અબુધાબીમાં મંદિર તો શીખરબદ્ધ જ બનશેઃ શેખ અલ નાહ્યાન

જીવંત પંથ-2 (અબુધાબી મંદિર વિશેષ)

-સી.બી. પટેલ Wednesday 27th March 2024 03:48 EDT
 
 

10 ફેબ્રુઆરી 2024નો આ પ્રસંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના પ્રવાસે હતા અને યુએઇના પ્રેસિડેન્ટ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના સત્તાવાર નિવાસસ્થાન કસર-અલ-વતન (પ્રેસિડેન્ટ હાઉસ) ખાતે બન્ને નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચર્ચાનો એક વિષય હતો મંદિર પ્રોજેક્ટ. આથી બેઠકમાં બીએપીએસના વરિષ્ઠ સંતો પણ હાજર હતા. હિઝ હાઇનેસ અલ નાહ્યાને પૂછ્યછયું કે મંદિરનું કામ ક્યાં પહોંચ્યું છે? અને બાજની ઝડપે તક ઝડપે તેનું નામ સ્વામી બ્રહ્મવિહારીદાસજી. તેમણે તરત જ શેખ અલ નાહ્યાન સમક્ષ બે નકશા રજૂ કરતાં જણાવ્યું કે અબુધાબી એક ઇસ્લામિક દેશ છે, અને અહીંની ધાર્મિક પરંપરા અનુસાર જો શીખરબદ્ધ મંદિરનું નિર્માણ સ્વીકાર્ય ન હોય તો શીખર વગરના મંદિરનું નિર્માણ કરવામાં પણ અમને વાંધો નથી. આ સાથે જ તેમણે શીખર વગરની ઇમારત અને શીખરબદ્ધ મંદિરના સ્કેચ રજૂ કર્યા. આ જોઇને તરત જ શેખ અલ નાહ્યાને કહ્યું કે જો મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે તો તે પરંપરાગત ઢબે જ થવું જોઇએ. શીખરબદ્ધ મંદિર જ બનાવો. સાથે સાથે જ તેમણે કહ્યું કે મંદિર સંકુલ માટે માત્ર જમીનનો કબ્જો જ નહીં, તેના તમામ માલિકીહક પણ બીએપીએસને સુપ્રત કરાશે.

•••

સનાતન અધ્યાત્મને સમર્પિત સત્સંગીઓ...

બિક્રમ વહોરાએ તેમના આ માહિતીસભર પુસ્તકમાં લગભગ તમામ મહત્ત્વની બાબતોને સમાવી લીધી છે એમ કહી શકાય. જેમ કે, આ પુસ્તકમાં અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરને સમર્પિત એવા લોકોની યાદી પણ સામેલ છે જેમનું આ ભવ્યાતિભવ્ય નિર્માણમાં મહામૂલું યોગદાન છે. યાદીમાં સૌથી પહેલાં ઉડીને આંખે વળગે તેવા બે નામ છે. આમાંથી એક છે આપણા બ્રિટનવાસી ભારતીય સમુદાયનું ગૌરવ અનેકવિધ અનુદાન કરનાર એવા નીતિનભાઇ પલાણનું. તો બીજું નામ છે મોહમ્મદ અલી ખાજા.
મોહમ્મદ અલી ખાજા અત્યારે તો યુનાઇટેડ આરબ અમિરાતના એમ્બેસેડર તરીકે ઇઝરાયલમાં મહત્ત્વનો કાર્યભાર સંભાળી રહ્યા છે. પરંતુ જ્યારે અબુધાબી મંદિરની રૂપરેખા નક્કી થઇ તે વેળા તેઓ અમિરાત સરકારમાં મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ એન્ડ ઇન્ટરનેશનલ કો-ઓપરેશનમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે જવાબદારી સંભાળતા હતા. પ.પૂ. બ્રહ્મવિહારી સ્વામી સાથે તેમનો એટલો ગાઢ નાતો બંધાઇ ગયો હતો કે જાણે વર્ષોજૂના સત્સંગી હોય. આ મંદિર માટે જગ્યાની ફાળવણી સહિત અનેક તબક્કે મોહમ્મદ અલી ખાજાએ મહત્ત્વપૂર્ણ સેવા આપી છે.
આ ઉપરાંત યાદીમાં સામેલ અન્ય નામો પર નજર ફેરવીએ તો...
• રોહીતભાઈ પટેલ • અશોકભાઇ પુરી • હરિકૃષ્ણભાઇ પટેલ • સોનાલીબહેન ચિરાયુ પટેલ • ચંદાબહેન પાગરાણી • યોગીભાઇ ભટ્ટ • અશોકભાઇ કોટેચા • અવિભાઇ • હરીભાઇ પટેલ • સુરેશભાઇ • બંકિમભાઇ • નવદીપભાઇ • સંજયભાઇ પરીખ • મધુસુદનભાઇ પટેલ • મનીષભાઇ પટેલ • સંદીપભાઇ વ્યાસ • અદિલ અલી • રમેશ રામકૃષ્ણન્ અને • ઉમેશચંદ્ર રાજા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter