લંડનઃ પ્રથમ નેશનલ લોકડાઉનના ગાળામાં સેલ્ફ આઈસોલેશનમાં રહેતા લોકોને નિયમિત ખોરાક અને આવશ્યક પુરવઠો મળતો રહે તેની ચોકસાઈ માટે પોતાના સમયનો ભોગ આપનારા સ્થાનિક હીરો ૪૧ વર્ષીય વિમલ પંડ્યા યુકેમાં રહેવા માટે ઈમિગ્રેશનની લડાઈ લડી રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓ માટે વિમલ પંડ્યા ‘શાઈનિંગ લાઈટ’ બની રહ્યા હતા. તેઓ દરરોજ સવારે કેશ એન્ડ કેરીની મુલાકાત લેતા તેમજ પોતાની શિફ્ટ પુરી થયા પછી રાત્રે ૧૧.૩૦ સુધી પગે ચાલીને ખરીદેલી વસ્તુઓ લોકોને પહોંચાડતા હતા. પોતાની રજાના દિવસે પણ કોમ્યુનિટીના આઈસોલેટ થયેલા અને એકલવાયા લોકોની વાત સાંભળતા અને સાથ-સોબતની ઓફર કરતા હતા. તેમની કોમ્યુનિટી સેવાના કારણે ગ્રેટર લંડનના લોર્ડ લેફ્ટનન્ટ સર કેનેથ ઓલિસાની નજરમાં આવી ગયા હતા અને તેમણે કોમ્યુનિટી સેવાની નોંધ લઈ ક્વીનના વતી આભાર વ્યક્ત કરતો પત્ર ગત વર્ષની ૧૨ ફેબ્રુઆરીએ વિમલ પંડ્યાને લખ્યો હતો.
વિમલ પંડ્યા સારા જીવન, નવી શરૂઆત, પોતાની કુશળતા અને મેનેજમેન્ટની પ્રતિભા, લીડરશિપ ક્વોલિટીને નિખારવાના હેતુસર મેનેજમેન્ટ અને ટેકનોલોજીનો અભ્યાસ કરવા ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ યુકે આવ્યા હતા અને ૧૧ વર્ષ પછી તેઓ દેશમાં રહેવાનો અધિકાર ગુમાવે તેવી શક્યતા છે. વિમલ પંડ્યા તેમની કોમ્યુનિટીમાં રહી શકે તેવી ચોકસાઈ રાખવા નિવાસીઓએ હોમ ઓફિસને જણાવ્યું છે. વિમલભાઈ કહે છે કે તેમની સાથે ખરાબ અને કઠોર વર્તન કરાયું છે.
રોથરહિથના નિવાસી વિમલભાઈ પંડ્યાએ એશિયન વોઈસ અને ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે,‘મને ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દેવાયો છે જ્યાંથી મારા સ્ટેટસને નિયમિત કરાવવું મુશ્કેલ છે. જો પરિણામ મારી તરફેણમાં નહિ આવે તો સત્તાવાળાઓ મને ભારત પરત મોકલી આપશે.’
કોલેજ અથવા હોમ ઓફિસે જાણ જ ન કરી
બીમાર સંબંધીને તેના માતાપિતા પાસે પહોંચાડવા તેઓ એપ્રિલ ૨૦૧૪માં ભારત ગયા તે પછી તેમને ફરી પ્રવેશનો ઈનકાર કરાયો હતો. યુકે બોર્ડર ફોર્સે તેમને જણાવ્યું હતું કે તેઓ જે કોલેજમાં અભ્યાસ કરતા હતા તેનો સ્પોન્સરશિપનો અધિકાર રહ્યો નથી. કોલેજ અથવા હોમ ઓફિસે આની જાણ વિમલભાઈને કરી જ ન હતી. અધિકારીઓએ ખોટી સલાહો આપી કે તેમને મોકલાનારી ઈમિગ્રેશન સ્ટેટસ નોટિસના આધારે તેઓ અભ્યાસ અને સ્પોન્સરસિપ માટે અન્ય કોલેજમાં અરજી કરી શકશે. જોકે, તેમને આવી નોટિસ કદી મળી જ નહિ અને યુકે બોર્ડર ફોર્સના એજન્ટોએ લંડન સિટી એરપોર્ટ પર તેમનો પાસપોર્ટ અને બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટ કબજે લઈ લીધા પછી વિમલ અન્ય સ્પોન્સરશિપ મેળવી શક્યા નહિ.
વિમલે પોતાનું ઈમિગ્રેશન સ્ટેટસ નિયમિત કરાવવા, પોતાના મઅધિકાર મેળવવા અને ડીગ્રી પૂર્ણ કરવાના પ્રયાસ પાછળ હજારો પાઉન્ડ ખર્ચી નાખ્યા છે. વિમલભાઈની લડતમાં સાથ આપતા વૃદ્ધ પેરન્ટ્સ પર ખુવાર થઈ ગયા છે. વિમલને યુકેમાં રહેવા દેવાના સપોર્ટ માટે change.org પર એક પિટિશન પણ ચાલી રહી છે.