ગુજરાતી શબ્દસાધક, ખુશમિજાજ સમાજસેવક કવિશ્રી પંકજ વોરાની ચિરવિદાય

Wednesday 19th February 2020 04:44 EST
 
 

ગુજરાતી ભાષાના શબ્દસાધક અને સદાય ખુશમિજાજ, લબ્ધપ્રતિષ્ઠિત કવિશ્રી પંકજભાઇ વોરા ૯૦ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ તા. ૧૭ ફેબ્રુઆરી, સોમવારે સાંજે એમના નિવાસસ્થાને આ ફાની દુનિયાને અલવિદા કરી ચિરનિંદ્રામાં પોઢી ગયા છે. નૈરોબીના ધનાઢય જૈન પરિવારમાં ૧૯૨૯ની ૩જી માર્ચે કવિશ્રી પંકજભાઇનો જન્મ થયો હતો. થોડા સપ્તાહ પહેલાં 'ગુજરાત સમાચાર'ના વરિષ્ઠ સાથી સુરેન્દ્ર પટેલ સાથે પ્રકાશક-તંત્રીશ્રી સી.બી.પટેલ કવિશ્રી પંકજભાઇની મુલાકાત લેવા રીકમન્સવર્થ ખાતે એમના નિવાસ્થાને ગયા હતા ત્યારે પંકજભાઇ પથારીમાં આરામ કરી રહ્યા હોવા છતાં ખુશમિજાજ ચહેરે સી.બી સાથે અલકમલકની વાતો કરી જૂનાં સંસ્મરણો તાજાં કર્યાં હતાં.
કવિશ્રી પંકજભાઇ અને કવિયત્રી ભારતીબેન વોરા પરિવારનો છેલ્લા ૪૩ વર્ષથી 'ગુજરાત સમાચાર' સાથે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. પંકજભાઇએ 'ગુજરાત સમાચાર' તથા ન્યુલાઇફ (હાલનું એશિયન વોઇસ) સાપ્તાહિકોના નેજા હેઠળ સેન્ટ્રલ લંડનના મંદિર રસ્ટોરન્ટ ખાતે ૧૯૭૭માં સૌ પ્રથમવાર ૧લી મેએ "ગુજરાત દિન"ની ઉજવણી કરી હતી. આ ઉપરાંત ૧૯૮૪માં સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ગુજરાતી કોન્ફરન્સ, ૧૯૮૫માં નેશનલ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ ત્યારબાદ ૧૯૮૬માં સરદાર પટેલ સોસાયટીની સ્થાપનાના સાક્ષી રહેલા પંકજભાઇએ અનેકવિધ કાર્યક્રમો, સમારંભોમાં ખૂબ જ સક્રિય રહી નોંધપાત્ર અનુદાન પ્રદાન કર્યું છે. ‘ગુજરાત સમાચાર' તથા 'એશિયન વોઇસ' દ્વારા આયોજિત અનેકવિધ સન્માન સમારંભોને પંકજભાઇએ એમની કાવ્યમયી, શાબ્દિક ભાષાથી દૈદિપ્યમાન બનાવ્યા છે. આવા ઉદારમના સાથીને, શુભેચ્છકને ગુમાવતાં 'ગુજરાત સમાચાર' તથા Asian Voice’ પરિવાર ખૂબ જ દુ:ખની લાગણી અનુભવે છે.
પરમકૃપાળુ પરમાત્મા પંકજભાઇનાં પ્રેમાળ જીવનસંગિની કવિયત્રી ભારતીબેન, દીકરી શ્રુતિ તથા દીકરા સેતુ સહિત સૌ વોરા પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. સી.બી. પટેલ તથા ABPLપરિવારજનોના સૌને જય જિનેન્દ્ર.

પ્રાર્થના સભા: શુક્રવાર, ૨૧ ફેબ્રુઆરીના રોજ હેઇઝ સ્થિત નવનાત સેન્ટર ખાતે સાંજે ૮.૦૦થી ૧૦ દરમિયાન રાખવામાં આવી છે.
સ્થળ: Navnat Centre, Printing House Lane, Hayes, UB3 1AR.

મંગળવારે સવારે કવિયત્રી ભારતીબેન વોરાએ પંકજભાઇની ચિરવિદાયના માઠા સમાચાર આપ્યા એ વખતે કવિ પંકજભાઇએ લખેલી કેટલીક કાવ્ય પંક્તિઓ સંભળાવી. કવિ પંકજ લખે છે કે, “જીવનના નર્કમાંથી સ્વર્ગ શોધનાર કવિ, કદીયે સ્વર્ગવાસી થતા હશે?” અને "હા, નવજીવનનો આરંભ આ મૃત્યુ, કેવળ આ જન્મ, પ્રાણની પ્રતિષ્ઠા નથી" માટે મોક્ષના બંધન નથી જોતા, પંકજ હું ભવોભવ માનવ થવાની સજાઓને ચાહું છું".


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter