માત્ર £૧માં ખરીદેલી શાહી ચાઈનીઝ ફૂલદાનીનાં £૪૮૪,૮૦૦ ઉપજ્યાં!

Wednesday 20th November 2019 02:35 EST
 
 

લંડનઃ હર્ટફોર્ડશાયરની ચેરિટી શોપમાંથી માત્ર એક પાઉન્ડની કિંમતે ખરીદાયેલી ૩૦૦ વર્ષ પુરાણી ચાઈનીઝ ફૂલદાનીની હરાજી કરાતાં તેની એકસ્ટ્રા ફી સાથે અધધ.. ૪૮૪,૮૦૦ પાઉન્ડ કિંમત ઉપજી હતી. આ ફૂલદાની ચીનમાં ૧૭૩૫-૧૭૯૬ના ગાળામાં શાસન કરનારા સમ્રાટ ક્યુઆનલોન્ગની માલિકીની હતી. આઠ નવેમ્બરે આયોજિત હરાજીમાં ચાઈનીઝ ખરીદારે ૩૮૦,૦૦૦ પાઉન્ડની બોલી લગાવી હતી. ઓક્શન હાઉસે નિર્ધારિત કરેલી ૮૦,૦૦૦ પાઉન્ડની ન્યૂનતમ કિંમત કરતા છ ગણી કિંમત ઉપજી છે.

આ ૧૯ સેન્ટિમીટર લંબાઈની નાજૂક ફૂલદાની પાછળના ભાગે સપાટ છે જેથી દીવાલ પર લગાવી શકાય અને આગળના ફૂલેલાં હિસ્સામાં ફૂલ રાખી શકાય છે. ક્વિંગ ખાનદાનના છઠ્ઠા સમ્રાટ ક્યુઆનલોન્ગ પરિવારનું ચિહ્ન ગુલાબ તેના પર લગાવાયું હતું જેનો અર્થ એ છે કે તેનો ઉપયોગ નિકાસ માટે નહિ પરંતુ, મહેલમાં કરવા માટે હતો. તેનો પીળો રંગ પણ સમ્રાટ માટે વિશેષ ઉપયોગ માટે રખાયો હોવાનું સૂચવે છે. તેના પર બારીક અક્ષરોમાં કવિતા લખવામાં આવી છે. સમ્રાટે તેનું નિર્માણ કરાવ્યું હશે ત્યારે પણ તેની પાછળ ભારે ખર્ચ થયો હશે આથી, ચેરિટી શોપમાંથી તેને નજીવી કિંમતે ખરીદવી ભારે લાભકારી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ચાઈનીઝ સામ્રાજ્યનો ઈતિહાસ હોવાં છતાં તે આશ્ચર્યજનક રીતે હર્ટફોર્ડશાયરની ચેરિટી શોપમાં પહોંચી હતી. ખરીદારને તેનો આકાર ગમી જવાથી એક પાઉન્ડની નજીવી કિંમતે આ ફૂલદાની ખરીદી લીધી હતી. શોપમાંથી ખરીદનારે થોડા સમય પછી ફૂલદાનીને ઈ-બે પર વેચવા મૂકી હતી. તેને ફૂલદાનીના ઐતહાસિક મહત્ત્વની જાણ ન હોવાથી કિંમત પણ ઓછી રાખી હતી પરંતુ, ઊંચી કિંમતની અનેક ઓફરો આવતા તેણે હરાજી કરનારા નિષ્ણાત સ્વોર્ડર્સ ફાઈન આર્ટ ઓક્શનર્સનો સંપર્ક કર્યો હતો. અનામી વેચાણકારે આટલી મોટી રકમ મળવાથી ભારે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે તે આ રકમનો ઉપયોગ તેની ત્રણ વર્ષની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે કરશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter