શિક્ષકોને હવે £૩૦,૦૦૦નું લઘુતમ વાર્ષિક વેતન મળશે

Wednesday 04th September 2019 02:45 EDT
 
 

લંડનઃ શિક્ષણક્ષેત્રને વધુ મહત્ત્વ આપવા તમામ શિક્ષકો માટે લઘુતમ ૩૦,૦૦૦ પાઉન્ડનું વેતન નિર્ધારિત કરવાની જાહેરાત એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસન દ્વારા કરવામાં આવી છે. આ વેતનવધારો જોબ માર્કેટમાં શિક્ષણના વ્યવસાયને સ્પર્ધાત્મક બનાવશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તેજસ્વી સ્નાતકો વધુ વેતનની કન્સલ્ટન્સી અથવા સિવિલ સર્વિસીસ નોકરીમાં જવાના બદલે શિક્ષણક્ષેત્રમાં પ્રવેશ લેશે. નવા શિક્ષકોને ૬૦૦૦ પાઉન્ડનો વધારો અપાયો છે, જે બે દાયકામાં સૌથી વધુ છે.

મોટા ભાગની શાળાઓમાં સારા શિક્ષકોની તંગી નડે છે. સાયન્સ અને મેથ્સના શિક્ષકો મળવા વધુ મુશ્કેલ રહે છે કારણકે આ ક્ષેત્રના ગ્રેજ્યુએટ્સ ફાયનાન્સ અને ટેકનોલોજી જેવા સેક્ટરમાં ઊંચા પગારની નોકરી મેળવી શકે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શિક્ષકો માટે લઘુતમ વેતન ૨૩,૭૨૦ પાઉન્ડ છે જ્યારે ઈનર લંડનમાં ૨૯,૬૬૪ પાઉન્ડ છે. નવી ૩૦,૦૦૦ પાઉન્ડની મર્યાદામાં લંડન માટે વેઈટેજ ઉમેરવાનું થશે. આથી, લંડનમાંશિક્ષકો તેમના ઊંચા જીવનખર્ચને પહોંચી વળવા વધુ કમાણીની અપેક્ષા રાખી શકે.

એજ્યુકેશન સેક્રેટરી દ્વારા જાહેર યોજના મુજબ શિક્ષકો માટે લઘુતમ ૩૦,૦૦૦ પાઉન્ડનું વેતન બધા નવોદિત શિક્ષકો તેમજ હાલ ઓછું વેતન મેળવતા શિક્ષકોને લાગુ પડશે. એમ્પ્લોયમેન્ટ વેબસાઈટ ગ્રેજ્યુએટ જોબ્સના તાજેતરના સર્વે અનુસાર તમામ ગ્રેજ્યુએટ્સ માટે સરેરાશ પ્રારંભિક વેતન ૨૧,૦૦૦થી ૨૫,૦૦૦ પાઉન્ડની વચ્ચે હતું.

ઘણા યુવાન સ્નાતકો શિક્ષણક્ષેત્રમાં જવા ઈચ્છતા હોય છે પરંતુ, શરૂઆતમાં વાર્ષિક આશરે ૨૪,૦૦૦ પાઉન્ડ મળતા હોવાથી તેઓ નિરાશ થઈ અન્ય નોકરીઓમાં લાગે છે. નવા સૂચિત વેતનથી શિક્ષણકાર્યની નોકરીઓ વેતનના સંદર્ભે યુનિવર્સિટી પછીની ઊંચી નોકરીઓની સમકક્ષ આવી જશે અને નવા શિક્ષકો હાઉસિંગ લેડર પર ઝડપથી ગોઠવાઈ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter