લેસ્ટરસ્થિત ચંદુભાઇ મટાણીના ધર્મપત્ની કુમુદબહેનની ચિરવિદાય

Thursday 13th July 2017 06:19 EDT
 
 

‘સોના-રૂપા’ સાડીઓના સફળ વેપારી તથા યુ.કે.માં સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિને ધબકતી રાખનાર ચંદુભાઈ મટાણીના પત્ની કુમુદબહેનનું ૭૮ વર્ષની વયે મંગળવાર તા. ૪-૭-૨૦૧૭ની મોડીરાત્રે લેસ્ટરમાં દુઃખદ અવસાન થયાના સમાચાર સાંપડ્યા બાદ સગાં-સંબંધી, મિત્રો અને એમનો પરિચય ધરાવતા અનેક લોકોમાં ઘેરા દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.

મૂળ કચ્છ-માંડવીમાં જન્મેલા, પોરબંદરમાં શ્રી નાનજી કાળીદાસ ગુરુકૂળમાં એસએસસી સુધીનો અભ્યાસ કરેલ અને ત્યારબાદ લગ્ન કરીને ૧૯ વર્ષ ઝામ્બીયામાં રહ્યા પછી છેલ્લા ૪૦ વર્ષથી લેસ્ટરમાં વસવાટ કરતા હતા. ભારતથી આવતા કેટલાય કલાકારો, સાહિત્યકારો અને અનેક વ્યક્તિઓએ કુમુદબહેનની મહેમાનગતિ માણેલ છે. ૨૦૦૦ની સાલમાં તેઓ સ્ટ્રોકનો ભોગ બન્યા. પરંતુ બિમારીમાં ઢીલા પડ્યા સિવાય હિંમત અને સમજપૂર્વક જીવી ગયા. બીમારી દરમિયાન ભારે પડકારો હોવા છતાં તેમના અદભૂત ઉત્સાહ ઓસર્યો ન હતો અને સૌ માટે તેઓ પ્રેરણારૂપ બની રહ્યા હતા.

તેમની વિદાયથી પતિ ચંદુભાઈ, પુત્ર હેમંત, પુત્રવધૂ પ્રીતિ, પુત્રીઓ દીના, સાધના તેમજ પ્રેમાળ પરિવાર માટે એક શૂન્યાવકાશ છવાઈ ગયો છે. ભલે તેઓ સદેહ હાજર નથી પરંતુ અનેક અવિસ્મરણીય સંસ્મરણો છોડી ગયેલ છે. એમનું જીવનપુષ્પ પ્રભુ ચરણોમાં સમર્પિત થઈ ચૂક્યું છે પરંતુ એની સુગંધ હંમેશા મંગલ માધુર્ય પ્રસરાવતી રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter