લેસ્ટરની ગારમેન્ટ ફેક્ટરીમાં હવે વેતનનો હિસ્સો પાછો લેવાનું કૌભાંડ

Wednesday 04th August 2021 05:20 EDT
 

લેસ્ટરઃ વર્કરને અપાતા મિનિમમ વેજનો હિસ્સો એમ્પ્લોયરને પરત ચૂકવવાની ફરજ પડાતી હોવાનું લેસ્ટરની ગારમેન્ટ ફેક્ટરીનું કૌભાંડ બહાર આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં બૂહૂ (Boohoo)એ કર્મચારીઓ સાથે વ્યવહારના પારદર્શિતાના ઉચ્ચ ધોરણ દર્શાવી ન શકે તેવી સંખ્યાબંધ ઉત્પાદક ફેક્ટરીઓ સાથે સંબંધ કાપી નાખ્યા હતા. જોકે, નવા રિપોર્ટ્સ અનુસાર ઘણી ગારમેન્ટ ફેક્ટરીઓ હજુ પણ આવો વ્યવહાર આચરે છે.

બદલો લેવાશે તેવા ભયથી ગારમેન્ટ ફેક્ટરીના વ્હીસલબ્લોઅર મહિલા વર્કરનું નામ જાહેર કરાયું નથી પરંતુ, તેને સત્તાવાર પ્રતિ કલાક ૮.૯૧ પાઉન્ડના લઘુતમ વેતનની ચૂકવણી કરાઈ હોવાની પેસ્લિપ્સ સ્કાય ન્યૂઝને દર્શાવી છે પરંતુ, આ સ્લિપમાં હાથે લખાયેલો નંબર છે અને વર્કરે દાવો કર્યો હતો કે તેને વેતનના નાણા ચૂકવાય પછી ફેક્ટરીને આ રકમ રોકડમાં પરત ચૂકવવાની રહે છે.

મહિલા વર્કરે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે, ‘તેઓ કહે છે કે તમારે આ નાણા પાછા આપવા પડશે. તેઓ કહે છે કે પ્રોડક્ટ પર ઓછી કિંમત મળતી હોવાથી તમને લઘુતમ વેતન આપવું પોસાતું નથી. જો તેમને ખબર પડશે કે હું નાણા પાછા આપી રહી નથી તો તેઓ મારી હકાલપટ્ટી કરે તેની ચિંતા રહે છે.’ વ્હીસલબ્લોઅરે કહ્યું હતું કે તે જ્યાં કામ કરે છે તે ફેક્ટરીનું બૂહૂ દ્વારા ઈન્સ્પેક્શન કરાયું ત્યારે તેમને પ્રતિ કલાક ૫.૫૦ પાઉન્ડ વેતન અપાતું હતું પરંતુ, સ્ટાફને લઘુતમ વેતન ચૂકવાય તેવા બૂહૂના આગ્રહ પછી નવી સિસ્ટમ અમલી બની છે.

ફેક્ટરીના સ્ટાફને કથિતપણે તેમના વેતનનો હિસ્સો રિફંડ કરવા જણાવાય છે તે બાબતે બૂહૂ માહિતગાર હોવાનું કહી શકાય તેમ નથી. બૂહૂના પ્રવક્તાએ વર્કરના દાવા મુદ્દે જણાવ્યું હતું કે તેમની સપ્લાય ચેઈનમાં નૈતિકતા-પારદર્શિતાના ચા ધોરણો જળવાય તે બાબતે તેઓ પ્રતિબદ્ધ છે. લેસ્ટર ઈસ્ટના સાંસદ ક્લોડિયા વેબે શહેરની ગારમેન્ટ ફેક્ટીઓના વર્કર્સના રક્ષણ માટે ઘણું કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter