માનવતા, શાંતિ, સંવાદિતા, પ્રેમ અને જ્ઞાનની જ્યોત ઝળહળાવતા સૂફી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબનો પ્રેરણાદાયક બ્રિટન પ્રવાસ

ઈમ્તિયાઝ પટેલ વરેડિયાવાળા, VVUK-Bolton Tuesday 15th November 2022 09:36 EST
 
 

યુવાન, ચિંતક, વિદ્વાન, સામાજિક સુધારક, સર્વધર્મ આદરવાદી અને સૂફીવાદની પ્રેમજ્યોતિ ભારતથી માંડીને દેશ-વિદેશમાં પ્રગટાવનાર ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબ – પાલેજ ગાદીનશીનનો બ્રિટન પ્રવાસ ખૂબ જ સફળ અને પ્રેરણાદાયક રહ્યો.

ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબ 1220 વર્ષો કરતાં જૂની સૂફી પરંપરા અને ખાનદાન સાથે સંકળાયેલા છે અને તેથી જ તો તેઓના જીવનમાં આટલી યુવાનવયે જ સાદગી, સમર્થતા, ત્યાગ, સદભાવના, સેવા અને માનવતાના ઉદ્ધારની ઝલક આપણને જોવા મળે છે.
બ્રિટન પ્રવાસ દરમિયાન ડો. ચિશ્તી સાહેબ તેમના લાખો અનુયાયીઓને મળ્યાં, પરંતુ સાથે સાથે બ્રિટનની મુખ્ય ધારા સાથે જોડાયેલા આગેવાનો, વિચારકો, સામાજિક, શૈક્ષણિક અને મલ્ટીફેઈથ સંસ્થાઓની મુલાકાત લઈને વૈશ્વિક ભાઈચારો, કોમી એકતા, અહિંસા, સમાનતા, સામાજિક તથા શૈક્ષણિક સશક્તિકરણના મૂલ્યોની વાત કરી, સંવાદ કર્યો, પ્રચાર કર્યો જેનાથી ઘણાં અંગ્રેજ ચિંતકો, મુખ્ય ધારાના આગેવાનો, શિક્ષણવિદ્દો પ્રભાવિત થયાં હતા.

બ્રિટન પ્રવાસ દરમિયાન ડો. ચિશ્તી સાહેબ ઈડન સ્કૂલ, ઓલિવ સ્કૂલ, અલ-હિકમા બાટલી કોમ્યુનિટી સેન્ટર, Vohra Voice UK (VVUK) વગેરે સંસ્થાઓની મુલાકાત લઈ સાંસ્કૃતિક, સામાજિક, શૈક્ષણિક સશક્તિકરણની ચર્ચા-વિચારણાઓ અને આયોજનો તરફ ધ્યાન દોર્યું. બ્રિટન પ્રવાસ દરમિયાન તેમની મુલાકાતો સુ સ્મિથ, જેનેટ ર્ગેન્ટ, ઈકબાલભાઈ માસ્તર, ડો. અદમ ટંકારવી, દિલાવરભાઈ દશાનવાલા, મુસ્તાકભાઈ દશાનવાલા, ઉસ્માનભાઈ કેશવાનવાલા, મહેક ટંકારવી સાહેબ, ઈમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા, હબીબભાઈ ભૂતા, ફારુકભાઈ ઉઘરાદાર, દાઉદભાઈ ફોજદાર, ઈનાયતભાઈ ગની, ઈકબાલભાઈ ધોરીવાલા, કાઉન્સિલર રાબિયા જીવા, યુવા કાઉન્સિલર શફીભાઈ પટેલ વગેરે મહાનુભાવો સાથે થઈ. આ તમામ મુલાકાતો અને પ્રવૃત્તિઓની ગોઠવણમાં અબ્દુલભાઈ બાબર વલણવાલાનો મહત્ત્વનો ફાળો રહ્યો.

બ્રિટનમાં આપણી યુવા પેઢીને આપણો સંસ્કૃતિ - વારસો - સંસ્કાર, આપણા મૂલ્યો સાથે કેવી રીતે જોડવા અને યુવાનોને આપણા સામાજિક - ધાર્મિક - રાજકીય - સાંસ્કૃતિક - શૈક્ષણિક પ્રવૃત્તિમાં કઈ રીતે પ્રોત્સાન આપીને આપણી આવનારી પેઢીમાં જવાબદાર લીડરશીપ ઊભી કરી શકાય તેના ઉપર પણ ડો. મતાઉદ્દીન સાહેબે લંડન, લેસ્ટર, બોલ્ટન, બ્લેકબર્ન, પ્રેસ્ટન, માંચેસ્ટર, બાટલી શહેરોમાં હકારાત્મક અને નક્કર વાટાઘાટો કરી હતી.

HHMC એજ્યુકેશનલ કેમ્પસ - પાલેજ નજીક જ ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબ ઉચ્ચ કોટિની શૈક્ષણિક શાળા-સંસ્થા છે. તેને બ્રિટનની શૈક્ષણિક સંસ્થઆઓ સાથે જોડી આપણા સમાજને વધુને વધુ શૈક્ષણિક ફાયદાઓ થાય તેના ઉપર પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબે કહ્યું હતું કે ‘બ્રિટનમાં વસતાં ભારતીયો, ખાસ કરીને ગુજરાતી સમાજ પાસે ભારતના અને બ્રિટનના ખૂબ જ ઊંચા, ઉત્તમ અને સારા મૂલ્યોનો વારસો છે. આપણે બધાંએ સાથે મળીને વિશ્વ ભાઈચારો, સર્વધર્મ આદર, શાંતિ, પ્રેમ, સંવાદિત અને આધ્યાત્મિક્તાના મૂલ્યોને અમલમાં મૂકી એક આદર્શ નાગરિક બની આ મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. બ્રિટન એક ખૂબ જ આદર્શવાદી અને નીતિ-નિયમોવાળો દેશ છે. જેમાં રહીને આપણે તમામ તકોનો ફાયદો ઊઠાવી બ્રિટન અને ભારતની પ્રગતિ માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ.’

ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબે VV-UKઓફિસની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ‘સંપ, સહકાર, પ્રેમ, સંવાદિતા, સશક્તિકરણથી આપણે બધા જ પ્રગતિપંથે સાથે આગળ વધી શકીશું. સજાગ વ્યક્તિ, સજાગ-સક્રિય સમાજ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિક શોધ-સમાજ સૌનું કલ્યાણ કરી શકે છે.’

સંસ્થાની વધુ વિગત માટે જુઓ વેબસાઇટ www.vahoravoice.co.uk અથવા સંપર્ક: + 44 7853 159044, [email protected]


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter