વેદ-શાસ્ત્રોની જેમ “ગુજરાત સમાચાર"નું સતત વાંચન કરતાં પૂ. શાન્તાબા

કોકિલા પટેલ Wednesday 14th July 2021 10:28 EDT
 
 

સરકારી લોકડાઉન ખૂલ્યા પછી વેમ્બલીસ્થિત અમારા ફ્રેન્ડ હંસાબેન પટેલનો અતિઆગ્રહ હતો કે મારાં માતુશ્રી પૂજ્ય શાન્તાબા તમને બહુ યાદ કરે છે કયારે આવો છો? ગયા રવિવારે અમે શાન્તાબાને મળવા હંસાબેનને ઘરે ગયાં. આ હંસાબહેન એટલે જાણીતા સમાજ સેવક અને પૂર્વ કાઉન્સિલર હર્ષદભાઇ પટેલનાં ધર્મપત્ની. હંસાબેન અને હર્ષદભાઇના ઘરે ૯૮ વર્ષના શાન્તાબાના ચહેરા પર નરી નિર્દોષતા જોઇ તમને એમ લાગે કે તમે કોઇ નાની બાળકી સાથે વાતો કરો છો. શાન્તાબાને આંખે હજુ મોતિયા નથી આવ્યા, એ હજુ ચશ્મા વગર વાંચી શકે છે. તેમને ડાયાબિટીશ કે બ્લડપ્રેશર કે અન્ય કોઇ શારિરીક બિમારી નથી. ચાંગાનાં મૂળવતની શાન્તાબા ૭૦'ના દાયકામાં યુગાન્ડાના કંપાલાથી યુ.કે. આવી
વસ્યાં છે.
ઘણા લોકો શારિરીક બિમારીને કારણે અકાળે ડિસેબલ થઇ જતાં હોય છે, કેટલીક આર્થરાઇટીશગ્રસ્ત બહેનોને અમે ૬૦ વર્ષે લાકડીને ટેકે ચાલતી દીઠી છે જયારે શાન્તાબાને હજુ લાકડીનો સહારો લેવો પડ્યો નથી. શાન્તાબા દૂધ, ઘી, ખાંડ, મીઠું બધું છૂટથી ખાવા છતાં એકદમ તંદુરસ્ત છે. તેઓ પોતાનું કામ જાતે જ કરી લે એટલા આત્મનિર્ભર છે. સવારે ઊઠી એ જાતે જ આદુ, તુલસી અને ફૂદીનાવાળી ચ્હા બનાવે છે, એમાં બે-ત્રણ ચમચી ખાંડ જરૂર લે. એમણે રોટલી-ભાખરી પર, ખીચડી-ભાતમાં બરોબર ઘી જોઇએ. સવારે ચ્હા અને ગરમ નાસ્તો એ પણ જાતે જ બનાવી ખાઇ પરવારી વાસણ ધોઇ લેવાના. જીવનસંધ્યાએ પહોંચેલા શાન્તાબાને દીકરી વાસણ ધોવાની કે રસોઇ કરવાની ના કહે તો બાને તરત ખોટું લાગી જાય છે. એ પછી ગુજરાત સમાચારને વાંચે. હર્ષદભાઇ અને હંસાબહેનના કહેવા મુજબ, “બાને આ ગુજરાત સમાચાર એટલું પ્રિય છે કે નવરાં પડે એટલે પેપર ખોલી વાંચવા બેસી જાય. એમાં એમણે ગમ્યું હોય એ પાછાં અમને કહે પણ ખરાં પણ એ પેપર વાંચી એવું કયાંક સંતાડી આવે કે અમારા હાથમાં ભાગ્યે જ આવે. બપોરે જમીને અને સાંજેય ડીનર પછી વાસણ રસોડું સાફ કર્યા પછી સોફામાં બા પેપર લઇને વાંચ્યા જ કરતાં હોય..! શાન્તાબા જેવા અસંખ્ય વાંચકો થકી અમારા જ્ઞાનયજ્ઞની જયોત સતત પ્રજ્વલિત રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter