હિન્દુ ધર્મ: અંધશ્રદ્ધા, શુભ-અશુભ, શુકન-અપશુકન વગેરે...

Tuesday 26th April 2016 12:04 EDT
 

તા. ૯-૪-૧૬નો ‘જીવંત પંથ’ ક્રમાંક ૪૪૨ 'જાગ્યા ત્યાંથી સવાર' લેખ વાંચ્યો. હું સતયુગના સાચા શ્રવણની વાત કરું છું. શ્રવણનું ભજન તમે સાંભળ્યું હશે. તેમાં શ્રવણના પત્ની શ્રવણને કહે છે કે 'તારા મા-બાપને ચૂલામાં નાંખ. મને મારા પિયરે વળાવ.' શ્રવણની પત્ની જે કહે છે તે ૧૦૦ ટકા સાચી વાત છે. શ્રવણે લગ્ન તેની પત્નીને સુખ આપવા માટે નહોતા કર્યા પણ પોતાના આંધળા અને લૂલા-લંગડા માતા-પિતાની સેવા કરાવવા માટે કર્યા હતા. આવા સ્વાર્થી શ્રવણની વાહ વાહ ન થાય.

શ્રવણ એના માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવે છે તેનું ફળ એના માતા-પિતાને શું મળ્યું? દશરથ રાજાએ શ્રવણની હત્યા કરી, શ્રવણના મા-બાપે શ્રવણ ખોયો અને ભૂખ્યા પેટે પાણી વગર તરસ્યા મરી જવું પડ્યું. હું પોતે એવું માનું છું કે 'પોતે પૈસા ખર્ચ કરીને દુઃખી થવું એનું નામ યાત્રા. ભગવાનના મંદિરમાં ચોરી ન થાય. સોના, ચાંદીના દાગીનાની કે રોકડ રકમ ચોરાય તો ભગવાન પોતે સુરક્ષિત નથી, તો એ ભગવાન તમારું શું રક્ષણ કરવાના હતા.'

ન્યુ ઝીલેન્ડથી બ્રાયન નામના એક માણસે અંગ્રેજીમાં ઈ-મેઈલ ફરતો કર્યો છે. તેના પરથી એવું લાગે છે કે હિન્દુ ધર્મમાંથી શીખવા જેવું કાંઈ નથી. હિન્દુ ધર્મમાં અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, શુભ-અશુભ, શુકન-અપશુકન, લાભ-ગેરલાભ, પવિત્ર-અપવિત્ર, મંગળ-અમંગળ આનાથી વધુ કાંઈ નથી. હિન્દુ ધર્મના લોકો ભજન-કિર્તન, કથા, હવન, યજ્ઞ વગેરેમાં માને છે. જેનો કોઈને ફાયદો નથી. આમાં ખાલી બ્રાહ્મણને ફાયદો છે. એટલે જ તો ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે ૧૯૫૬માં ઓક્ટોબરમાં પોતાના ૭ લાખ જેટલા અનુયાયીઓ સાથે નાગપુરમાં બૌદ્ધ ધર્મની દીક્ષા લઈને હિન્દુ નરકમાંથી મુક્તિ મેળવ્યાની ઘોષણા કરી હતી.

સી. બી. પટેલ તમે જ આ લેખમાં સુરતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની વાત કરી છે તેમાં આપણા હિન્દુભાઈઅોએ તિજોરી ખુલ્લી મૂકી શા માટે? કારણ પોતાના સ્વાર્થ માટે, પોતાના ભલા માટે. આવા હિન્દુ ધર્મને હું પોતે માનતો નથી.

સી. બી. પટેલ, તમો મોટેભાગે 'જીવંત પંથ' લેખમાં હિન્દુ ધર્મના ઘણા વખાણ કરો છો પણ હિન્દુ ધર્મના વખાણ કરવા જેવું નથી.

- ગણપત ચૌહાણ, લેસ્ટર.

પ્રિય વાચક મિત્રો,

શ્રી ગણપતભાઇ ચૌહાણે રજૂ કરેલા વિચારો અંગે આપના અમૂલ્ય મંતવ્યો જણાવી આપ જનમતને જાગૃત કરી શકો છો. તો ઉઠાવો.. કલમ અને અમને આપનો અભિપ્રાય ૨૦૦ શબ્દોની મર્યાદામાં લખી જણાવો. 'ગુજરાત સમાચાર' પાસે જાગૃત અને સિધ્ધાંતપરસ્ત વાચકો છે તેનું અમને ગૌરવ અને અભિમાન છે અને વિભિન્ન મત વ્યક્ત કરનાર સૌને અમે વંદન કરીએ છીએ.

આપના મંતવ્યો ન્યુઝ એડિટર શ્રી કમલ રાવને Gujarat Samachar, Karmayoga House, 12 Hoxton Market, London N1 6HW પોસ્ટ દ્વારા, ફેક્સ નં. 020 7749 4081 દ્વારા કે પછી [email protected] પર ઇ-મેઇલ દ્વારા મોકલો. 

  • કમલ રાવ

comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter