બ્રિટિશ દંપતીઓનું લગ્નજીવન વધુ સ્થિરઃ ડાઈવોર્સનો દર ઘટ્યો

Wednesday 08th January 2020 02:11 EST
 
 

લંડનઃ યુરોપના અન્ય દેશોથી વિપરીત બ્રિટનમાં ડાઈવોર્સનો દર ઘટીને ૨૫ ટકાથી પણ નીચે ઉતરવાની ધારણા છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં લગભગ ૫૦ વર્ષમાં પ્રથમ વખત ૨૦૧૮માં ડાઈવોર્સના કેસીસ ૧૦૦,૦૦૦થી નીચે ઉતર્યા છે. યુરોપમાં બ્રિટિશ દંપતીઓ વધુ સ્થિર લગ્નજીવન માણી રહ્યાં છે. બીજી તરફ, યુરોપના સ્વીડન, ફ્રાન્સ, ઈટાલી, સ્પેન અને બેલ્જિયમ સહિતના દેશોમાં લગ્નોની સંખ્યા ઘટે તેવી શક્યતા વધુ છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર ૧૯૯૨માં લગ્ન કરેલા બ્રિટિશ દંપતીઓએ ૧૫ વર્ષમાં જ ડાઈવોર્સ લઈ લીધાં હતાં, જે લગ્નોના ૩૦.૭ ટકા હતો. જોકે, આ દોઢ દાયકામાં ડાઈવોર્સનો દર ૨૫ ટકાથી પણ નીચે ઉતર્યો છે જે, યુરોપમાં ઝડપથી ઘટતો દર છે. યુરોપમાં ગત ૨૫ વર્ષમાં ડાઈવોર્સનો દર અંદાજે પાંચ પરસેન્ટ પોઈન્ટ અને સ્વીટ્ઝર્લેન્ડમાં છ પોઈન્ટ ઘટ્યો છે. યુકેમાં લગ્ન કરવાનું સામાજિક દબાણ હળવું થવાથી ડાઈવોર્સનો દર પણ ઘટ્યો છે.

૧૯૯૨માં લગ્ન કરેલા દંપતીમાં ડાઈવોર્સનો દર ૩૦.૭ ટકા, ૨૦૦૨ના દંપતીઓમાં ૨૮.૧ ટકા અને ૨૦૧૭માં લગ્ન કરેલા દંપતી માટે ૨૩ ટકા રહેવાની ધારણા છે. ડાઈવોર્સના કાયદાઓ ઉદાર થવા સાથે ૧૯૭૦ના દાયકાના પૂર્વાર્ધમાં ડાઈવોર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો દેખાયો હતો. જો બોરિસ જ્હોન્સન સરકાર ‘ડાઈવોર્સ ઓન ડિમાન્ડ’ તરીકે ઓળખાયેલી નો-ફોલ્ટ સેપરેશન્સની નવી વ્યવસ્થામાં આગળ વધશે તો ડાઈવોર્સનો દર વધવાની શંકા સેવાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter