વિલ- ઈન્હેરિટન્સને પડકાર આપવો

સંદીપ ઓબેરોય, સોલિસિટર Wednesday 13th May 2020 07:25 EDT
 
 

તાજેતરના વર્ષોમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વિલ્સ-વસિયતોને પડકારવાની ઘટનાઓ ઘણી વધી છે. આનું મુખ્ય કારણ પારિવારિક માળખાઓમાં વિવિધતા અને પ્રોપર્ટીની વધતી જતી કિંમતો છે એટલે કે, સફળ ઈન્હેરિટન્સ દાવાઓ વધુ કિંમતી બની રહ્યા છે.
ઈન્હેરિટન્સ (પ્રોવિઝન્સ ફોર ફેમિલી ડિપેન્ડન્ટ્સ) એક્ટ ૧૯૭૫ (‘ધ ૧૯૭૫ એક્ટ’) હેઠળ જો વિલમાં સગાંસંબંધીઓ અને આશ્રિતો માટે ‘વાજબી નાણાકીય જોગવાઈ’ કરવામાં આવી ન હોય તો તેઓ વિલની જોગવાઈઓને પડકારી શકે છે. જો વિલ માન્ય હોય અથવા તો કોઈ વિલ જ બનાવાયું ન હોય તો પણ ૧૯૭૫ એક્ટ હેઠળ ક્લેઈમ માંડી શકાય છે.
૧૯૭૫ એક્ટ હેઠળ કોણ ક્લેઈમ માંડી શકે?
૧૯૭૫ એક્ટ હેઠળ ક્લેઈમ કરવા માટે તમારા સમાવેશ નીચેમાંથી કોઈ એક કેટેગરીમાં થવો જોઈએઃ
• મૃતકના જીવનસાથી અથવા સિવિલ પાર્ટનર
• મૃતકના પૂર્વ જીવનસાથી અથવા પૂર્વ સિવિલ પાર્ટનર, જેમણે ફરી લગ્ન કર્યા ન હોય
• મૃતકના સહવાસી- આનો અર્થ છે કે તેઓ પતિ અને પત્ની હોય અથવા સિવિલ પાર્ટનર્સ હોય તે રીતે મૃત્યુની તારીખથી ઓછામાં ઓછાં બે વર્ષ પહેલા સુધી સાથે રહેતાં હોવાં જોઈએ
• મૃતકનું બાળક
• એવી વ્યક્તિ જેની સાથે પરિવારના બાળક તરીકે વ્યવહાર કરાયો હોય- જેમાં, પુખ્ત બાળકોનો પણ સમાવેશ થઈ શકે.
• મૃતક દ્વારા નાણાકીય નિર્વાહ કરાતો હોય તેવી કોઈ પણ વ્યક્તિ
૧૯૭૫ એક્ટ હેઠળ ક્લેઈમને વિચારતા કોર્ટ કઈ બાબતો ધ્યાનમાં લેશે?
૧૯૭૫ એક્ટ હેઠળ કરાયેલી અરજી વિચારણા માટે આવે ત્યારે તેના બે તબક્કા હોય છે. સૌ પહેલી બાબત એ હોય છે કે ‘વાજબી નાણાકીય જોગવાઈ’ કોને કહેવાય તેના પર ધ્યાન આપવું. આનો ઉત્તર અરજદાર કઈ કેટેગરીમાં આવે છે તેના પર આધાર રાખે છે. જો અરજદાર મૃતકના જીવનસાથી અથવા સિવિલ પાર્ટનર હોય ત્યારે, જોગવાઈ અરજદારના નિભાવ માટે કેટલી રકમની જરુરિયાત છે તેના બદલે અરજદારને શું મળશે તો તે વાજબી કહેવાય તેના પર આધાર રાખે છે. અન્ય અરજદારોના સંદર્ભમાં જોગવાઈનો આધાર અરજદારના નિભાવ માટેના સંજોગોમાં શું વાજબી ગણાય તેના પર રહે છે.
જો કોર્ટ એવો નિર્ણય કરે કે વિલમાં વાજબી નાણાકીય જોગવાઈ કરવામાં આવી નથી, તો કોઈ પણ એવોર્ડ પરનો નિર્ણય નીચેના પરિબળોનો વિચાર કરી કરવામાં આવશેઃ
• અરજદારના નાણાકીય સ્રોતો અને જરૂરિયાતો
• અન્ય કોઈ અરજદારોના નાણાકીય સ્રોતો અને જરૂરિયાતો
• એસ્ટેટના અન્ય લાભાર્થીઓના નાણાકીય સ્રોતો અને જરૂરિયાતો
• અન્ય અરજદારો અથવા લાભાર્થીઓ પ્રત્યે મૃતકની ફરજો અને જવાબદારીઓ
• એસ્ટેટનો પ્રકાર અને વિસ્તાર
• અન્ય અરજદારો અથવા લાભાર્થીઓની શારીરિક અથવા માનસિક અક્ષમતા
• અરજદારના વર્તન સહિત કોર્ટને સુસંગત લાગે તેવી અન્ય કોઈ પણ બાબતો
ઉપસંહારઃ
તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રોબેટ મંજૂર કરાયાની પહોંચના છ મહિનામાં (અન્યથા કોર્ટની પરવાનગી મેળવવી પડશે) ક્લેઈમ જારી કરવો જ જોઈએ. એ જાણવું પણ મહત્ત્વનું છે કે તમારા ક્લેઈમની ગુણવત્તા–મેરિટ તમારા વ્યક્તિગત સંજોગો પર આધાર રાખશે; આમ છતાં, કેસ લો દર્શાવે છે કે લગ્ન અથવા સિવિલ પાર્ટનરશિપનો સમયગાળો પણ સુસંગત પરિબળ બની રહે છે.
જો કોઈને વિલને પડકારવા માટે અથવા આવા ક્લેઈમ સામે બચાવ કરવા એસ્ટેટના એક્ઝિક્યુટરને પ્રોફેશનલ સલાહની જરુર હોય તો, મહેરબાની કરી SNV Law ખાતે સંદીપ ઓબેરોયનો સંપર્ક કરવામાં જરા પણ ખચકાશો નહિ.

વધુ માહિતી માટે સંપર્કઃ

SNV Law, 184 Shepherds Bush Road, London, W6 7NL, Tel: 0203 026 1802
Email: [email protected] Website: www.snvlaw.co.uk


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter