કોરોનાનો ભોગ બનેલાઓ માટે અવિરત સેવાની સરવાણી...

- જ્યોત્સના શાહ Wednesday 20th May 2020 07:40 EDT
 
સેવા-ડે સાઉથ લંડનના સ્વયંસેવકો
 

કોરોના મહામારીના પંજામાંથી બચવા વિશ્વભરમાં આહ્લેક જાગી છે. માનવતાના પૂર સાથે અધતન ટેકનોલોજીના ઉપયોગે મહ્દ અંશે કામને ગતિશીલ રાખવામાં, સરળ બનાવવામાં અને સમાજને પ્રવૃત્ત રાખવામાં અમૂલ્ય પ્રદાન આપ્યું છે. વિજ્ઞાનની શોધનો વિવેકપૂર્વક યોગ્ય માર્ગે ઉપયોગ થાય તો જીવન ચેતનવંતુ રહે છે.

સેવા-ડે સાઉથ લંડન શાખાએ સ્થાનિક સેવાભાવીઓના સહયોગથી કોવીદ-૧૯માં આદરેલ સેવા કાર્ય

"સેવા-ડે" એ રજીસ્ટર્ડ ચેરિટી છે. એ દેશવ્યાપી સેવા પ્રવૃત્તિઓ માટે જાણીતી સંસ્થા છે. એના સાઉથ લંડન રીજીયને કોવીદ-૧૯નો ભોગ બનેલાઓને મદદરૂપ બનવા જુદી-જુદી કોમ્યુનિટીઓના સેવાભાવીઓના સહકારથી એક ટીમ બનાવી છે. એમના કાર્યથી પ્રભાવિત હિન્દુ સિવાયના અન્ય ભાઇ-બહેનો પણ એમની ટીમમાં સામેલ થયા છે.
આ ટીમ ક્રોયડન બરોના જરૂરતમંદો, એકલા-અટૂલા નિ:સહાય વ્યક્તિઓથી માંડી થોર્નટનહીથની ક્રોયડન યુનિવર્સિટી હોસ્પીટલના NHS હીરો સુધી મદદ પહોંચાડી રહ્યા છે. કોવીદ-૧૯ના કારણે ફસાઇ ગયેલ સંખ્યાબંધ અસહાય વિધ્યાર્થીઓને દૈનિક ધોરણે મદદ કરી રહેલ છે. દાતાઓની સહાયથી ભંડોળ એકત્ર કરીને ફુડ બેન્કોમાં લાંબો સમય ટકી શકે એવી ખાધ ચીજ-સામગ્રીનો ૬૦૦ કીલો જથ્થો પહોંચાડેલ છે.
આ ઉપરાંત નિરાશ્રિત અને ઘર-વિહોણી મહિલાઓમાં પચાસેક હેમ્પર્સનું વિતરણ કર્યું છે. થોર્નટનહીથની ક્રોયડન યુનિવર્સિટી હોસ્પીટલમાં જરૂરત મુજબ ભોજન સેવા આપે છે. હાલ ૩૦૦ ભોજન પહોંચાડેલ છે. ઉદારમના દાતાઓના સૌજન્યથી કામ સુપેરે પાર પડી રહ્યું છે. ૫૦ કરતા વધુ દિવસથી ૧૦૦થી વધુ સ્વયંસેવકોએ ભેગાં મળી જરૂરતમંદો માટે સેવા-ડે પ્રોજેક્ટમાં સક્રિય બન્યા હોવાનું એના કો-ઓર્ડીનેટર શિલ્પાબેન છેડાએ "ગુજરાત સમાચાર"ને જણાવ્યું હતું. ધન્ય છે આ સેવાભાવીઓને.
દરેક સેવાભાવી સંસ્થા, સેવાભાવી વ્યક્તિઓ સન્માન અને અભિનંદનને પાત્ર છે. જે કોઇ સંસ્થા આવા સમાજિક કાર્યમાં પ્રવૃત્ત હોય તેઓએ ગુજરાત સમાચાર, એશિયન વોઇસને પોતાની કામગીરી વિષે માહિતી email: [email protected] પર મોકલી આપવા વિનંતિ. (વધુ આવતા સપ્તાહે...)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter