નાની વયથી જ પોલિયોગ્રસ્ત અરુણભાઈ પટેલનું જીવન બાળપણથી શારીરિક અને માનસિક એમ બન્ને પ્રકારના પડકારોથી ભરેલું હતું. તેમના માયાળુ પિતા અને પ્રેમાળ માતાની સારસંભાળને લીધે તેઓ ટકી શક્યા અને વિકલાંગ હોવા છતાં હિંમતભેર આગળ વધતા ગયા. તેમના પિતાના આગ્રહને લીધે જ તેઓ સ્કૂલમાં પાસ થયા અને લંડનમાં આવીને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો વ્યવસાય શરૂ કર્યો. તે દરમિયાન યુગાન્ડામાંથી બળજબરીપૂર્વક હકાલપટ્ટી કરાયા પછી તેમનો પરિવાર પણ લંડન આવ્યો. આ વખતે ફરીથી તેમણે તેમનું કૌશલ્ય દર્શાવ્યું અને પોતાના આખા પરિવાર માટે બ્રેડવિનર બની ગયા. જીવનની મુશ્કેલીઓને પડકારોના રૂપમાં તકો તરીકે જોવાની તેમજ હકારાત્મકતા પર વિશેષ ધ્યાન આપવાની તેમની ક્ષમતાને લીધે તેઓ દરેક તકનો લાભ ઉઠાવતા ગયા.
Out of My Way, Polio! નામના આ પુસ્તકમાં અરુણભાઈ પટેલે શારીરિક અક્ષમતા સાથે જીવનની સફર કેવી રીતે વીતાવી તેની વાત છે. તેમણે પોલિયોથી પીડાતા બાળકો માટે તેમજ અન્ય વંચિત બાળકો માટે બે ચેરિટીની સ્થાપના કરી. તેઓ સકારાત્મકતા, આશા અને સંઘર્ષની પોતાની કરમકહાની રજૂ કરતાં કરતાં સમાજને કંઇક પાછું વાળવાના માર્ગ શોધે છે.
પોતાના જીવનની બાકી રહેલી યાત્રામાં માર્ગદર્શન મળે તે માટે તેમણે સદગુરુના જ્ઞાન "આપનું કાર્ય અન્ય લોકોના જીવનને સ્પર્શે તે સુનિશ્ચિત કરો અન્યથા ફક્ત બેસી રહો અને ધ્યાન કરો" ને જીવનમાં ઉતાર્યું છે. જીવનમાં માત્ર બેસી રહેવાનું અને ધ્યાન ધરવાનું તેમનું કોઈ આયોજન નથી.
અરુણભાઈને આશા છે અને તેઓ ઈચ્છે છે કે તેમના જીવનની વાતો અને અનુભવો માત્ર વિકલાંગો, દિવ્યાંગો અથવા પ્રોફેશનલ્સ કે ધ્યાન કરનારને જ નહીં તમામ વાંચકોને પ્રેરણા પૂરી પાડશે અને તેમાંથી કેટલાંક લોકોને પડકારો પર વિજય મેળવવામાં મદદરૂપ થશે.
અરુણભાઈને બે પુત્ર છે અને તેઓ એસેક્સના ઈલ્ફર્ડમાં પોતાના પત્ની રંજનબેન અને માતુશ્રી સાથે રહે છે.