વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેનપદે સંતવલ્લભ સ્વામી, કોઠારીપદે દેવપ્રકાશ સ્વામી

Wednesday 16th April 2025 06:34 EDT
 
 

વડતાલધામ: સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નવી ટેમ્પલ કમિટીના બિનહરીફ વરાયેલા હોદ્દેદારોની પ્રથમ મિટીંગ મંગળવાર - 15 એપ્રિલે યોજાઇ હતી. જેમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યો પૈકી ડો. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેન તરીકે જ્યારે દેવપ્રકાશ સ્વામીની વડતાલ મંદિરના મુખ્ય કોઠારી તરીકે વરણી કરાતાં હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.
આ પ્રસંગે ટેમ્પલ કમિટીના નવનિયુક્ત કોઠારી દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ ટેમ્પલ કમિટીમાં ડો. સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વલ્લભભગત, સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ), તેજસભાઈ બિપીનભાઈ પટેલ (પીપળાવ), અલ્પેશભાઈ પંકજભાઈ પટેલ (વડોદરા) અને સંજયભાઈ હીરાભાઈ પટેલ (ગોધરા) બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટાયેલી કમિટીના નવા સભ્યોની પ્રથમ મિટીંગ મંગળવારે સવારે મંદિરની બોર્ડ ઓફિસમાં મળી હતી. જેમાં બ્રહ્મચારી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના છ સભ્યોએ ડો. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેનપદે અને દેવપ્રકાશ સ્વામીની કોઠારીપદે નિમણૂક કરી હતી જ્યારે સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ)ની સેક્રેટરી તરીકે વરણી કરી હતી.
ટેમ્પલ કમિટીના સૌ સભ્યોનું આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે ફુલહાર પહેરાવીને સન્માન કરી અભિનંદન-આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે દરમિયાન વડતાલ મંદિરના વડીલ સંતો પૂ. નૌતમસ્વામી, શ્રીવલ્લભ સ્વામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી, પી.પી. સ્વામી વગેરે સંતોએ હારતોરા કરીને શુભેચ્છા આપી હતી અને નવા નિમાયેલા ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશ સ્વામી તથા અન્ય સભ્યોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter