ચીનો હિલ્સ (કેલિફોર્નિયા)ઃ બીએપીએસના વિદ્વાન સ્વામી અને ખૂબ જ લોકપ્રિય પ્રેરક વક્તા ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ સાઉથ કેલિફોર્નિયાની મુલાકાત દરમિયાન વિવિધ સેમિનારોને સંબોધન કર્યું હતું. કેલિફોર્નિયા પ્રવાસ દરમિયાન જ્ઞાનવત્સલદાસ સ્વામીએ ચિનો હિલ્સમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગ સભાને સંબોધતા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને પ.પૂ. મહંતસ્વામી મહારાજના જીવન, કાર્ય અને શાણપણની વાતો કરીને સહુ કોઇને તેમાંથી જીવનબોધ લેવા અનુરોધ કર્યો હતો. તેમના પ્રેરણાદાયી સંબોધનમાં વ્યક્તિગત પ્રામાણિકતા, કૌટુંબિક મૂલ્યો, નૈતિક નેતૃત્વ, સમુદાય સેવા અને વૈશ્વિક સંવાદિતા કેન્દ્રસ્થાને હતા. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ વ્યક્તિઓ અને પરિવારો દ્વારા તેમના વ્યક્તિગત જીવન તેમજ તેમના વ્યાવસાયિક કારકિર્દી ક્ષેત્રે પ્રવર્તમાન પડકારોનો કેવી રીતે સામનો કરી શકાય તેનું વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું.
સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા એક સમારોહમાં ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીના પુસ્તક ‘ઇન્સ્પાયર્ડ: ડેઇલી વિઝડમ ફોર હોલિસ્ટિક લિવિંગ’નું વિમોચન કરાયું હતું. 1,500 થી વધુ મહેમાનોની ઉપસ્થિતિમાં ભારતીય અમેરિકન સમાજના અગ્રણીઓ રાજેન્દ્ર વોરા, કેતન શર્મા, સી.કે. પટેલ અને જે. વખારિયાએ પુસ્તકનું વિમોચન કર્યું ત્યારે સહુએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
સાંજે સ્વામીએ નોરવોકમાં જીએસએસસી અને આઇએએસએચ દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક કાર્યક્રમને પણ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.