પ્રથમ ઘર ખરીદનારાઓ માટે ૩૦ ટકા ડિસ્કાઉન્ટની યોજના

આ ડિસ્કાઉન્ટથી નવા મકાનની ખરીદી પર આશરે ૧૦૦,૦૦૦ પાઉન્ડની બચત થશે

Wednesday 12th February 2020 03:33 EST
 
 

લંડનઃ પ્રથમ વખત ઘર ખરીદનારા માટે આનંદના સમાચાર છે. સરકારની નવી ‘ફર્સ્ટ હોમ’ યોજના અનુસાર પ્રથમ વખત ઘર ખરીદનારા યુવા વર્ગ, નર્સીસ, ટીચર્સ અને પોલીસ જેવાં ચાવીરુપ કામદારો અને પીઢ લશ્કરી જવાનોને મદદરુપ બનવા ઘરની કિંમતના ત્રીજા ભાગનું ડિસ્કાઉન્ટ મળી શકશે. આ ડિસ્કાઉન્ટથી નવા મકાનની ખરીદી પર આશરે ૧૦૦,૦૦૦ પાઉન્ડની બચત થશે. હાઉસિંગ ડેવલપર્સના યોગદાન થકી આ ડિસ્કાઉન્ટ મળશે. જો નવી યોજના આગળ વધશે તો મિલિટરીના પીઢ જવાનો મકાન મેળવવાની લાઈનમાં કૂદકો મારી શકશે. ઈંગ્લેન્ડમાં નવી બંધાયેલી પ્રોપર્ટીની સરેરાશ કિંમત ૩૧૪,૦૦૦ પાઉન્ડ છે.

મિનિસ્ટરોએ જણાવ્યું હતું કે સૂચિત ૩૦ ટકા ડિસ્કાઉન્ટ હાઉસિંગ ડેવલપર્સના યોગદાન થકી મળશે. આ રીતે ખરીદેલી પ્રોપર્ટી વેચવામાં આવશે ત્યારે ડિસ્કાઉન્ટની રકમ નવા સ્થાનિક ખરીદારને પાસ-ઓન કરવામાં આવશે જેથી, તેને પણ લાભ મળી શકે. જોકે, સ્થાનિક વ્યક્તિ કેવી રીતે તેને લાયક ગણાશે તેનો નિર્ણય હજુ લેવાયો નથી. હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિકે જમાવ્યું હતું કે સમગ્ર દેશમાં આ યોજના લોકોના જીવનમાં પરિવર્તન લાવનારી બની રહેશે. સ્વતંત્ર સર્વેયર દ્વારા પ્રોપર્ટીની બજારકિંમત નિશ્ચિત કરાયાના આધારે આ ડિસ્કાઉન્ટ મળવાપાત્ર રહેશે. મકાનોની પ્રાપ્યતા સુધારવા આગામી પાંચ વર્ષમાં દસ લાખથી વધુ નવા મકાનોનું નિર્માણ કરવાની સરકારે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

ફર્સ્ટ હોમ્સ યોજના હેઠળ નવા બંધાયેલા મકાનોની કિંમતમાં ૩૦ ટકાનું ડિસ્કાઉન્ટ આશરે ૯૪,૦૦૦ પાઉન્ડની બચત કરાવી આપશે. સરકારે જણાવ્યું હતું કે કોર્નવોલમાં નવા બંધાયેલા મકાનોની સરેરાશ કિંમત ૨૪૬,૦૦૦ પાઉન્ડ છે, જેનો અર્થ એ કે ૩૦ ટકાના ડિસ્કાઉન્ટથી પ્રથમ વખત ઘર ખરીદનારને ૭૩,૦૦૦ પાઉન્ડથી વધુ બચત થશે. સૂચિત યોજના કન્સલ્ટેશન માટે મૂકાઈ છે એટલે તેમાં થોડા સુધારાવધારા થઈ શકે છે. કાઉન્સિલો દ્વારા ‘સ્થાનિક સંપર્ક’ ટેસ્ટ કરાશે એટલે કે તમે નવા ઘરની કેટલી નજીક રહી શકો તેની વ્યાખ્યા ઉપરાંત, મળવાપાત્ર પ્રોપર્ટીની કિંમતની ઉપલી મર્યાદા પણ નિશ્ચિત કરાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter