લંડનઃ આપણામાં કહેવાય છે કે લગ્નનો લાડુ ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય અને કદાચ આથી જ લોકો લાડુ ખાઈને પસ્તાવાનું પસંદ કરે છે. લગભગ ત્રણમાંથી એક દંપતી માને છે કે લગ્નના કારણે પ્રથમ ૧૦ વર્ષમાં સાથે રહેવામાં મદદ મળી છે. એક નવા અભ્યાસમાં ૨૫ ટકા દંપતીએ જણાવ્યું છે કે લગ્નથી તેઓ વધુ સુખી થયાં છે. પરીણિત દંપતીઓની સફળતા માટે ક્લાસ, શિક્ષણ અથવા અન્ય પરિબળો જવાબદાર હોવાની દલીલોને આ અભ્યાસ ફગાવે છે. વાસ્તવમાં લગ્નના કારણે જ સ્થિરતા અને સંતોષ સર્જાય છે.
મેરેજ ફાઉન્ડેશન દ્વારા કરાયેલા ‘વુડ યુ સ્ટીલ બી ટુગેધર ઈફ યુ હેડન્ટ ગોટ મેરિડ’ અર્થાત જો તમે લગ્ન ન કર્યા હોત તો આજે પણ સાથે હોત? તેવો પ્રશ્ન કરતા અભ્યાસમાં ૩૦ અને વધુ વયના ૨૦૦૦ પરીણિત દંપતીનો સમાવેશ કરાયો હતો. જો તેમણે લગ્ન ન કર્યા હોત તો શું થયું હોત તે મુદ્દે ત્રણ વર્ષથી પરીણિત ૧૦માંથી ૪ (૩૭ ટકા) દંપતીએ જણાવ્યું હતું કે તેનાથી સાથે રહેવામાં મદદ મળી છે અને ૧૦ વર્ષના લગ્ન પછી ટકાવારી થોડી ઘટીને ૩માંથી ૧(૩૦ ટકા)ની થઈ હતી. આની સરખામણીએ ત્રણ વર્ષથી પરીણિત ૪૫ ટકા અને ૧૦ વર્ષથી પરીણિત ૪૯ ટકાએ તેમણે લગ્ન કર્યા હોત કે ન કર્યા હોત તેનાથી કોઈ ફરક ન પડત તેમ જણાવ્યું હતું.
ComRes Savanta ના ડેટાનું વિશ્લેષણ કરતા મેરેજ ફાઉન્ડેશનને જણાયું હતું કે સર્વે હેઠળના લગભગ ૧૦માંથી ત્રણ દંપતીએ કહ્યું હતું કે તેમણે લગ્ન કર્યા ન હોત તો આટલા સુખી કે ખુશ ન હોત. લગ્નના ત્રણ વર્ષ પછી આવા દંપતીનું પ્રમાણ ૨૮ ટકા હતું જે લગ્નના ૧૦ વર્ષ પછી ઘટીને ૨૫ ટકા થયું હતું. લગ્ન કર્યા હોય કે ન કર્યા હોત છતાં સાથે રહ્યા હોત અને સુખી હોત તેમ માનનારા દંપતીની ટકાવારી લગભગ ૫૦ ટકાની હતી. આશ્ચર્યની વાત એ પણ છે કે બાકીના દંપતી કોઈ પ્રતિભાવ આપી શક્યા ન હતા.