પુનિત શાહના રમત-ગમતના શોખની રોમાંચક સફર: ફૂટબોલ ઇન્ટરનેશનલ મેચમાં વિજયનો ડંકો

ઘર દીવડાં

જ્યોત્સના શાહ Wednesday 24th May 2023 05:37 EDT
 
 

વ્યવસાયે ચાર્ટર્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ પરંતુ સ્પોર્ટ્સ પ્રેમી પુનિત શાહને ફૂટબોલ, બેડમિંગ્ટન, ક્રિકેટ અને ટેનિસ વગેરે રમતોમાં ભારે દિલચશ્પી. પોતાનો શોખ, સ્વ પૂરતો મર્યાદિત ન રાખતા યુવા પેઢીમાં પણ રમતગમતનો શોખ વિકસે અને તેમનું આરોગ્ય પણ સુધરે એવા શુભ આશયથી તેઓ ક્વોલીફાઇડ ફૂટબોલ કોચ બન્યા બાદ સ્પોર્ટસ સફરનો શુભારંભ થયો જે યુરોપ કપ મે ૨૦૨૨ની ફૂટબોલ સ્પર્ધા (૧૪ વર્ષની અંદરના) પેરિસ ખાતે રમાયેલ Saint-Gemain F.C (PSG), ફ્રાન્સમાં વિજયી બનવા સુધી લઇ ગયો. સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે ઇન્ટરનેશનલ મેચમાં તેમની ટીમ વિજયી બનશે.આ વિજયે ખુબ જ સન્માન ને ગૌરવ અપાવ્યા. આ વિજયથી સોસીયલ મીડીયામાં છવાઇ ગયા. છોકરાઓ એમની કૃષ્ણા અવંતિ સ્કુલમાં ગયા તો ત્યાં પણ ફૂટબોલ હીરો બનવાની ગૌરવમયી ઘટના જીવનનો અમૂલ્ય પ્રસંગ બની ગયો.
પુનિત છેલ્લા દસેક વર્ષથી ૭ થી ૧૪ વર્ષના છોકરાઓને વોલંટીયરલી કોચીંગ કરે છે. એમની સ્થાનિક ક્લબ “બેલમોન્ટ યુનાઇટેડ” છે. તાજેતરમાં એ ફૂટબોલ રેફરી પણ બન્યા. આઠેક વષર્થી બેડમિંગ્ટન કલબ પણ ચલાવે છે. પોતાના વ્યસાય સાથે રમતનો શોખ વિકસાવી સમાજમાં તાલીમબધ્ધ રમતવીરો ઉભા કરવા પોતાનો સમય ફાળવી સેવા આપવાનો ઉમદા આશય અભિનંદનને પાત્ર છે. વ્યક્તિમાં લગન-ધગશ હોય તો એ ધારી સિધ્ધિ મેળવી શકે એનું પુનિત ઉજળું ઉદાહરણ છે.
એને જૈન ધર્મના સંસ્કારો માતા રસિકાબહેન અને પિતા પ્રફુલભાઇ (મૂળ નવસારી- દ.ગુજરાત) તરફથી મળ્યા છે. ત્રણ બહેનોનો ભાઇ પુનિત બે દિકરાઓ (રીષભ- ૧૮ અને આદીત્ય-૧૫)નો પિતા છે. એનાં પત્ની રીતુ શાહ પણ ધર્મપ્રેમી છે. નાનપણથી જ પાર્કમાં રમવા જવું, ટેલીવીઝન પર ફૂટબોલ મેચો જોવામાં ભારે રસ હતો. તેઓ લીવરપુલ સપોર્ટર છે.
પુનિત જૈન નેટવર્કમાં ય કેટલીક ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ફાળો નોંધાવે છે. એમનું પ્રેરક બળ સ્વ.ડો.નટુભાઇ શાહ છે. ડો. નટુભાઇએ જૈન સમાજમાં આપેલ સેવાઓ સુવિખ્યાત છે. હાલ કોલીન્ડલમાં નવું આકાર લઇ રહેલ સેન્ટર, જીનાલય સહિત બનાવવાનું ડો. નટુભાઇનું સપનું ઓગષ્ટમાં સાકાર થવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જેમાં આવા યુવાનોનું પ્રદાન આવકાર્ય છે. હાલ તેઓ નેટવર્કમાં શારીરીક સુખાકારી (ફિજીકલ વેલબીઇંગ), સોસીયલ અને યુથ એંગેજમેન્ટનું નેતૃત્વ સંભાળે છે.
પુનિતે “ગુજરાત સમાચાર”ને જણાવ્યું કે, આ અણધાર્યા અને યાદગાર વિજયે અમને શીખવ્યું, પોઝીટીવ માઇન્ડ, સંગઠન, અને સવિશેષ મહત્વનું એ છે કે, કોઇપણ જાતની આશા વિના તમને જેમાંથી આનંદ મળે એ કામ ધગશથી કરો. સફળતા મળે કે ન મળે!. આપણું કર્મ પૂરેપૂરી પ્રામાણિકતાથી કરીએ અને એનું ફળ લાયકાત મુજબ આપવાનો નિર્ણય ભગવાન પર છોડી દઇએ. આપણા રોજબરોજના જીવનમાંથી હંમેશા નવા-નવા પાઠ શીખવા મળતા હોય છે..”
પુનિતભાઇનો પરિવાર ચાળીસેક વર્ષથી “ગુજરાત સમાચાર” અને “એશિયન વોઇસ”ના ગ્રાહક છે એનો યશ સ્વ. શ્રી હીરાભાઇ શાહ (કાકુના ઉપનામથી જાણીતા) જેઓ એક શિક્ષક હતા અને નિવૃત થયા બાદ અમારી એડીટોરીયલ ટીમના માનદ્ સભ્ય હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter