ચિન્મય મિશન સંચાલિત પરમધામમાં અષાઢી બીજે જગન્નાથજી પૂજા સાથે વૃક્ષપૂજન

Friday 09th July 2021 00:46 EDT
 
 

અમદાવાદ સ્થિત ચિન્મય મિશન સંસ્થા દ્વારા પરમધામ ખાતે ૧૨મી જુલાઈ, સોમવારે અષાઢી બીજનો ઉત્સવ શ્રી જગન્નાથજીની પૂજા, રથયાત્રા અને વૃક્ષપૂજન સાથે ઊજવવામાં આવશે. પરમધામ મંદિરે સાંજે ૪.૧૫થી ૫.૦૦ વાગ્યા સુધી ભગવાનનું ષોડશોપચાર પૂજન કરવામાં આવશે. જગન્નાથજીનાં ૧૦૮ નામના જપ સાથે પૂજા થશે તે સાથે જ વૃક્ષોના છોડનું પણ પૂજન થશે. કૃષ્ણલીલામાં ભગવાને ગોવર્ધનપૂજા દ્વારા પ્રકૃતિની પૂજા કરવાનો સંદેશ આપ્યો છે તેને અનુલક્ષીને આ દિવસે ખાસ વૃક્ષપૂજા કરવામાં આવશે. પૂજા કરાયેલાં એ વૃક્ષોને સંસ્થાના બાલવિહાર વર્ગોના સેવકો પરિસરમાં આવેલા ચિન્મય ફિઝિયોથેરાપી સેન્ટર પાસે રોપશે. કોરોના મહામારીને કારણે છેલ્લાં દોઢ વર્ષથી ઓનલાઇન ચાલતા બાલવિહાર વર્ગોનાં બાળકો પરિસ્થિતિ સામાન્ય થાય પછી એ વૃક્ષોનું જતન કરવાની જવાબદારી લેશે. સાંજે ૫.૦૦થી ૬.૦૦ વાગ્યા દરમિયાન ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના કાષ્ઠના વિગ્રહોને મંદિરના પરિસરમાં જ પ્રતીકરૂપ રથયાત્રા કરાવાશે. આ સમગ્ર કાર્યક્રમનું ચિન્મય મિશન અમદાવાદની યુ-ટ્યૂબ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. દર વર્ષે અષાઢી બીજે જગન્નાથજી સુશોભિત પાલખીમાં મંદિર પરિસરમાં યાત્રાએ નીકળે ત્યારે ભાવિકો જુદાં જુદાં સ્થળોએ ભગવાનનું આરતી અને નૈવેદ્ય ધરાવીને સ્વાગત કરે છે પણ ગયા વર્ષથી કોરોના મહામારીના કારણે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને લોકોને સોશિયલ મીડિયા દ્વારા ઉત્સવમાં જોડાવાની અપીલ કરવામાં આવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter