લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બાળલગ્નો પર પ્રતિબંધ લગાવવાના ખરડાએ પાર્લામેન્ટમાં પ્રથમ અવરોધ પાર કર્યો છે. ગત શુક્રવારે ધ મેરેજ એન્ડ સિવિલ પાર્ટનરશિપ (મિનિમમ એજ) બિલ હાઉસ ઓફ કોમન્સના બીજા વાંચનમાં પસાર થયું હતું. મિડ ડર્બીશાયરના સાંસદ પોલીન લાથામ દ્વારા મૂકાયેલા ખાનગી બિલને સરકાર અને વિપક્ષી સભ્યોનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત છે.
ધ મેરેજ એન્ડ સિવિલ પાર્ટનરશિપ (મિનિમમ એજ) બિલ થકી તમામ પરિસ્થિતિમાં લગ્નની લઘુતમ વય ૧૮ વર્ષની થશે તેમજ બાળકને સાંકળતી ધાર્મિક વિધિઓ સાથેના લગ્નો પણ ગુનાની વ્યાખ્યામાં આવી જશે. બાળકને લગ્નનું દબાણ કરવાનું કોઈ પણ વર્તન નવા કાયદા હેઠળ સાત વર્ષની જેલની સજાને પાત્ર ગણાશે. યુકેમાં ૧૬ અને ૧૭ વર્ષની છોકરીઓને પેરન્ટ્સની સંમતિ સાથે લગ્નની પરવાનગી મળે છે પરંતુ, કેમ્પેઈનર્સના દાવા છે કે મોટા ભાગે પેરન્ટ્સની ધાકધમકીથી આવા લગ્નો થાય છે.
યુકેના કાયદાથી સંપૂર્ણ સુરક્ષા નહિ મળવાથી દર વર્ષે સેંકડો બ્રિટિશ બાળકન્યાઓના લગ્ન કરાવી દેવાય છે. યુકેમાં ધાર્મિક લગ્નોનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાતું નથી પરંતુ, ઘણી વખત ૧૦ વર્ષ જેટલી કાચી ઉંમર સહિત કોઈ પણ વયે લગ્ન કરવાની પરવાનગી મળતી રહે છે. નોંધણી કરાતી ન હોવાથી કેટલા બાળલગ્નો કરાવાય છે તેનો આંકડો પણ મેળવવો મુશ્કેલ બની રહે છે. યુકેમાં ૨૦૨૧માં પણ બાળલગ્ન મોટી સમસ્યા હોવાનું કેમ્પેઈનર્સ કહે છે.