સતત એક મહિના સુધી ચાલેલી ફૂટબોલ ગેમ્સના રોમાંચનો હવે અંત આવી ગયો છે. પેનલ્ટી શૂટઆઉટમાં ઈટાલીના શરણે થઈને યુરો ૨૦૨૦ની ફાઈનલમાં પરાજય સાથે ઈંગ્લેન્ડ માટેની લાંબા સમયની પ્રતિક્ષાનો પણ અંત આવી ગયો છે. લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે ૧૧ જૂનથી ૧૧ જુલાઈ ૨૦૨૧ સુધી રમાયેલી આ રોમાંચક ટુર્નામેન્ટમાં વોલન્ટિયર તરીકે કામ કરવાની તક અને સદભાગ્ય ભરતભાઈ શાહને સાંપડ્યું હતું.
કોરોના મહામારીને લીધે આ ટુર્નામેન્ટ ગયા વર્ષે મોકુફ રાખવી પડી હતી. છતાં ૬,૦૦૦ અરજદારોમાંથી પસંદ કરાયેલા ૧,૦૦૦ વોલન્ટિયરમાંથી એક તરીકે સદભાગ્યે તેમની પસંદગી થઈ હતી. તેમણે જણાવ્યું, 'વોલન્ટિયર તરીકે અમારી પસંદગી થઈ તે પહેલા અમારે કડક ઈન્ટરવ્યૂ પ્રક્રિયા, સલામતી અને કોવિડ પ્રોસીજર્સ બ્રિફીંગ અને ટુર્નામેન્ટ દરમિયાન અમારી કામગીરી માટે તૈયારીના ભાગરૂપે ફરજિયાતપણે ઈ – લર્નિંગ મોડ્યુલ્સ પૂરા કરવા પડ્યા હતા.'
તેમણે ઉમેર્યું, 'જોકે, હાલ તો આ સૌથી વધુ જોવાયેલી ટુર્નામેન્ટ ઈતિહાસ સુધી સીમિત થઈ ગઈ છે. પરંતુ એક વોલન્ટિયર તરીકે હું જીવનભર ભૂલી શકું નહીં તેવો મને અનુભવ થયો છે. અમે વોલન્ટિયર્સ તો પીચ પર ન હતા પરંતુ, વોલન્ટિયર્સની ટીમ તરીકે અમે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવી આ ટુર્નામેન્ટને ભવ્ય રીતે સફળ બનાવવા અમારી ક્ષમતા મુજબ શક્ય તેટલી શ્રેષ્ઠ કામગીરી કરી હતી. તેની સ્મૃતિઓ અમારા મનમાં આગામી વર્ષો સુધી તાજી રહેશે.'
લંડનમાં ૨૦૧૨માં ઓલિમ્પિક્સની યજમાની કર્યા પછી વેમ્બલી સ્ટેડિયમ ખાતે યોજાયેલો આ સૌથી મોટો સ્પોર્ટ્સ ઈવેન્ટ હતો. અમે બે સેમી ફાઈનલ અને એક ફાઈનલ સહિત ૮ મેચનું આયોજન કર્યું હતું અને અમે કરેલી વ્યવસ્થાની દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી.