ઈંગ્લેન્ડમાં મુસ્લિમની વસ્તી ૧.૧ ટકા વૃદ્ધિ સાથે સૌપ્રથમ વખત ૩૦ લાખને પાર

ખ્રિસ્તીઓની સંખ્યામાં સતત ઘટાડોઃ યહુદી અને બૌદ્ધોની વસ્તી યથાવતઃ હિન્દુ વસ્તીમાં સામાન્ય વધારોઃ શીખોની વસ્તીમાં સામાન્ય ઘટાડો

Wednesday 08th January 2020 02:26 EST
 
 

લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેસ્ટિક્સ (ONS)ના આંકડા અનુસાર ઈંગ્લેન્ડમાં મુસ્લિમની વસ્તી ૧.૧ ટકાના વધારા સાથે સૌપ્રથમ વખત ૩૦ લાખને પાર થઈ ગઈ છે અને ખ્રિસ્તીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે. યહુદી અને બૌદ્ધોની વસ્તી યથાવત રહી છે જ્યારે હિન્દુ વસ્તીમાં સામાન્ય વધારો અને શીખોની વસ્તીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આંકડાશાસ્ત્રીઓ મુસ્લિમ વસ્તીમાં વૃદ્ધિ અને ખ્રિસ્તી વસ્તીમાં ઘટાડાનું કોઈ કારણ આપી શક્યા નથી.

વ્હાઈટહોલના વિવિધ વંશીય અને ધાર્મિક વસ્તી સંબંધે અંદાજો મુજબ દેશમાં સૌથી ઝડપથી વધતું જૂથ મુસ્લિમ છે જ્યારે ક્રિશ્ચિયાનિટી સાથે સંકળાયેલી વસ્તીમાં ઘટાડો થતો રહ્યો છે. ૨૦૧૧ની રાષ્ટ્રીય વસ્તીગણનાના પાંચ વર્ષ પછી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં મુસ્લિમોની ૨.૭ મિલિયન (૪.૭ ટકા) વસ્તી કુલ ૪૦૦,૦૦૦ના વધારા સાથે ૨૦૧૬માં ૩,૧૩૮,૦૦૦ (૫.૬ ટકા) થઈ છે. માત્ર ઈંગ્લેન્ડમાં મુસ્લિમોની વસ્તી ૨૦૧૬માં વધીને ૩,૦૯૨,૦૦૦ થઈ છે. લંડનના ટાવર હેમ્લેટ્સ અને ન્યૂ હામ બરોઝ, બર્મિંગહામ, બ્લેકબર્ન, બ્રેડફોર્ડ, લૂટન, સ્લાઉ જેવા વિસ્તારોમાં મુસ્લિમોની સૌથી વધુ વસ્તી છે.

૨૦૧૧ની રાષ્ટ્રીય વસ્તીગણનામાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૩.૨ મિલિયન (૫૯.૬ ટકા) લોકોએ પોતાની ઓળખ ક્રિશ્ચિયન તરીકે આપી હતી. આના પાંચ વર્ષ પછી ૨૦૧૬માં તેમાં ઘટાડો થઈ હવે તેઓની સંખ્યા ૩૨.૭૩ મિલિયન (૫૬.૬ ટકા) થઈ છે.

અન્ય ધાર્મિક જૂથોની વાત કરીએ તો હિન્દુઓની સંખ્યા ૦.૧ ટકા વધી કુલ ૧.૭ ટકા થઈ છે જ્યારે યહુદીઓ (૦.૫ ટકા) અને બૌદ્ધો (૦.૫)ની વસ્તી યથાવત રહી છે. બીજી તરફ, શીખોની વસ્તી ૦.૧ ટકાના ઘટાડા સાથે ૦.૭ ટકા થઈ છે. ધાર્મિક આસ્થા નહિ ધરાવનારા કે તેના વિશે જવાબ નહિ આપનારાની સંખ્યા (૩૨.૮ ટકા) વધતી રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter