લોકડાઉનમાં થોડી હળવાશથી જ બ્રિટિશરો રંગમાં આવી ગયા

Wednesday 07th April 2021 02:51 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં ૨૯ માર્ચથી લેકડાઉનમાં અપાયેલી થોડી છૂટછાટ અને મિનિ-હીટવેવને માણવા માટે હજારો બ્રિટિશરો કોરોના વાઈરસની જરા પણ બીક રાખ્યા વિના સતત ત્રણ રાત્રિ લંડન અને માન્ચેસ્ટર સહિતના શહેરોમાં શરાબપાન અને રેવ પાર્ટીઓમાં નાચ્યા અને ઝૂમ્યા હતા. પોલીસે તેઓને ખસેડવા પ્રયાસ કરવો પડ્યો હતો. પાર્ટી માણનારાઓ જે કચરાનો ઢગ છોડી ગયા હતા તેને દૂર કરવામાં પણ પરસેવો પાડવો પડ્યો હતો.

ઈંગ્લેન્ડમાં એકબીજાને મળવામાં નિયમોમાં થોડી રાહત અપાતા જ લોકડાઉનથી કંટાળેલા લોકોએ રુલ ઓફ સિક્સને ટોળાંશાહીનો નિયમ બનાવી દીધો હતો. માન્ચેસ્ટરના કેસલફિલ્ડ બાઉલ અને લંડનના હાઈડ પાર્ક સહિતના સ્થળો અને સિટી સેન્ટર્સમાં લોકોના ટોળાં શરાબ પીવા અને માર્ગો પર નાચવા ઉતરી આવ્યા હતા. બે પરિવારના સભ્યો મેળમિલાપ કરી શકે અને તેની સંખ્યા પર કોઈ મર્યાદા નહિ હોવાથી પોલીસને રુલ ઓફ સિક્સનું પાલન કરાવવું અઘરું પડી ગયું હતું. ઘણાં સ્થળોએ અંદરોઅંદર મારામારીએ પણ પરિસ્થિતિને વણસાવી હતી. લીડ્ઝના હાઈડ પાર્ક, નોટિંગહામમાં સૂર્યની હુંફાળી ગરમીને માણવા હજારો લોકો નાચવા માટે ડીજે સેટ્સ સાથે એકત્ર થયા હતા. ઈસ્ટર પછી દેશનું હવામાન વધુ ઠંડુ થઈ જવાની આગાહી કરવામાં આવી છે.

લોકોની આવી મેદનીના દૃશ્યો નિહાળી નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે લાખો લોકોએ કોરોના વેક્સિન મેળવી હોવાં છતાં, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ જળવાય તો સંક્રમણમાં ભારે ઊછાળો આવી શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter