રેલીઓ પર પ્રતિબંધની સત્તા મેયર પાસે નથી

Wednesday 23rd October 2019 03:48 EDT
 
 

નવીન શાહ AM ૧૮ ઓક્ટોબર ૨૦૧૯

ડિઅર નવીન,

આ મહત્ત્વપૂર્ણ મુદ્દા વિશે મને લખવા અને તમારા મતદારોની યોગ્ય ચિંતાથી મને માહિતગાર કરવા બદલ આપનો આભાર.

તમે જાણો છો તેમ, આ પ્રકારની રેલીઓ પર પ્રતિબંધ લાદવાની સત્તા લંડનના મેયર તરીકે મારી પાસે નહિ પરંતુ, સંપૂર્ણપણે હોમ સેક્રેટરી પાસે હોય છે. આ પત્રની નકલ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને મેટ્રોપોલીટન પોલીસ કમિશનર ક્રેસિડા ડિકને મોકલી રહ્યો છું જેથી તેઓ આ કૂચ અંગે મારી ચિંતાઓ સંપૂર્ણપણે જોઈ શકે.

લંડનમાં ભારતીય હાઈ કમિશનની નજીક દીવાળીના પવિત્ર દિવસે વિરોધકૂચ યોજવાની યોજનાને હું તદ્દન વખોડી કાઢું છું.

આ કૂચ લંડનવાસીઓને નિકટ આવવાની જરૂર છે તેવા સમયે ભાગલાને વધુ તીવ્ર બનાવશે. આથી, હું આ કૂચના આયોજકોને તેમજ તેમાં ભાગ લેવાનું વિચારતા તમામને ફરી એક વખત વિચારવા અને તેમની યોજના રદ કરવા હાકલ કરું છું. આપણી લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર મહત્ત્વનો અને કિંમતી હિસ્સો છે. પરંતુ, તે હંમેશાં શાંતિપૂર્ણ રીતે અને કાયદાની અંદર રહીને થવો જોઈએ.

ઘણા બ્રિટિશ ભારતીયો શા માટે ચિંતિત છે તે હું સમજું છું. ભારતીય હાઈ કમિશનની બહાર અગાઉના વિરોધો પછી તેઓ ડર અને ચિંતા અનુભવે છે. હું તમામ લંડનવાસીઓને ખાતરી આપું છું કે જે કોઈ ગેરકાયદે કાર્ય કરશે તેણે પોલીસને જવાબ વાળવાનો રહેશે. ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણીઓ અને તે પછી લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર કરાયેલા વિરોધો દરમિયાન, કેટલાક વિરોધકારો તરફથી સંપૂર્ણપણે અસ્વીકાર્ય હિંસા, આક્રમકતા અને ઉગ્રતાનું પ્રદર્શન કરાયું તેનું પુનરાવર્તન અટકાવવા સિટી હોલ આ કૂચ સંદર્ભે મેટ્રોપાલીટન પોલીસ સાથે મળીને મજબૂત પોલિસીંગ પ્લાન પર કામ કરી રહેલ છે. આવું વર્તન આપણે લંડનમાં જેના માટે અડીખમ ઉભા રહીએ છે તેની તદ્દન વિરુદ્દ છે અને આ શહેરમાં તેને કોઈ સ્થાન નથી. મેટ્રોપાલીટન પોલીસ તેમની યોજનાના ભાગરુપે ભારતીય હાઈ કમિશન સાથે ગાઢપણે કામ કરી રહેલ છે.

આ મહત્ત્વની બાબતો ઉઠાવવા સંબંધે હું આપનો આભારી છું. મેયર તરીકે હું ભારતીય મૂળના લંડનવાસીઓ તરફ મૈત્રીનો હાથ લંબાવવા જે કરી શકાશે તે બધું કરીશ- જેઓ આપણા નગરને સતત અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. તેઓ હંમેશાં સન્માનિત, મૂલ્યવાન અને લંડનમાં સલામત હોવાની લાગણી અનુભવે તેમજ લંડન ભારતના અને સમગ્ર વિશ્વના લોકોનું સ્વાગત કરનારું સ્થળ બની રહે તેની હું ચોકસાઈ રાખવા ઈચ્છું છું.

જો તમારે વધુ કોઈ વિગતોની આવશ્યકતા જણાય તો મારો સંપર્ક કરવામાં જરા પણ ખચકાટ રાખશો નહિ.

આપનો સહૃદયી,

સાદિક ખાન

મેયર ઓફ લંડન

નકલ રવાનાઃ માનનીય પ્રીતિ પટેલ MP, હોમ સેક્રેટરી

ક્રેસિડા ડિક CBE, QPM, કમિશનર ઓફ પોલીસ ઓફ ધ મેટ્રોપોલીસ


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter