મેગેઝિન ‘The exodus of Kenyan Asians’ નું એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં લોકાર્પણ

પ્રિયંકા મહેતા Wednesday 18th September 2019 03:18 EDT
 
(ડાબેથી) ભરત શાહ, ભીખુ પટેલ, વિજય પટેલ, સુનીલ પાણખાણિયા, લોર્ડ રણબીર સિંહ સુરી, પ્રદીપ ધામેચા OBE, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી અને મનુ રામજી સહિત કેટલાક પ્રતિનિધિઓને આ કાર્યક્રમમાં સન્માનિત કરાયા હતા. આ મેગેઝિન આવા કેટલાક અન્ય મહાનુભાવોની કથા વર્ણવે છે.
 

લંડનઃ કેન્યામાંથી જેમના મૂળિયાં ઉખાડી દેવાયા હતા અને ધીરે ધીરે યુકેમાં સ્થાયી થયા હતા તેવા એશિયનોની કથા વર્ણવતા વિશેષ મેગેઝિન ‘The exodus of Kenyan Asians’નું લોકાર્પણ શુક્રવાર છઠ્ઠી સપ્ટેમ્બરની સાંજે ગ્રોવનર હોટેલમાં આયોજિત એશિયન એચિવર્સ એવોર્ડ્ઝની સાથોસાથ કરવામાં આવ્યું હતું. કેન્યન એશિયનોની હિજરત અને યુકેમાં તેમના પુનર્વસનની આ કથામાં રાજકીય અરાજકતામાં સપડાયેલા દેશ કેન્યાને છોડીને આવેલા અનેક મહાનુભાવોની યાત્રા વર્ણવવામાં આવી છે. તેમાં લોર્ડ રણબીરસિંહ સુરી, ધામેચા કેશ એન્ડ કેરીના પ્રદીપ ધામેચા, વેમેઈડ હેલ્થકેરના વિજય અને ભીખુ પટેલ અને વ્રજ પાણખાણિયા સહિત લોકોની ‘રંકમાંથી રાજા’ બનવાની ઘટનાઓનું દસ્તાવેજીકરણ કરાયું છે.

જોકે, સૌથી મહત્ત્વની બાબત તો એ જ છે કે આ મેગેઝિનમાં એશિયન પરિવારોની સાચી ભાવના તેમજ ઘરની નારીઓ દ્વારા પ્રદાનની કદર કરવામાં આવી છે. પટેલબંધુઓની માતા શાંતાબાનું તાજેતરમાં જ ૯૯ વર્ષની વયે નિધન થયું છે તેઓ પટેલ પરિવારના આધારસ્તંભ હતા. પ્રદીપ ધામેચાના દાદીમા સ્વર્ગસ્થ લાડુમા, લોર્ડ રેમી રેન્જરના માતુશ્રી હરબંસ કૌર રેન્જર તેમજ લોર્ડ રણબીરસિંહ સુરીના પત્ની લેડી તરલોચન સુરી યુકેમાં ઉન્નતિશીલ સામ્રાજ્યો સ્થાપવામાં સફળ રહેલા આ તમામ મહાનુભાવો માટે માર્ગદર્શક પરિબળ બની રહ્યાં છે.

લોર્ડ રણબીરસિંહ સુરીએ વિશિષ્ટ આમંત્રિતોને સંબોધનમાં જણાવ્યું હતું કે,‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ચેરમેન સીબી પટેલે તેમના અતિ સફળ એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ દ્વારા બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના ચાવીરુપ સીમાચિહ્નોને પ્રસિદ્ધિ આપવાને તેમના જીવનનું મહાધ્યેય બનાવ્યું છે. કેન્યન માઈગ્રન્ટ્સની કથનીઓના આ સંપાદનની લાંબા સમયથી આવશ્યકતા હતી અને તે ભાવિ પેઢીઓને તેમના પૂર્વજોએ આપેલા બલિદાનોની યાદગીરી તરીકે કામ આપશે. આ મેગેઝિનના પ્રકાશન બદલ હું સીબીનો આભાર માનવા ઈચ્છું છું અને આ ઈતિહાસના એક અનોખા અંશ બનવાનું ગૌરવ મને પ્રાપ્ત થયું છે.’

મેગેઝિનમાં આ મહાનુભાવોની કથાઓ ઉપરાંત, કેન્યામાં વર્તમાન રાજકીય વાતાવરણ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે તેમજ કેન્યાએ ૧૯૬૪માં આઝાદી પ્રાપ્ત કરી તે અગાઉના ઈતિહાસને પણ સ્થાન અપાયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter