બ્રિટનમાં ડાઈવોર્સનો દર ૪૮ વર્ષમાં સૌથી તળિયેઃ લગ્નો પણ ઘટ્યાં

Wednesday 09th October 2019 03:17 EDT
 
 

લંડનઃ વધુ અને વધુ બ્રિટિશરો લગ્નગાંઠમાં બંધાવાના બદલે અપરીણિત યુગલ તરીકે સાથે રહેવાનું પસંદ કરતા થવાથી ડાઈવોર્સનો દર ગત ૪૮ વર્ષમાં સૌથી તળિયે પહોંચ્યો છે. ગત વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૯૨,૩૬૧ ડાઈવોર્સ ફાઈનલ થયા હતા જેની સંખ્યા ૨૦૧૭માં ૧૦૩,૩૬૬ની હતી. પાંચ મિલિયન યુગલો સાથે રહેતાં થયાં છે અને અડધાથી ઓછી સ્ત્રીઓએ લગ્ન કર્યાં છે. લગ્નોની લોકપ્રિયતા એટલી ઘટી છે કે ૪૯.૫ ટકા વયસ્ક સ્ત્રીઓ જ પરીણિત છે.

બ્રિટિશરોના સામાજિક વલણો બદલાઈ રહ્યાં છે. લોકો હવે મોડાં લગ્ન કરતા થયાં છે. આ ઉપરાંત, દસમાંથી એક વયસ્ક વ્યક્તિ લગ્ન કર્યાં વિના સાથે રહેવા લાગી છે. લગભગ અર્ધી સદીમાં સૌપ્રથમ વખત ડાઈવોર્સની સંખ્યા તળિયે પહોંચી છે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસના આંકડા અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં લગ્નો તૂટવાનું વધતું ગયું તે પછી સૌપ્રથમ વખત તેની સંખ્યા ૧૦૦,૦૦૦થી નીચે જઈ ૯૨,૩૬૧ની થઈ છે. વર્ષ ૨૦૧૭માં ૧૦૩,૩૬૬ ડાઈવોર્સ જ્યારે, ૨૦૦૩માં ૧૫૪,૩૨૬ ડાઈવોર્સ થયાં હતાં. મિનિસ્ટ્રી અનુસાર આ સંખ્યા હજુ ઘટશે કારણકે આ વર્ષના એપ્રિલ-જૂન ગાળામાં ૨૮,૧૪૪ ડાઈવોર્સ પ્રક્રિયા શરૂ થઈ હતી, જે ૨૦૧૮ના આ જ ગાળા કરતાં ૧૩ ટકા ઓછી છે. ડાઈવોર્સના કાયદા ૧૯૬૯માં ઉદાર બનાવાયા પછી ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના સત્તાવાર આંકડા મુજબ ૧૯૭૧માં ડાઈવોર્સની સંખ્યા સૌથી ઓછી એટલે કે ૭૪,૪૩૭ની હતી, જે યુગલો માત્ર છ મહિનામાં ડાઈવોર્સ લઈ શકે તેવા સુધારાના પગલે ૧૯૯૩માં સૌથી વધી ૧૬૫,૦૧૮ના શિખરે પહોંચી હતી.

પાંચ મિલિયન બ્રિટિશરો લગ્ન કર્યા વિના સાથે રહે છે. ઊંચી આવક ધરાવતા અને સુશિક્ષિત લોકો લગ્નબંધનમાં ઓછાં બંધાય છે. બીજી તરફ, લગ્ન કરવામાં મધ્યમવર્ગીય બ્રિટિશરોની સંખ્યા વધી રહી છે જ્યારે વર્કિંગ ક્લાસ અને નીચી આવક ધરાવતા યુગલો લગ્ન ઓછાં કરે છે. નિષ્ણાતો કહે છે કે મધ્યમ આવકજૂથના પરીણિત યુગલોમાં પ્રોપર્ટીના હિતો મોટા ભાગે સંયુક્ત હોય છે તેમજ બ્રેક-અપની ભાવનાત્મક અને આર્થિક અસરને બરાબર સમજતાં હોય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter