મહાવીર ફાઉન્ડેશનના સ્થાપક અને જૈન સ્કોલર વિનોદભાઇ કપાશી અને સુધાબેન કપાશીનું સન્માન

Wednesday 20th August 2025 06:37 EDT
 
 

મહાવીર ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી અને જૈન સમાજના એક અગ્રણી અને જૈન સ્કોલર ડૉ. વિનોદભાઈ કપાશી, ઓબીઈ અને તેમના પત્ની, સુધાબેન કપાશીનું તેમની ત્રણ પુત્રીઓ દ્વારા આયોજિત એક સમારંભમાં હેરોના બ્લુરૂમમાં સન્માન કરાયું હતું. ખરેખર તો આ સન્માન બ્રિટનની જૈન સંસ્થાઓ દ્વારા થયું હતું તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ થેંક્સગીવીંગ પાર્ટીમાં બ્રિટનની જૈન સંસ્થાઓના અગ્રણીઓં ઉપસ્થિત હતા અને ખુબજ ભાંવનાત્મકરીતે વિનોદભાઈના જીવન અને કાર્ય વિષે તેમના વક્તવ્યો રજૂ કર્યાં હતા અને કહ્યું હતું કે તેમનું જીવન જાહેર સેવા, સાહિત્ય, જૈન ધર્મ અને ધાર્મિક એકતા ભાવના માટે સમર્પિત રહ્યું છે.
તેના પ્રતિભાવમાં ડૉ. કપાશીએ તેમના જીવનકાળ દરમિયાન સમાજના સ્નેહના સાક્ષી બનવાની તેમની હૃદયપૂર્વકની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે “હું ફક્ત એ જોવા માંગતો હતો કે જીવતા રહીને લોકો મારી સાથે કેવી રીતે જોડાયેલા છે અને તેઓ મારા વિશે શું વિચારે છે. ફિલ્મી ગીત, “કલ ખેલ મેં હમ હો ના હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા” એ યાદ અપાવે છે કે વ્યક્તિઓ ભલે આગળ વધે, તેમના મૂલ્યો અને યોગદાન પેઢીઓ સુધી ચમકતા રહે છે.’’
અતિશય હૂંફથી પ્રભાવિત થયેલા સુધાબેને જીવનભરના પ્રવાસ અને ભવિષ્યના વચન પર પ્રતિબિંબ પાડતાં કહ્યું હતું કે “હમ લાયે હૈ તુફાન સે કિશ્તી નિકાલ કે ઇસ ધર્મકો સમ્હાલના મેરે દોસ્તો સંભલકે .
આ પ્રસંગે અગ્રણીઓ નેમુભાઈ ચંદરિયા ઓબીઈ, જયસુખભાઈ મહેતા બીઈએમ, ડૉ. મેહુલ સંઘરાજકા એમબીઈ, રૂમિતભાઈ શાહ અને નિરજભાઈ સુતરિયા સહિતના અગ્રણીઓએ તેમની પ્રશંસા કરી હતી. ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા ભારતથી એક વિડિઓ સંદેશો મોકલવામાં આવ્યો હતો. સભામાં ઉપસ્થિત વક્તાઓએ ડૉ. કપાશીને “એક વાસ્તવિક વિદ્વાન, એક સાચા સજ્જન અને જૈન ધર્મ અને ભારતીય મૂલ્યોના એન્સાઇક્લોપીડિયા તરીકે વર્ણવી જૈન મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને જાળવવા માટેના તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. દંપતીની પુત્રીઓ – રક્ષિતા, પુન્ની અને નેહા, તથા તેમની પાંચ પૌત્રીઓ અને એક પૌત્ર તથા ભાણી અલ્કાબેન શાહે તેમના વિચારો પ્રસ્તુત કર્યાંહતા. અને જીવનની કિંમતી યાદો શેર કરી હતી.
કાર્યક્રમમાં થીમ ગીતો અને ખાસ તૈયાર કરેલા નૃત્યો રજૂ કરવામાં આવેલા હતા. વાણી શાહે એક ગીત તથા એક નૃત્ય રજૂ કર્યું હતું. વિધિ શાહ -હરિયાએ વિનોદભાઈ અને સુધાબેનના જીવનના ફોટાઓ પસંદ કરીને તેના પર ભાવનાત્મક લખાણની રચના કરીને ફોટાઓને અનુરૂપનૃત્યો રજૂ કર્યા હતા આ એક વિશિષ્ઠ પ્રયાસ હતો અને તેની ભારે પ્રશંશા થઇ હતી. દર્શકો આફ્રિન પોકારી ગયા હતા. પૂર્વી શાહે તેમના સાત સહ -કલાકારો અને હિરંગી શાહની કોરિયોગ્રાફીના સહારે સ્ટેજ પર એક એવું વાતાવરણ ખડું કર્યું હતું કે લોકો ભાવ વિભોર બની ગયા હતા. સુધા કપાસીએ પણ સુંદર વક્તવ્ય રજૂ કરીને વિનોદભાઈની કારકિર્દીના 40 વર્ષમાં સાથે ઉભા રહેનારા, મદદ કરનારા સેંકડો ભાઈ બહેનો અને સમાજના અગ્રણીઓને બિરદાવ્યા હતા. વિનોદભાઇએ આઠ જુદી
જુદી સંસ્થાઓ સાથે કામ કરીને તેમની સેવાઓ આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter