ક્રોલીસ્થિત GHU સહિત ૨૪૧ સંસ્થા ક્વીન્સ એવોર્ડ ફોર વોલન્ટીઅરીંગ સર્વિસીસથી સન્માનિત

Wednesday 09th June 2021 07:36 EDT
 
 

લંડનઃ વેસ્ટ સસેક્સના ક્રોલીસ્થિત ગુર્જર હિન્દુ યુનિયન (GHU)ને વોલન્ટીઅરીંગ-સ્વૈચ્છિક સેવાઓ માટે ક્વીન્સ એવોર્ડ ફોર વોલન્ટીઅરીંગ સર્વિસીસથી સન્માનિત કરાયું છે. યુકેમાં કોઇ પણ વોલન્ટીઅરીંગ જૂથને અપાતો આ સૌથી ઉચ્ચ એવોર્ડ છે. ગુર્જર હિન્દુ યુનિયન ક્રોલીમાં ભારતીય સમુદાયની સેવા કરવા સાથે તેમને સમાજમાં અસરકારક રીતે એકીકૃત થવામાં મદદ કરે છે.આ વર્ષે સમગ્ર યુકેમાં ૨૪૧ ચેરિટીઝ, સામાજિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક જૂથોને વોલન્ટીઅરીંગ સર્વિસીસ એવોર્ડ જાહેર કરાયો છે. 

GHU બાળકો, યુવાનો અને વૃદ્ધો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે અને હિન્દુ સમુદાય માટે કૌશલ્યની તાલીમ આપવા ઉપરાંત હિન્દુ અને વિશાળ સમુદાયને શૈક્ષણિક, સાંસ્કૃતિક અને અન્ય સહાયકારી સેવા પ્રદાન કરે છે.

GHU આ વર્ષના અંતમાં વેસ્ટ સસેક્સના લોર્ડ-લેફ્ટનન્ટ શ્રીમતી સુસાન પાઇપર પાસેથી એવોર્ડ્સ મેળવશે. આ જૂથના બે સ્વયંસેવકો ૨૦૨૨માં બકિંગહામ પેલેસ ખાતે યોજાનાર ગાર્ડન પાર્ટીમાં પણ ભાગ લેશે. લોર્ડ-લેફ્ટનન્ટ શ્રીમતી પાઇપરે ગુર્જર હિન્દુ યુનિયનને હાર્દિક અભિનંદન આપ્યા હતાં.

૨૪૧ સંસ્થાને વોલન્ટીઅરીંગ સર્વિસીસ એવોર્ડ

આ વર્ષે સમગ્ર યુકેમાં ૨૪૧ ચેરિટીઝ, સામાજિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક જૂથોને વોલન્ટીઅરીંગ સર્વિસીસ એવોર્ડ જાહેર કરાયો છે. વિજેતાઓની જાહેરાત રાણીના રાજ્યાભિષેકની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષની બીજી જૂને કરાય છે. નામાંકનની સંખ્યા દર વર્ષે વધતી રહે છે. ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડની સામાજિક સંસ્થાઓ, ચેરિટીઝ અને સ્વૈચ્છિક જૂથોને કોવિડ-૧૯ની મહામારી દરમિયાન તેમની સ્થાનિક કોમ્યુનિટીઝ અને વ્યાપક સમાજને અભૂતપૂર્વ સેવા આપવા બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ અપાયા છે. મોટા ભાગની સંસ્થાએ વોલન્ટરી સેક્ટર મારફત દેશની આઅર્થિક ઉન્નતિમાં ફાળો આપ્યો છે.

એવોર્ડવિજેતા એશિયન સંસ્થાઓ

• નોર્ધમ્પ્ટનશાયરઃ ઈન્ડિયન હિન્દુ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (IHWO) – હિન્દુઓની સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય અને કલ્યાણની જરુરિયાતો પૂરી પાડી જીવન સમૃદ્ધ બનાવવા બદલ.

• બર્કશાયરઃ ગુરુ માનેયો ગ્રંત ગુરુદ્વારા ((GMGG)ને સ્લાઉ, લંડન તેમજ સમગ્ર યુકેમાંમ જરુરિયાતમંદ લોકોને ગપરમ ભોજન અને ફૂડ પાર્સલની સેવા આપવા બદલ.

• બકિંગહામશાયરઃ ડ્રીમ સાઈ મિલ્ટન કીનેસને શિરડીના સાઈના ઉપદેશો અનુસાર વંચિત અને નિરાધાર લોકોને સહાય અને સપોર્ટ આપવા બદલ.

• ગ્રેટર લંડનઃ શ્રી ગુરુ સિંહ સભા, સાઉથોલને ફૂડ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ઉપરાંત, સમગ્ર કોમ્યુનિટીમાં જોખમમાં આવેલા લોકોને સપોર્ટ આપવા બદલ.

• વેસ્ટ સસેક્સઃ ગુર્જર હિન્દુ યુનિયનને ક્રોલીમાં હિન્દુ સમુદાય અને વ્યાપક સમાજને સાંસ્કૃતિક, શૈક્ષણિક અને એકીકરણને સહાયકારી સેવા આપવા બદલ.

• વેસ્ટ મિડલેન્ડ્સઃ શ્રી વેંકટેશ્વરા બાલાજી ટેમ્પલ, વોલન્ટરી એક્શન ગ્રૂપને હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની સેવા ઉપરાંત, આધ્યાત્મિકતા, સમાવેશીતા અને સામાજિક સંવાદને ઉત્તેજન આપવા બદલ.

• સાઉથ ગ્લેમોર્ગનઃ કાર્ડિફ બાંગલાદેશી સોસાયટીને આરોગ્ય, સારસંભાળ-કલ્યાણ, શૈક્ષણિક સેવા બદલ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter