હું એક એક મત માટે લડી લઇશઃ કમલા હેરિસનું એલાન-એ-જંગ

Wednesday 31st July 2024 07:54 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભારતવંશી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે. ડેમોક્રેટિક પાર્ટીના કમલાએ શનિવારે પ્રમુખપદની ઉમેદવારી માટેના ફોર્મ્સ પર હસ્તાક્ષર કર્યા હતાં. ઉમેદવારીની જાહેરાત કર્યા બાદ કમલાએ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે મેં સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે. હું એક એક મત મેળવવા માટે લડી લઇશ, મહેનત કરીશ.
માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ પર એક પોસ્ટમાં કમલાએ જણાવ્યું હતું કે, નવેમ્બરમાં આપણાં લોકશક્તિ આધારીત અભિયાનનો વિજય થશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેને વધતી ઉંમરને કારણે ચૂંટણીમાં નહીં ઝંપલાવવાની કરેલી જાહેરાત બાદ કમલા હેરિસ ઉમેદવારી માટે સૌથી પ્રબળ દાવેદાર મનાતા હતાં.
કમલાનો મુકાબલો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સામે થશે. જોકે હજી સુધી ડેમોક્રેટ્સ દ્વારા સત્તાવાર રીતે કમલાનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવાનું બાકી છે. જમૈકન પિતા અને ભારતીય માતાનું સંતાન એવા કમલા હેરિસ જો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બનશે તો અમેરિકાના રાષ્ટ્રપતિપદે બિરાજનાર પ્રથમ મહિલા બનશે.
ત્રણ દિવસમાં 25 કરોડ ડોલરનું ભંડોળ
કમલા હેરિસ વ્હાઈટ હાઉસની રેસમાં જોડાયા તેના એક જ સપ્તાહની અંદર પ્રચાર માટે 20 કરોડ ડોલરનું ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે, જે તેમની લોકપ્રિયતા દર્શાવી રહી છે. ડેમોક્રેટિક પાર્ટીના મોટાભાગના સાંસદથી લઈને બિઝનેસમેનનું કમલા હેરિસને મોટાપાયા પર સમર્થન મળી રહ્યું છે. કમલા હેરિસને ફક્ત 24 કલાકમાં જ 10 કરોડ ડોલર અને ત્રણ દિવસમાં 25 કરોડ ડોલરનું ભંડોળ મળી ચૂક્યુ છે. તેમને દાન આપનારાઓમાં કુલ 58 હજાર જેટલા લોકોએ પહેલી વખત દાન આપ્યું છે. કમલા હેરિસને દાન આપનારાઓમાં હોલિવૂડના લોકોથી લઈને સિલિકોન વેલીના મહારથીઓ પણ સામેલ છે. આ સાથે જ પાંચ નવેમ્બરના રોજ યોજાનાર અમેરિકન પ્રમુખની ચૂંટણી બંને ઉમેદવારોમાં જોરદાર ટકકર જોવા મળશે અને જીતનું માર્જિન ખૂબ જ ઓછું રહેવાની શક્યતા છે.
ટ્રમ્પની લગોલગ છે કમલા
શુક્રવારે ન્યૂયોર્ક ટાઇમ્સ-સિએના પોલ અનુસાર કમલા હેરિસે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની લીડ ઘટાડી છે. નવા સરવેમાં કમલાને 47 ટકા જ્યારે ટ્રમ્પને 48 ટકા પોઇન્ટ મળ્યા હોવાનું જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે જ્યારે જો બાઈડેન 27 જૂનની ડિબેટમાં હાર્યા પછીથી ડોનાલ્ડ ટ્રમ્પથી 8 ટકા પાછળ હતા.
અમે તમારી સાથે છીએઃ ઓબામા દંપતી
પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલે 26 જુલાઇએ પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર તરીકે કમલા હેરિસની ઉમેદવારી પર મંજૂરીની મહોર મારી તે સાથે જ કમલાની ઉમેદવારી નક્કી થઇ ગઇ હતી એમ કહી શકાય. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પૂર્વ પ્રમુખ ઓબામા તેમજ તેમના પત્ની વચ્ચે થયેલી વાતચીતનો એક મિનિટનો વીડિયો સામે આવ્યો છે. પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ એક્સ પર પોસ્ટમાં વીડિયો શેર કરતાં જણાવ્યું છે કે આ સપ્તાહે મેં અને મિશેલે કમલા હેરિસ સાથે ફોન પર વાત કરી હતી. અમે હેરિસને જણાવ્યું કે તેઓ અમેરિકાના સારા પ્રમુખ બની શકે છે. તેમને અમારું પૂરેપૂરું સમર્થન છે. દેશ માટેની આ નિર્ણાયક ઘડીમાં તેઓ કમલા હેરિસ જીતે તે માટે તમામ પ્રયાસ કરશે. મિશેલે પણ હેરિસ સાથે ફોન પર વાતચીત કરી હતી. ફોન પર વાતચીત દરમિયાન પ્રમુખપદ માટેના ડેમોક્રેટ ઉમેદવાર અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ દંપતીનો આભાર માન્યો હતો.
હેરિસની પ્રચાર ટીમે કહ્યું હતું કે પ્રમુખ જો બાઇડેને પ્રમુખપદની ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કર્યા પછી ડેમોક્રેટ ઉમેદવાર હેરિસ માટે દેશભરમાં સમર્થન વધી રહ્યું છે. અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બરાક ઓબામા ડેમોક્રેટ પક્ષના વર્તુળોમાં આજે પણ લોકપ્રિય છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પ્રાથમિક તબક્કે આયોજિત ફંડરેઈઝર કાર્યક્રમ વખતે ઓબામાએ બાઈડેનને સમર્થન જાહેર કર્યું હતું.
ટ્રમ્પ લોકશાહી નષ્ટ કરવા માગે છેઃ કમલા
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘આ વખતે મને વોટ આપો, ફરીથી વોટ કરવાની જરૂર નહીં પડે’ તેવા નિવેદને હોબાળો મચાવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહીને નષ્ટ કરવા માંગે છે. તેમના નિવેદન પાછળનો ઈરાદો સરળતાથી સમજી શકાય છે. ‘હેરિસ ફોર પ્રેસિડેન્ટ’ ઝુંબેશના પ્રવક્તા જેમ્સ સિંગરનું કહેવું છે કે ટ્રમ્પથી ઉલ્ટું જ્યારે કમલા હેરિસ કહે છે કે આ ચૂંટણી આઝાદી વિશે છે તો આ વાતમાં તેઓ વિશ્વાસ કરે છે.
હેરિસ સૌથી કટ્ટર ઉદારમતવાદી રાષ્ટ્રપતિ હશેઃ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના પ્રચાર અભિયાનને આક્રમક બનવતાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના હરીફ કમલા હેરિસને અમેરિકાના ઈતિહાસના સૌથી કટ્ટર ઉદારમતવાદી ગણાવ્યાં છે.
હેરિસ પર શાબ્દિક પ્રહાર કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તે એક નિષ્ફળ ઉપરાષ્ટ્રપતિ અને નિષ્ફળ વહીવટકર્તા છે. તેમના રાજમાં લાખો લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસી આવ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter