ભક્તિવેદાંત મેનોરમાં જન્માષ્ટમી ઉત્સવની 50મી ઉજવણીનું ઐતિહાસિક સીમાચિહ્ન

Tuesday 12th September 2023 14:31 EDT
 
 

બીટલ જ્યોર્જ હેરિસન દ્વારા 1973માં હરેકૃષ્ણ મૂવમેન્ટને દાનમાં અપાયેલા આધ્યાત્મિક પૂણ્યસ્થળ ઈસ્કોન ભક્તિવેદાંત મેનોર દ્વારા આ સપ્તાહે મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવની 50મી વાર્ષિક ઉજવણી સાથે ઐતિહાસિક સીમાચિહ્ન સર્જાયું છે. આ ઉજવણીમાં જીવંત સંગીત, પરફોર્મન્સીસ, વેશભૂષા, જ્વેલરી, ભોજન અને ક્રાફ્ટના સ્ટોલ્સ, બાળકોનું રમતક્ષેત્ર, ભગવાન શ્રી કૃષ્ણના મબાલ્યજીવનને દર્શાવતા ચિત્રોને પ્રદર્શિત કરતું હાથબનાવટનું સુંદર વન, પુષ્પોની સજાવટ સાથેનું સુંદર મંદિર અને રાધા અને કૃષ્ણની પવિત્ર મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. ઉત્સવની અભૂતપૂર્વ લોકપ્રિયતાના કારણે ટિકિટ રાખવી પડી હતી. ત્રણ દિવસના આ ઉત્સવમાં હજારો ભક્તો અને મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

ભક્તિવેદાંત મેનોરમાં મંદિર પ્રેસિડેન્ટ વિશાખા દેવી દાસીએ જણાવ્યું હતું કે,‘50મી જન્માષ્ટમી ઉજવણી ભક્તિવેદાંત મેનોર માટે અતુલનીય માઈલસ્ટોન છે. દૂરદૂરથી અહીં જન્માષ્ટમી ઉજવવા આવતા આટલા બધી ભક્તો અને મુલાકાતીઓને આવકારતા અમને ઘણો આનંદ થયો છે. ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદે પોતાના પ્રયાસો અને બલિદાન થકી આ સઘળું શક્ય બનાવ્યું છે.’

હરેકૃષ્ણ મૂવમેન્ટની સતત વધેલી લોકપ્રિયતાના કારણે બરી પ્લેસ, લંડન ખાતે 1969માં ખરીદાયેલું સ્થળ મંદિર ઘણું નાનું પડતું જણાતા જ્યોર્જ હેરિસને વોટફોર્ડ નજીક એલ્ડેનહેમ ખાતે 80 એકરની એસ્ટેટ ખરીદી હતી. જ્યોર્જે બ્રિટિશ ભક્ત ધનંજય દાસને લંડનથી ઘણી દૂર ન હોય તેવી પ્રોપર્ટી શોધવા જણાવ્યું હતું. ઘણી પ્રોપર્ટીઝની તપાસ પછી જ્યોર્જ અને ધનંજયે ત્યારે પિગોટ્સ મેનોર તરીકે ઓળખાતી પ્રોપર્ટી પસંદ કરી હતી. દુબઈના શેખ સહિત ઘણાને આ પ્રોપર્ટી ખરીદવામાં રસ હતો. જોકે, શેખના પત્નીને આ પ્રોપર્ટી તેમના પરિવાર માટે નાની જણાતા હરેકૃષ્ણ મૂવમેન્ટને આ પ્રોપર્ટી મળી શકી હતી.

ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ દ્વારા 21 ઓગસ્ટ 1973ના જન્માષ્ટમીના દિવસે મંદિરની સ્થાપના કરાઈ હતી. આજે ભક્તિવેદાંત મેનોર 78 એકર જમીનમાં પથરાયેલું સતત વિકસતું મંદિર, સાંસ્કૃતિક કેન્દ્ર, આગવી શૈક્ષણિક કોલેજ સાથેનો મઠ, ગાયોના ધણ સાથેનું સુરક્ષિત ઓર્ગેનિક ફાર્મ છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ, યાત્રિકો, મુલાકાતીઓ, પર્યટકો અને બીટલ્સ પ્રેમીઓને ભક્તિવેદાંત મેનોર આવકારે છે.

ભક્તિવેદાંત મેનોરનો ઈતિહાસ

13મી સદીની આ એસ્ટેટ તેના માલિક થોમસ પિકોટના નામે પિકોટ્સ મેનોર તરીકે ઓળખાતી હતી. આ મિલકતમાં રખાયેલી ગાયોનું દૂધ કિંગ હેન્રી આઠમાના દરબારોને પહોંચાડાતું હોવાનું કહેવાય છે. પિકોટ્સ મેનોરનું 1912માં 17,000 પાઉન્ડમાં પુનઃ વેચાણ થયું હતું અને 1923માં તેનું પિગોટ્સ મેનોર તરીકે નામકરણ થયું હતું. આજે જોઈ શકાતા ટુડોર બિલ્ડિંગનું નિર્માણ 1882માં કરાયું હતું. બીજા વિશ્વ યુદ્ધમાં RAF ના અધિકારીઓની મેસ અને હોસ્પિટલ તરીકે ઉપયોગ શરૂ કરાયો ત્યાં સુધી સુધી તે રહેણાંક સ્થાન હતું. પિગોટ્સ મેનોરને સેન્ટ બાર્થોલોમ્યુ‘ઝ નર્સિંગ કોલેજ દ્વારા ખરીદી લેવાયું હતું અને સેંકડો યુવાન મહિલાઓએ પરંપરાગત નર્સિંગનમાં નિવાસી તાલીમ મેળવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter