ભાવનગરમાં પ.પૂ. મહંતસ્વામીએ આદર્શ પૂજા વિશે હરિભક્તોને માર્ગદર્શન આપ્યું

Wednesday 03rd October 2018 07:15 EDT
 
 

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ ભાવનગર ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા.૨૯ સપ્ટેમ્બરે સાંજે સારંગપુરથી ભાવનગર આવી પહોંચતા હરિભક્તો અને સંતોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાળકોએ નૃત્ય કર્યું હતું અને મંદિર પરિસરમાં પુષ્પોની રંગોળી કરવામાં આવી હતી. અગાઉ પૂ. મહંત સ્વામીએ સાંજે પ્રમુખ દર્શન વાટિકામાં હરિભક્તોને દર્શનનો તેમજ આરતી અને અષ્ટકનો લાભ આપ્યો હતો. તા.૨૮મીએ સારંગપુરમાં ચોથા આધ્યાત્મિક વારસ શાસ્ત્રીજી મહારાજનુ સ્મૃતિ પર્વ ઉજવાયું હતું. સભામાં વડીલો અને સંતોએ

શાસ્ત્રીજી મહારાજના જીવન અને કવન વિશે પ્રેરક પ્રવચનો આપ્યા હતા. યુવાનોએ તે સમયના હરિભક્તોના પાત્ર ભજવીને શાસ્ત્રીજી મહારાજ કેવા પુરુષ હતા અને તેમનું વ્યક્તિત્વ કેવું હતું તે સંવાદના માધ્યમથી દર્શાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાળિયાદ ગાદીના મહંત વિમળાબાનું મહિલાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. પૂ. મહંત સ્વામીએ શાસ્ત્રીજી મહારાજ વિશે જણાવ્યું હતું કે તેમનામાં અનન્ય નિષ્ઠા હતી અને તેના બળે તેમણે મોટા મોટા કાર્યો કર્યા હતા. તા.૨૯મીએ પૂ. મહંત સ્વામીએ દેશના સૌથી મોટા વિદ્વાન અને સંસ્કૃતના સ્કોલર સત્યવ્રત શાસ્ત્રીજીને ‘અક્ષર આરાધક એવોર્ડ’ આપીને તેમનું સન્માન કર્યું હતું. તા.૩૦મીએ ભાવનગરમાં પૂ. મહંત સ્વામીની નિશ્રામાં બાળદિન ઉજવાયો હતો તેમાં બાળકોએ સંવાદ અને નૃત્ય રજૂ કર્યા હતા. તા.૧ને સોમવારે નિત્યપૂજા દિન ઉજવાયો હતો. તેમાં પૂ. મહંત સ્વામીએ સ્વામીનારાયણ શૈલીમાં આદર્શ પૂજા કેવી રીતે કરવી અને હાલની પૂજા પદ્ધતિમાં ક્યાં સુધારા કરી શકાય તેનું હરિભક્તોને માર્ગદર્શન આપ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter