આપણા સમાજનું પ્રભાવશાળી વ્યક્તિત્વ રસિકાબહેન પટેલ

મળવા જેવા માણસ

કોકિલા પટેલ Wednesday 14th September 2022 06:46 EDT
 
 

પૂર્વ આફ્રિકાથી યુ.કે. આવીને સ્થાયી થયેલ આપણી વસાહતને ધાર્મિક, સામાજિક કે સાંસ્કૃતિક ક્ષેત્રે એકબીજા સાથે જોડનાર આપણા સમાજના સેતુબંધનું નોંધપાત્ર અનુદાન, સમયદાન આપણે કયાંક વિસરી રહ્યા હોય એવું લાગે...! આપણા સમાજનો આવો એક સેતુબંધ એટલે પ્રભાવશાળી વ્યક્તિત્વ રસિકાબહેન વિનયકુમાર પટેલ. યુવાન વયે જ ચકલાશીના વિનયકુમાર સાથે લગ્ન કરીને રસિકાબહેન યુગાન્ડાના કંપાલાથી ૧૯૬૬માં લંડન આવી ઇસ્ટલંડનના ફોરેસ્ટ ગેટમાં સ્થાયી થયેલાં. મૂળ મલાતજના છોટાભાઇ અને કાશીબહેન પટેલનું આ પુત્ર રત્ન પહેલેથી જ નીડર અને સ્પષ્ટવક્તા. કંપાલામાં સ્કૂલ દરમિયાન ગરબા-નૃત્ય-રમતગમતક્ષેત્રે ખુબ જ રસ દાખવતાં એટલે કલારસિક જીવ રસિકાબહેને ઇસ્ટલંડનમાં ૫૦ જેટલી બહેનોને એકત્ર કરી "આરતી સોસાયટી"ની સ્થાપના કરી નવરાત્રિ ગરબા-રાસ સહિત અન્ય પ્રવૃત્તિનું આયોજન કર્યું. “આરતી સોસાયટી"ની અનેક પ્રવૃત્તિઓમાં સાઉથલંડન, નોર્થલંડનથી પણ ઘણી બહેનો ભાગ લેવા આવતી. સાથે સાથે એમની આ મહિલા સંસ્થા કોઇની આર્થિક સ્થિતિ સારી ના હોય એવા પરિવારને શુભ-અશુભ પ્રસંગે મફત ભોજન પણ પૂરું પાડતાં.
સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે ધર્મ સત્સંગમાં પણ રસિકાબહેનનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ઇસ્ટ લંડનમાં પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂજ્ય દાદાજી)ની ચાર જેટલી ભાગવત કથાઓનું આયોજન કર્યું એ દરમિયાન જે ફંડ એકત્ર થયું એમાં લેટનમાં વલ્લભનિધિ ટ્રસ્ટનું પહેલું મંદિર (હવેલી)ની જુલાઇ, ૧૯૭૭માં સ્થાપના થઇ અને પૂજ્ય દાદાજીના હસ્તે યુ.કે.માં સૌ પ્રથમવાર લેટનમાં શ્રીનાથજીબાવા (ઠકોરજી) બિરાજ્યા. ત્યારબાદ ૧૯૮૦માં પૂજ્ય મોરારીબાપુ અને પૂજ્ય દાદાજીના હસ્તે લેટનમાં રામદરબારની પ્રતિષ્ઠા થઇ. વલ્લભનિધિ ટ્રસ્ટનાં ટસ્ટ્રી પદે વર્ષોથી નિ:સ્વાર્થ સેવા આપનાર રસિકા બહેને લેટન અને વેમ્બલીના મંદિરોના લાભાર્થે નરસૈયો ભક્ત હરિનો, કુંવરબાઇનું મોમેરૂ, મીરા શ્યામ દુલારી, સુદામા વિગેરે નૃત્યનાટિકાઓ પ્રસ્તુત કરી વલ્લભનિધિ ટ્રસ્ટને ફંડ એકત્ર કરવામાં નોંધપાત્ર સેવા સમર્પિત કરી છે.
ધર્મ અને કલા પ્રવત્તિ સાથે રસિકાબહેને સામાજીકક્ષેત્રે નોંધપાત્ર અનુદાન આપ્યું છે. નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજ, યુરોપ, નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી કાઉન્સિલ તેમજ ઘણી મહિલા સંસ્થાઓ સાથે તેઓ ખૂબ સક્રિય રહ્યાં છે. ૮૬વર્ષની વયે, જીવનસંધ્યાએ પહોંચેલાં અશક્ત રસિકાબહેન અત્યારે નિવૃત્તમય જીવન વિતાવી રહ્યાં છે ત્યારે એમની ધર્મ, સમાજ અને સાંસ્કૃતિકક્ષેત્રે આપેલ નિ:સ્વાર્થ સેવાઓની "ગુજરાત સમાચાર" ખૂબ સરાહના કરે છે. અત્રે આપણા સમાજનો પાયો મજબૂત કરનાર સમાજના આધારસ્તંભની સેવાને અમારા સાદર પ્રણામ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter