ગરીબોની ભૂખ ભાંગતા ભારતીયને કોમનવેલ્થ પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડની નવાજેશ

રુપાલી શિન્દે Wednesday 21st July 2021 04:42 EDT
 
 

લંડનઃ ભૂખ એવી બાબત છે જે માનવીને સારો બનાવે છે અથવા ખરાબ પણ બનાવી શકે છે. ભૂખે જ ૪૧ વર્ષીય સૈયદ ઉસ્માન અઝહર મકસૂસીને ઉમદા માનવી બનાવ્યો છે જેમને ‘હંગર હેઝ નો રીલિજિયન’ ઈન્ટરફેઈથ ફૂડ ડોનેશન અભિયાનને આગળ વધારવા માટે યુકેના પ્રતિષ્ઠિત કોમનવેલ્થ પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડની નવાજેશ કરવામાં આવી છે. સૈયદ ઉસ્માન અઝહર મકસૂસી ૧૦ વર્ષથી ભૂખ્યાજનો અને જરુરિયાતમંદોની ભૂખ મીટાવતા રહ્યા છે. તેઓ નિરાધાર અને અસહાય લોકોની ભૂખની આગ ઠંડી પાડવાને જ પોતાના જીવનનું સૌથી મોટું લક્ષ્ય અને માનવતાનો પ્રથમ ધર્મ માને છે.

મકસૂસી માનવીના પેટની આગને બરાબર સમજે છે અને તેણે આ આગને ઠારવાને જ પોતાનો ધર્મ બનાવી લીધો છે. તેઓ કહે છે કે ‘મારું લક્ષ્ય એ છે કે ભારતમાં ભૂખથી કોઈ વ્યક્તિનું મોત થવું ન જોઈએ. જો આપણે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ જોઈએ તો આપણે ગંભીર કેટેગરીમાં આવીએ છીએ અને હું આ બદલવા માગું છું. હું ‘હંગર હેઝ નો રીલિજિયન’ અભિયાનને દેશના ખૂણે ખૂણે લઈ જવા માગું છું.’

અઝહર ચાર વર્ષના હતા ત્યારે જ તેમણે પિતા ગુમાવ્યા હતા. તેમની માતા ગૃહિણી હતાં. ચાર ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરના અઝહરે આ પછી અભ્યાસ છોડી મજૂરી કરવા માંડી હતી. ૧૨ વર્ષની વયે તેણે દરજીકામ કરવા માંડ્યું હતું. મોટા પરિવારની જવાબદારી તેમના શિરે હતી અને દિવસમાં એક જ વખત ખાવાનું મળતું અને કદી તો તે પણ ન મળતું. આમ ભૂખ શું છે તેની પીડાની સમજ અઝહરને બાળપણથી જ આવી ગઈ હતી.

અઝહર કહે છે કે,‘ તેમણે ૨૦૧૨માં રેલવે સ્ટેશને વિકલાંગ મહિલા લક્ષ્મી અને તેના બાળકને જોયા જે દિવસોથી ભૂખ્યા હતાં. મેં તેમને ખવડાવ્યું અને નિર્ધાર કર્યો કે મારી પાસે જે પણ સીમિત સાધનસામગ્રી છે તેમાંથી હું ભૂખ્યાજનોના પેટની આગ ઠારીશ. બીજા દિવસે જ હું દબીરપૂરા ફ્લાયઓવર પાસે ગયો અને ખોરાકની વહેંચણી ચાલુ કરી દીધી. મારી પાસે કોઈ યોજના ન હતી, મેં નાણા વિશે પણ વિચાર્યું ન હતું, હું બસ લોકોને ખવડાવવા ઈચ્છતો હતો.’ હૈદરાબાદના દબીરપૂરા ફ્લાયઓવરની પાસે ઘરબારવિહોણા લોકોને પહોરે ભોજન ન મળ્યું હોય તેવો એક પણ દિવસ ગયો નથી.

અઝહરે અન્નદાન અભિયાન શરુ કર્યું ત્યારે તેઓ એકલા જ હતા પરંતુ, ધીરે ધીરે અન્ય લોકો પણ તેમાં જોડાતા ગયા. અઝહર કહે છે કે,‘બોલીવૂડના અભિનેતા અમિતાભ બચ્ચનના શો ‘આજ કી રાત હૈ જિંદગી’માં મારી વાત મૂકાયા પછી ઘણા લોકો મારી સાથે જોડાયા છે. હવે તો મારી જરુરિયાત કરતાં પણ વધુ મળતું ગયું છે. હૈદરાબાદ-સિકંદરાબાદસ્થિત ગાંધી હોસ્પિટલમાં પણ ભૂખ્યાજનોની ભૂખ સંતોષવાનું કામ કર્યા પછી તો, બેંગલોર, કર્ણાટક, આસામ, રાયચૂર અને ઝારખંડમાં પણ અન્નદાન અભિયાનો ચાલુ કર્યા હતા.’

તેમણે ૨૦૧૫માં આ માટે ‘સાની વેલફેર ફાઉન્ડેશન’ NGO સંસ્થા પણ સ્થાપી હતી. ફાઉન્ડેશન અન્ય NGO સાથે મળીને રોજ આહાર કાર્યક્રમોનું સંચાલન કરે છે. અઝહરે ‘Hunger has no religion’ ખોરાક અભિયાન સાથે મળીને ‘દો રોટી અભિયાન’ શરુ કર્યું હતું. તેમણે લોકોને બે રોટી વધુ લઈ જવાની વિનંતી કરી જેથી અન્ય જરુરિયાતમંદોને પણ તેઓ આ બે રોટીનું દાન કરી શકે. તેઓ માને છે કે ટ્રાફિક સિગ્નલ્સ પાસે ભીખ માગતા બાળકોને નામાના બદલે ભોજન આપવું જોઈએ જેથી તેઓ ખોટાં કામો કરવામાંથી બચી શકે. લોકડાઉન દરમિયાન તેમણે માઈગ્રન્ટ વર્કર્સને પણ ભોજન આપવાની શરુઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘ લોકડાઉનમાં મને તો કોઈ મુશ્કેલી પડી ન હતી પરંતુ, માઈગ્રન્ટ વર્કર્સની મુશ્કેલીઓની જામ થતાં અમે રામોજી ફિલ્મ સિટીની બહાર હાઈવે પર આઠ દિવસ સુધી કેમ્પ રાખ્યો હતો અને દરરોજ ૮,૦૦૦થી ૧૦,૦૦૦ શ્રમિકોને જમાડવામાં આવતા હતા. આ ઉપરાંત, હૈદરાબાદમાં રઝળી પડેલા માઈગ્રન્ટ શ્રમિકોને રેશનની પણ સહાય કરી હતી.’

અઝહરને કોમનવેલ્થ પોઈન્ટ ઓફ લાઈટ એવોર્ડ વિશે પ્રશ્ન કરાતા તેમણે જણાવ્યું હતું કે તેમના માન્યામાં જ આવ્યું હતું. પોઈન્ટ્સ ઓફ લાઈટ વેબસાઈટ પર ભારતીય રાષ્ટ્રધ્વજની સાથે પોતાનો ફોટો જોઈને તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે આ એવોર્ડ મુશ્કેલીના સમયમાં સાથ આપનારી ટીમના સભ્યોને સમર્પિત કર્યો છે. પોતાની કોમ્યુનિટી માટે નોંધપાત્ર પરિવર્તન લાવતી કામગીરી કરનારી વ્યક્તિ-વોલન્ટીઅરનું સન્માન કોમનવેલ્થ પોઈન્ટ ઓફ લાઈટ એવોર્ડથી કરવામાં આવે છે. કોમનવેલ્થના ૫૩ દેશોના પ્રેરણાદાયી સ્વયંસેવકો પ્રતિ આભાર વ્યક્ત કરવા કોમનવેલ્થના વડા મહારાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા આ એવોર્ડ અપાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter