લંડનઃ લૂટન ક્રાઉન કોર્ટે પત્ની રણજીત ગિલની હત્યા કરવાના ભારતીય મુળના ૪૭ વર્ષીય આરોપી અનિલ ગિલને શુક્રવાર ૧૨ નવેમ્બરે ગુનેગાર ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી હતી. તેણે ઓછામાં ઓછાં ૨૨ વર્ષ પેરોલ વિના જેલમાં રહેવું પડશે. જ્યૂરીએ અનિલને સર્વાનુમતે દોષિત ઠરાવ્યો હતો.
સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડના મિલ્ટન કિનેસ વિસ્તારના નિવાસી અનિલ ગિલે જાન્યુઆરી મહિનામાં ૪૩ વર્ષીય પત્ની રણજીત ગિલને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી. નવાઈની વાત એ હતી કે અનિલે ખુદ ફોન કરી પોલીસને બોલાવી હતી. ગેરેજમાં બિન બેગ્સમાં વીંટળાયેલાં રણજીત ગિલના શરીર પર ખંજર કે છરીના સંખ્યાબંધ ઘાના નિશાન જોવાં મળ્યાં હતાં. થેમ્સ વેલી પોલીસે તેની ધરપકડ કર્યા પછી ફેબ્રુઆરીમાં તેની સામે પત્નીની કરપીણ હત્યાનો ગુનો નોંધાયો હતો. અનિલે હત્યાનો આરોપ સ્વીકાર્યો ન હતો પરંતુ, પાછળથી માનવવધનો ગુનો કબૂલ્યો હતો. તેણે આ હત્યા બદલ પત્નીની વર્તણૂંકને જ જવાબદાર ગણાવી હતી જેનાથી તે આવેશમાં આવી ગયો હોવાનું કહ્યું હતું. જોકે, પ્રોસિક્યુશન, રણજીત ગિલના પરિવાર અને જ્યૂરીએ અનિલના બહાના સ્વીકાર્યા ન હતા. અનિલ લગ્નજીવનમાં પત્ની પર સતત અંકુશ રાખતો હોવાની રજૂઆત પણ કોર્ટ સમક્ષ કરાઈ હતી.
લૂટન ક્રાઉન કોર્ટે અનિલ ગિલને આજીવન કેદની સજા ફરમાવતા તેને પેરોલ વિના ઓછામાં ઓછાં ૨૨ વર્ષ પેરોલ વિના જેલના સળિયા પાછળ વીતાવવા પડશે. રણજીત ગિલના ભાઈ રાજ સાગૂ, બહેનો કમલ ઓજલા, તેજીન્દર મેક્કેન, હરમિન્દર સહાની અને ભાણી મોનિકા ઓજલાએ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે તેમના જીવનમાં ખાલીપો કદી પૂરાશે નહિ.