લંડનઃ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના લંડન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વે કૃષ્ણ જન્મોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામીની પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજને પારણામાં ઝુલાવાયા હતા.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક સહજાનંદ સ્વામીને ત્યાગીની દીક્ષા આપી હતી. એટલે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી રામાનંદ સ્વામીને પોતાના ગુરુ કર્યા હતા. આથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં રામાનંદ સ્વામીની પ્રાગટ્ય જયંતીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી પાસે બે વરદાન માગ્યા હતા. એક તો, જે કોઈ તમારા આશ્રિત થાય એ ખાવાપીવાની બાબતે કે વસ્ત્રની બાબતે ક્યારેય દુઃખી થાય નહીં, અને તેમને કોઇ પણ દુઃખ આવવાનું હોય તો અમને દુઃખ આવે પણ અમારા આશ્રિત સુખી રહે તેવા વરદાન માગ્યા હતા. જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી હંમેશા સુખી સંપન્ન જોવા મળે છે.