે ટોક શો, ચેરિટીઝ કે સંસ્થાઓ મારફત હોય, ગમે તે રીતે હોય, ત્યાં સુધી કશું જ બદલાશે નહિ. તે કદી, કશે પણ અદૃશ્ય થશે નહિ.’

કાઉન્સિલર રેખાબહેન શાહે ઉમેર્યું હતું કે,‘મેં મારાં બાળકોને હંમેશાં સ્પોર્ટ્સ માટે ઉત્તેજન આપ્યું છે કારણકે મેં દરેક વ્યવસ્થા સાથે કામ કરેલું છે અને હું હંમેશાં સલાહ આપું છું કે તમારે બાળકોને આગળ આવી નવું શીખવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે ત્યાં શાળા પછીના સમયમાં ઘણાં ઈવનિંગ ક્લાસીસ છે અને શાળાઓમાં સ્પોર્ટ્સ પણ શીખાવાય છે. મારી ગ્રાન્ડડોટર સપ્તાહમાં બે વખત ત્યાં જાય છે. તમારે તો બાળકોને માત્ર પ્રોત્સાહન આપવાનું છે અને તેમને બહાર મોકલો અને બધા સાથે જોડાવા કહો. હું એક બીજું કામ ચાલવાનું કરું છું. હું હંમેશાં કહું છું કે તમે મિત્રો સાથે અથવા એકલા પણ ચાલવા જાઓ. તમે ચાલતા હશો ત્યારે તમારું મન શાંતિ-આરામ અનુભવે છે અને તેનાથી ઘણી મદદ મળે છે.’

મારે શું બનવું જોઈએ- ગૃહિણી કે કામકાજી મહિલા?

સોફ્ટવેર ક્વોલિટી એનાલિસ્ટ પાયલબહેન પટેલે જણાવ્યું હતું કે,‘ હું એક એવા પ્રશ્ન વિશે વાત કરી રહી છું જે ખરેખર ચોક્કસ તબક્કાની દરેક હિલચાલ પર પરેશાન કરે છે જેમ કે, મારે ગૃહિણી બનવું જોઈએ કે કારકીર્દિ આગળ વધારવી જોઈએ? આને સાચો કે ખોટો પ્રશ્ન કહી ન શકાય. બંને એકસરખું મહત્ત્વ ધરાવે છે. કોઈ પણ બાબત અન્યથી વધુ મહત્ત્વની હોતી નથી. આ ઉપરાંત, તે આપણા વ્યક્તિગત સંજોગો અથવા પસંદગી પર આધાર રાખે છે. આમ છતાં, જો તમે મને પૂછતાં હો તો હું ઉત્તર આપીશ.‘બંને શા માટે ન બની શકાય?; આપણે બંને પરિસ્થિતિ એક સાથે નિષ્ણાતપણે હાથ ધરવા કરતાં પણ વધુ સક્ષમ છીએ.’

તેમણે ઉંમેર્યું હતું કે,‘બંને કાર્ય એક સાથે કરવા તે ખાવાના ખેલ નથી પરંતુ, શક્ય અવશ્ય છે.આપણે જેટલું માનીએ છીએ અથવા મગજમાં ભરી રાખીએ છીએ તેવું તે મુશ્કેલ નથી. આ થઈ શકે છે અને હું મારું અંગત ઉદાહરણ આપીશ. મારાં પ્રથમ બાળક પછી મેં કામમાંથી 9 વર્ષનો વિરામ લીધો હતો. આ પછી, મેં નિર્ણય લીધો કે મારાં બાળકો હવે મોટાં થઈ ગયા છે અને તેઓ પોતાની જાતની સંભાળ રાખી શકે છે. આથી, કામમાં ફરી જોડાવાનું આયોજન કર્યું. આજે હું સતત પાંચ વર્ષથી આઈટી ઈન્ડસ્ટ્રીમાં સફળતાથી કામ કરી રહી છું. આ બધું મારા પરિવારના ટેકા વિના શક્ય બન્યું ન હોત. બાળકો આવ્યાં પછી તેમની સાથે સમય પસાર કરવાં આપણે કારકીર્દિ છોડી દેવા તૈયાર હોઈએ છીએ. જોકે, આપણે બહાર જવાં ઈચ્છતાં નથી કારણકે તમે જણાવ્યું તેમ એકલતા અને માનસિક આરોગ્યની અસર દરેક બાબત પર પડે છે. આથી આપણે કશે બહાર જતાં હોઈએ અને તમે કામ કરતાં હો તેનો અર્થ એવો હરગિજ ન થઈ શકે કે હું નાણા બનાવી રહી છું, મારું કામ સ્વૈચ્છિક અથવા સામાજિક કાર્ય પણ હોઈ શકે છે.’

કામ કરવા પરત ફરવા બાબતે વાત કરતાં શ્રીમતી પટેલે કહ્યું હતું કે,‘આપણે સૌથી પહેલું કામ તો ઘરમાં એવું વાતાવરણ ઉભું કરવાનું કર્યું કે જ્યાં દરેક વ્યક્તિ સમજે કે મારાં માટે બહાર જવું અને કામ કરવું અને પરિવારની માફક કામ કરવું શા માટે મહત્ત્વનું છે? આપણે બધાં શું કરીશુ? આપણે આપણી જવાબદારીઓ કેવી રીતે વહેંચીશું? આપણે કામ કેવી રીતે કરીશું, બાળકોને મૂકવાં જવાનું, બાળકોની સંભાળ, કામકાજના કલાકો, મારે કયા ફિલ્ડમાં જવું છે. જો બાળકોને પણ ચિત્રમાં લાવવામાં આવે તો તેમણે પણ સમજવું રહ્યું કારણકે મારાં નિર્ણયની અસર માત્ર મને થવાની નથી, તે સમગ્ર પરિવારને અસર કરશે, પરિવારના વડીલોને, મારાં પતિ, મારાં બાળકો, બધી જ વસ્તુઓ પર અસર થવાની હતી. સૌ પહેલા અમે આ જ કર્યું. બીજો પાઠ મારે કયા ફિલ્ડમાં કામ કરવું તે જાણવાં વિશે હતો. આ સહેલું ન હતું. જો મેં 9 વર્ષનો વિરામ લીધો હતો તો બહારની ઈન્ડસ્ટ્રી સાથે મારો સંપર્ક તૂટી જ ગયો હતો. આથી, મેં સ્વૈચ્છિક કાર્યમાં જોડાવા સાથે શરૂઆત કરી હતી. શાળામાં ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે સ્વૈચ્છિક કાર્યની શરૂઆત કરી. આ પછી, મેં આસપાસ નજર કરી અને પછી બધાને કહ્યું,‘ મારે કયા ફિલ્ડમાં જવું તેનો નિર્ણય કરી લીધો છે. મેં કેટલાક ઉદ્યોગની માહિતી એકત્ર કરી અને જાતને સજ્જ બનાવી જેથી હું જ્યારે તે ક્ષેત્રમાં પ્રવેશું ત્યારે ત્યાંના પડકારોનો સામનો કરવાં તૈયાર હોઉં. સૌથી મહત્ત્વનું પરિબળ તો એ જ છે કે આપણે પોતાના વિશે સભાન હોઈએ.’ તેમણે ઉમેર્યું હતું કે,‘ આ વિશ્વ વિશાળ જંગલ છે અને આપણે કામ પર જઈએ તે પછી પણ અનેક પડકારો રહે છે અને આજે પણ તમે કેટલાક સરકારી લેખો વાંચ્યાં હોય તો તમને જણાશે કે લૈંગિકતાના આધારે પગારમાં ખાઈ-તફાવત હોય છે અને તે વાસ્તવિકતા છે. આજે પણ યુકેમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે સરેરાશ કમાણીમાં તફાવત દેખાય છે. જો આપણે દિવસની સંખ્યાની દૃષ્ટિએ કહીએ તો સ્ત્રીઓ પુરુષની સરખામણીએ વધારાના બે મહિના મફત જ કામ કરે છે અને ત્યાં લૈંગિક વેતનખાઈ કેવી રીતે આવે? જ્યારે લોકો એક જ હોદ્દા પર કામ કરતા હોય ત્યારે બે વ્યક્તિ એક જ હોદ્દા માટે સમાન વેતન મેળવતા હોય તેના કરતાં અલગ ઝડપે આગળ વધે છે. જોકે, પુરુષોની સરખામણીએ સરકાર વધુ સખત કામ કરતી રહે તેવી અપેક્ષા રખાય છે. દરેક બાબત થવા વિશે સંખ્યાબંધ પદ્ધતિઓ કામ કરે છે.’

કામકાજના સ્થળે કનડગત-હેરાનગતિ અને જવાબદારીઓ વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે,‘ કામના સ્થળે દાદાગીરી અને હેરાનગતિના કેસ જોવા મળે છે. કેટલાકની યોગ્યપણે નોંધ કરાય છે જ્યારે કેટલાકની નથી થતી. આપણે સ્ત્રીઓ બોલવામાં ખચકાઈએ છીએ કારણકે એક મહિલાએ કહ્યું તેમ આપણે ક્યાં જવું અને કહેવું તેના વિશે ચોક્કસ હોતાં નથી. આપણે જ્યારે આપણી સમસ્યાઓ વિશે નિખાલસ અને અવાજ ઉઠાવતા હોઈશું તો જ તેનું નિરાકરણ આવશે. જ્યારે પ્રમોશનનું ઉદાહરણ જોઈએ ત્યારે આપણે મહિલાઓ હંમેશાં મુશ્કેલીમાં આવી જઈએ છીએ. મહિલાઓ પ્રત્યે ભેદભાવ-પૂર્વગ્રહ રખાય છે. જો એક પુરુષ અને એક સ્ત્રી પ્રમોશનને લાયક હોય ત્યારે એવી ઘણી કંપનીઓ છે જ્યાં સ્ત્રીઓને નહિ, પુરુષોને જ આગળ વધવા અને બઢતી મેળવવાના વિકલ્પો મળે છે. લોકો એમ વિચારે છે કે તેમને બેવડી જવાબદારી છે. તેમને કામના સ્થળે વધુ સમતુલા જોઈએ અને તેમની અંગત જવાબદારીઓ તો છે જ. આથી, તેમને પ્રમોશનની વાજબી તક અપાતી નથી. અને સરકારે પણ સ્વીકાર્યું છે કે માત્ર યુનાઈટેડ કિંગ્ડમમાં જ નહિ, સર્વત્ર લૈંગિક ભેદભાવનું અસ્તિત્વ છે. આના પરિણામે, તેમણે ઈક્વાલિટીઝ એક્ટ 2010માં તેનું નિરાકરણ મેળવ્યું છે. તેમણે મહિલાઓ વિરુદ્ધ ભેદભાવના સંખ્યાબંધ પ્રકાર, તે કેવી રીતે થાય છે અને કયા સ્થળે થાય છે તેનું વર્ણન કરેલું છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે તેઓ અને બધા બિઝનેસીસ તેનો અંત લાવવા કામ કરી રહ્યા છે. જો તમે સરકારી વેબસાઈટ્સ પર જશો, અને હવે તો સ્ટોક માર્કેટ ઈવેન્ટ્સ પર રજિસ્ટર્ડ કોઈ પણ કંપનીમાં જેન્ડર પે ગેપ કોલમ અને કંપની તે બાબતે શું કરી રહી છે તે જણાવાય છે. કંપનીઓ આ મુદ્દે કામ કરવા કાયદાથી બંધાયેલી છે.’

મીડિયા સમક્ષ આવતા મુદ્દાઓ અને તેના ઉકેલ

ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલે જણાવ્યું હતું કે,‘પ્રીન્ટ મીડિયામાં મારાં 38 વર્ષના અનુભવ દરમિયાન, અમે ડોમેસ્ટિક વાયોલેન્સ, વ્યભિચાર, શોષણ-અત્યાચાર, એકલતા વગરે સહિત વિવિધ મુદ્દાઓ વિશે જોયું અને જાણ્યું છે. અમે હંમેશાં આવી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી છે. શારીરિક અને માનસિક શોષણનો સામનો કરી રહેલા ઘણા વયોવૃદ્ધો અમારો સંપર્ક કરે છે અને અમે અમારાં અખબારોમાં લેખો પ્રકાશિત કરીને આવા મુદ્દાઓ સંદર્ભે જાગરૂકતા ઉભી કરીએ છીએ. આપણી નજીકના એકલવાયા, અશક્ત અને જરૂરિયાતમંદ વયોવૃદ્ધો સાથે આપણે થોડો સમય પસાર કરવો જોઈએ. આથી, તેમના સંપર્કમાં રહેવા થોડો સમય કાઢવાની અમે સલાહ આપીએ છીએ. મેનોપોઝના ગાળામાં અથવા નિવૃત્તિ પછી માનસિક તણાવનો સામનો કરવા આપણે શું કરી શકીએ તેના વિશે એક વક્તાએ આપણને જણાવ્યું છે. આજકાલ ઘણી મહિલાઓ ગોલ્ફ રમતી થઈ છે જે ખરેખર સારી રમત છે અને માત્ર પુરુષો પૂરતી સીમિત નથી. 40 અથવા 50 વર્ષની થયાં પછી, ઘણી મહિલાઓ ગોલ્ફ રમે છે. મહિલા ગોલ્ફર્સનું એક ગ્રૂપ પણ છે તેઓ એકબીજા સાથે સંપર્કો જાળવી રાખવાના ઈરાદાસર ગોલ્ફ રમે છે. તમે માઈન્ડ થેરાપી પણ મેળવી શકો છો, તમે તમારા મન અથવા તમારા દિલના પણ પ્રવેશી શકો છો અને તમારા મનને પણ તંદુરસ્ત રહેવામાં મદદ મળશે.

અનામી ગ્રૂપ 76ની મહિલાઓ દ્વારા ઘરેલુ હિંસાના શિકારને મદદ

ઈન્સ્પાઈરિંગ ઈન્ડિયન વિમેનના ડાયરેક્ટર રશ્મિબહેન મિશ્રાએ જણાવ્યું હતું કે,‘ યુકેમાં આ મોટી સમસ્યા છે જેને ખાસ કરીને તાજેતરની ઘટનાઓ સંદર્ભે અમારે હલ કરવાની આવી હતી. મહિલાએ માત્ર સ્વરક્ષાનું કાર્ય કર્યું હોવાં છતાં, તેને જેલની સજા કરાઈ હતી. આ ઘટનાના સંજોગો ખરેખર ભયંકર હતા. તે આખી રાત પોક મૂકીને રોતી રહી હતી. આ ઉપરાંત, અમારું એક મહિલા ગ્રૂપ છે જેઓ એકબીજાને પ્રોત્સાહન આપે છે કારણકે અમે તેને પ્રાઈવેટ, બંધ-બારણાના સેટિંગમાં રાખ્યું છે. તે પ્રાઈવેટ એટલા માટે છે કે અમે તે ગ્રૂપનો હિસ્સો છીએ તે અન્ય કોઈને જાણવા દેવા ઈચ્છતાં નથી અને એટલા માટે પણ કે કેટલીક મહિલાઓ તેમણે અનુભવેલું શોષણ જાહેર થાય તેમ ઈચ્છતી ન હોવાથી અનામી રહેવા માગે છે. આના પરિણામે, લગભગ 76 મહિલા પરસ્પર સપોર્ટ આપે છે કારણકે તેઓ સમાન અનુભવમાંથી પસાર થઈ છે. આ ગ્રૂપનું મુખ્ય લક્ષ્ય એકબીજાને મદદ કરવાનું છે જ્યારે કોઈક વ્યક્તિ તેમની સાથે કશું થયું હોય તેનો બળાપો બહાર કાઢે છે. ગ્રૂપના માટો ભાગના સભ્યો એકસરખી પોઝિશનમાં હોવાથી તેઓ પોતાના અનુભવો પર આધારિત સલાહ આપે છે. આ ઉપરાંત, અમારી પાસે સોલિસીટર્સ છે, જેમાંના કેટલાક રેફ્યુજી સેન્ટર્સમાંથી આવે છે. જોકે, અમારી પાસે તાલીમનો અભાવ હોવાથી તેઓ બધાં જ એક બીજાને મદદ કરવા સાથે મળીને કામ કરે છે.’

તેમણે ઉમેર્યું હતું કે,‘ કયા કાયદાઓ કામમાં લાગશે? પોતાની જાતને કેવી રીતે મદદ કરવી? બાળક સાથે અથવા બાળક વિના નોકરીની કઈ તકો છે, કોઈ વધુ શું કરી શકે છે તેમજ આવી પરિસ્થિતિમાં ભારતીય નાગરિકોને કયા વિકલ્પો કામમાં આવે તેવા છે? આવી સ્થિતિમાં શું કરવું અને વિકલ્પો શું છે તેના વિશે લોકો બરાબર જાણતા પણ નથી. આથી, બધી માહિતીને સહભાગી બનાવવી જોઈએ. આપણે બધાએ આવશ્યક નંબર્સ જાણવા જોઈએ, કોનો સંપર્ક કરવો જોઈએ અને આવી બાબતોમાં કેવી રીતે આગળ વધવું જોઈએ તે બાબતો વિશે જાગ્રત રહેવું જોઈએ.’

મહિલાઓમાં એકલતા અને એકાકીપણું

W2Wના સ્થાપક ગીતાબહેન શાહે જણાવ્યું હતું કે,‘મેં એકલતા સામે લડવા W2W પ્લેટફોર્મ સ્થાપ્યું છે. હું જાણું છું કે એકલતા કેટલી સાલે છે. હું ડાઈવોર્સ પ્રક્રિયામાંથી પસાર થઈ છું. મારે નાના બાળકો હોવાથી કોઈ મને જાણવાં-મળવાં ઈચ્છતું ન હતું. કશાની સાથે પણ જોડાવું તે ભારે પડકારરુપ હતું. સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી મળતાં જ મેં સ્ત્રીઓનું એક ગ્રૂપ શરૂ કર્યું હતું. હવે બધું બરાબર ચાલી રહ્યું છે. આ વર્ષથી અમે રજિસ્ટ્રેશન્સ શરૂ કર્યાં છે અને 1000થી વધુ સભ્ય નોંધાયાં છે. 35થી વધુ વોટ્સએપ ગ્રૂપ્સ છે અને તેમાં આરોગ્ય હોય કે કામકાજ, તમામ પ્રકારની સમસ્યા હાથ લેવાય છે. અમે ભજન કાર્યક્રમોના આયોજનો પણ કર્યાં છે અને મહામારી તે ભારે મદદરૂપ સાબિત થયા હતા. આ સંપૂર્ણપણે નવું જ વિશ્વ છે જેનાથી માનસિક આરોગ્ય મુદ્દે પણ મદદ મળતી હોવાના પરિણામે લોકો હતાશાની લાગણી અનુભવતા નથી.’

ઘરેલુ હિંસા અને ઈમિગ્રેશનની સમસ્યાઓ

સંગત સેન્ટરના કાન્તિભાઈ નાગડા MBE, CEOએ જણાવ્યું હતું કે,‘હું એટલું કહીશ કે ઘરેલુ હિંસા એ માત્ર શારીરિક હિંસા નથી પરંતુ, માનસિક અત્યાચાર, સંવેદનાત્મક અને આર્થિક શોષણની સાથોસાથ સંયોગી અંકુશ પણ છે. અન્ય કોઈ પણ કોમ્યુનિટીઓની માફક આપણામાં પણ ડોમેસ્ટિક વાયોલન્સ સામાન્ય છે. આજે પણ એશિયન મહિલાઓ વિચારે છે કે જો તેમની વાત જાહેર થઈ જશે તો લોકો તેમના વિશે શું કહેશે. અમારી પાસે ઈમિગ્રેશનની સાથોસાથ ઘરેલુ હિંસાના કેસીસ પણ આવે છે. આ કેસીસની ટકાવારી ઘણી ઊંચી છે અને હું ઘરેલુ હિંસાને બે કેટેગરીમા વહેંચીશ. પ્રથમ વર્ગમાં યુકેમાં સ્થિર થયેલી મહિલા છે અને તેમને તેમના ઈમિગ્રેશન દરજ્જા અથવા વેલ્ફેર બેનિફિટ્સ સંબંધે કોઈ ચિંતા કરવાની રહેતી નથી. આજની સ્ત્રી પાસે કમાણીની તાકાત હોવાથી તેણે હિંમત દર્શાવી હિંસા સામે ખડા થવું જોઈએ. સ્ત્રીઓએ તેમના પતિ તેમના પર અંકુશ રાખે તે ચલાવી લેવું જોઈએ નહિ અને તેમના પતિને બેગબિસ્તરા ઉઠાવી ઘર છોડી દેવા કહી દેવું જોઈએ. તેમણે પરિણામો માટે પોતાની જાતને સજ્જ રાખવી જોઈએ. બીજા વર્ગની મહિલા એ છે તે તેમના યુકેમાં વસવાટ પર પતિઓનો અંકુશ રહે છે. આવી સ્ત્રીના પતિ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે અને આ સ્ત્રીઓ પાસે જાહેર ભંડોળનો આધાર હોતો નથી, તેઓ રહેઠાણ, બેનિફિટ્સ અથવા નોકરી મેળવી શકતી નથી. તે રૂમ અથવા ઘર ભાડે લઈ શકતી નથી, તે ગેરકાયદે છે અને તેમની પાસે જાહેર આશ્રયનો અધિકાર હોતો નથી. અમે આવા ઘણા કેસ હાથ ધર્યા છે જેમાં હિંસાના પુરાવા હોય તો તેઓ અમારી પાસે આવે છે. અથવા અમે તેમને ડોમેસ્ટિક વાયોલન્સના આધાર પર યુકેમાં અમર્યાદિત સમય સુધી રહેવા દેવાની પરવાનગી માટે હોમ ઓફિસને અરજી કરવાનું કહીએ છીએ. આ પ્રકારના કેસમાં અમને 80 ટકા સફળતા મળેલી છે. જો હું આંકડા આપું તો યુકેમાં દર વર્ષે 1.5 મિલિયનથી વધુ સ્ત્રીઓ ઘરેલુ હિંસાની પીડા ભોગવે છે.’

તેમણે ઉમેર્યું હતું કે,‘યુકેમાં બે મહિલાની તેમના પાર્ટનર અથવા પૂર્વ પાર્ટનર દ્વારા હત્યા કરાઈ હતી, આ ઘણું ભયજનક છે. આવી હકીકતોને નજરમાં રાખી યુકે સરકારે ડોમેસ્ટિક એબ્યુઝ એક્ટ 2021 પસાર કર્યો છે જે પ્રથમ વખત કાયદામાં ડોમેસ્ટિક એબ્યુઝની વ્યાખ્યા આપે છે. યુકેમાં અમર્યાદિત સમય સુધી રહેવાની પરવાનગી મેળવવા સ્ત્રીઓ પાસે સૌપ્રથમ તો પુરાવાઓ હોવાં જોઈએ. આથી, તમારા મિત્ર કે પરિવારજન ઘરેલુ શોષણનો શિકાર હોય તો તમારે તેમને પોલીસ રિપોર્ટ્સ, જીપીએસ ટ્રેકિંગ ડિવાઈસીસ અથવા મેડિકલ રેકોર્ડ્સ સહિતના તમામ સંબંધિત દસ્તાવેજો સાચવી રાખવા પ્રોત્સાહન આપવાની હું સલાહ આપું છું. જે લોકોએ શોષણ થતું નિહાળ્યું હોય તેમના તરફથી પુરાવા મેળવવા જોઈએ. પુરાવાઓ વિના હોમ ઓફિસ તમારા શબ્દોને સ્વીકારી લેશે નહિ.’

                                              બ્રિટિશ એશિયનોએ સહન કરવી પડતી મુશ્કેલીઓ

જાણીતા મહિલા નેતા અને સહેલી એન્ફિલ્ડનાા સીઈઓ કૃષ્ણાબહેન પૂજારાએ બ્રિટિશ એશિયનોએ સહન કરવી પડતી મુશ્કેલીઓ વેશે ચર્ચા કરી હતી. રમતના ક્ષેત્રે યુવા છોકરીઓના યોગદાન સંબંધે કૃષ્ણાબહેને જણાવ્યું હતું કે,‘છોકરીઓ પુખ્તાવસ્થામાં આવે ત્યારે બાળપણની પ્રવૃત્તિઓ સંદર્ભે વધુ સચેત બની આવી પ્રવૃત્તિ છોડી દે છે. છોકરીઓ શું કરવા ધારે છે તેના પર જ આધાર છે. કેટલીક છોકરીઓ સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓમાં જોડાય છે. યોગ અને ચાલવા જેવી વધારાની પ્રવૃત્તિ પણ લાભકારી છે.’

માનસિક સંવેદનાત્મક સ્વાસ્થ્ય વિશે તેમણે કહ્યું હતું કે તમે કોઈ પ્રશ્નને ઉઠાવવા રાહ ન જોશો. તમે માતાપિતા, ભાઈ-બહેનો કે મિત્રો સાથે વાત કરવા ન માગતા હો તો શું કરશો? તમારા જીપી સાથે વાત કરો. જો તમને અન્ય સાથે વાત કરવાની જરૂર જણાય તો વિમેન ટુ વિમેન કોન્ફ્ડેન્શિયલ સર્વિસીસનો ઉપયોગ કરો. મૌન રહીને પીડા સહન ન કરશો.’

ડોમેસ્ટિક એબ્યુઝ મુદ્દાઓ વિશે તેમણે જણાવ્યું હતું કે,‘હું આધ્યાત્મિક શોષણ સહિત વિવિધ પ્રકારના ઘરેલું શોષણની અસરોને વિચારું છું. મહિલા શરણાર્થીઓને સ્વીકારતાં સંખ્યાબંધ રેફ્યુજી સેન્ટર્સ છે. હાલમાં જ 69 વર્ષીય એશિયન મહિલાએ ઘરેલું શોષણના કારણે ઘેરથી નાસી જવું પડ્યું હતું. અમારા માટે મુશ્કેલ કાર્ય હતું કારણકે શાકાહારી રસોઈ કે એશિયન ભાષામાં તેમની સાથે વાત કરી શકે તેવું કોઈ કેન્દ્ર અમને મળ્યું નહિ. આ ઉપરાંત, તેઓ દિવ્યાંગ હતા. સહેલી ખાતે અમે લોકોની સાથે ગૌરવપૂર્ણ વ્યવહાર, તેમની સુવિધા અને ભાષાના સંદર્ભે તેમની સાંસ્કૃતિક જરૂરિયાતો કેવી રીતે સંતોષાય તે સહિતના મુદ્દા ચર્ચીએ છીએ.’

ઝૂમ ઈવેન્ટની સમાપન વેળાએ ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ જણાવ્યું હતું કે,‘આપણે જાણીએ છીએ તેમ, સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ અને શ્રેષ્ઠતા હાંસલ કરવા આગળ વધતી રહી છે. પરંતુ, આટલી પ્રગતિ છતાં, તેઓ હજુ પડકારોનો સામનો કરે છે, મહિલા નેતાઓ અને બિઝનેસ માલિકો ઘણી વખત તેમની કારકીર્દીની જવાબદારીઓ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે સમતુલા સાધે છે અને પુરુષોની સરખામણીએ વધુ નાણા કમાવવા તેમના માટે મુશ્કેલ રહે છે. લૈંગિક સમાનતા માત્ર મૂળભૂત માનવ અધિકાર નથી પરંતુ, શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને ચિરસ્થાયી વિશ્વ માટે આવશ્યક પાયો પણ છે. આથી, આ ઈવેન્ટ તો એક શરૂઆત જ છે. અમે શ્રેણીબદ્ધ ઈવેન્ટ્સ, વર્ચ્યુઅલ ઈવેન્ટ્સ, આમનેસામને ટોક શો અને અન્ય ઘણા કાર્યક્રમોનું આયોજન કરવાના છીએ. અમે સીબી સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી ગોલ્ડન જ્યુબિલી ઉજવણીઓમાં આપ સહુ, તમામ નારી શક્તિ અને અમારા તમામ મેન્ટર્સના સમર્થનથી આ પ્રકારના આયોજનો નિશ્ચિતપણે કરતા રહીશું.’

આ ઝૂમ ઈવેન્ટ દરમિયાન, ભારતીબહેન પટેલે તેમના સુમધુર અવાજમાં ભજનો અને ગુજરાતી લોકગીતોની રમઝટ બોલાવી ઉપસ્થિત લોકોનું મનોરંજન કર્યું હતું. કૃષ્ણાબહેન પૂજારાએ આ સાંજને સફળ બનાવવા તમામ ચાવીરૂપ વક્તાઓ અને ઈવેન્ટમાં ભાગ લેનારાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. બ્રિટિશ એશિયન કોમ્યુનિટીને સંબંધિત વિ્વિધ વિષયો પર આ પ્રકારના ઝૂમ ઈવેન્ટ્સની સીરિઝનું આયોજન સમગ્ર વર્ષ દરમિયાન થતું રહેશે.

-------------------------------------

ફોટોલાઈન્સ ---

 • કાઉન્સિલર રેખાબહેન શાહ • ડો. મેનકા પોથાલિંગમ •મમતાબહેન ટોલીઆ •ગીતાબહેન શાહ • પાયલબહેન પટેલ •કાન્તિભાઈ નાગડા MBE • કોકિલાબહેન પટેલ • ભારતીબહેન પટેલ • દેશવીન કૌર મંગત • પ્રિયંકા રામાચંદાણી • સી.બી. પટેલ • મહેશ લિલોરિયા


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter