સાઉથોલમાં શ્રી જગન્નાથ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ

Wednesday 03rd November 2021 07:06 EDT
 
 

ભગવાન શ્રી જગન્નાથ મહાપ્રભુની સેવા કરવા માટે લંડનમાં અથવા તેની આસપાસના વિસ્તારમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવાના ઉદ્દેશથી શ્રી જગન્નાથ સોસાયટી (SJS) યુકેની સ્થાપના થઈ હતી. યુકેમાં રહેતા ભગવાન જગન્નાથના ભક્તોની આ ઈચ્છા હતી. SJS તેના સભ્યોની નોંધણી તથા મંદિરના નિર્માણ માટે યોગ્ય સાઈટ નક્કી કરવા માટે અથાગપણે પ્રયત્નશીલ છે. દરમિયાન, તેઓ લંડનના સાઉથોલમાં આવેલા શ્રી રામ મંદિર, 23 કિંગ સ્ટ્રીટ સાઉથોલ UB2 4DA ખાતે ભગવાન જગન્નાથનું કામચલાઉ મંદિર સ્થાપી રહ્યા છે. શ્રી રામ મંદિર સાઉથોલ અને શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJS)નો ઉદ્દેશ સનાતન ધર્મના પ્રચાર – પ્રસારનો છે.  
શ્રી જગન્નાથ ટ્રસ્ટ, પૂરીના ચેરમેન શ્રી દિવ્યસિંઘ દેવના શુભાશીષ સાથે પૂરીથી ખૂબ લાંબુ અંતર કાપીને ભગવાન શ્રી જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રની મૂર્તિઓ લંડન આવી પહોંચી છે. શ્રી રામ મંદિર સાઉથોલ ખાતે શ્રી જગન્નાથ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ચાલી રહ્યો છે. તેમાં આ ત્રણ મૂર્તિઓ ઉપરાંત, ભગવાન સુદર્શન, શ્રીમાધવ, દેવી શ્રીદેવી, દેવી ભૂદેવી અને ભગવાન ગરુડની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે.
આ ઉત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ૧ નવેમ્બરે સંકલ્પના આમંત્રણ સાથે ઉત્સવનો પ્રારંભ થયો હતો. ૨ નવેમ્બરે અભિષેક પૂજા થઈ હતી. ૩ નવેમ્બરને બુધવારે સવારે ૯થી સાંજે ૫ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. આ વિધિ વીડિયો લીંક મારફતે પૂરીના અગ્રણી સંતોના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પૂજારીઓ કરશે. તેમાં અગ્રણી ફિલાન્થ્રોપિસ્ટ અને માનવતાવાદી તથા શીરડી સાંઈબાબા ગ્લોબલ ફાઉન્ડેશનના સ્થાપક ચેરમેન અને ગુરુજી ડો. ચંદ્રભાણ સત્પથી ઉપસ્થિત રહેશે.
ચાર દિવસના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી રહ્યા છે. તેઓ પ્રાર્થનામાં જોડાઈ રહ્યા છે અને પવિત્ર પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. આ ઉજવણીને ભારત અને દુનિયાના ઘણાં દેશોમાંના દર્શકો ઓનલાઈન નિહાળી રહ્યા છે.  
આ ઉજવણીનું સમાપન તા. ૬ નવેમ્બરને શનિવારે જાહેર દર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થશે. તે દિવસે દર્શન અને કાર્યક્રમ સવારે ૯થી સાંજે ૫ સુધી ચાલશે. તેમાં સભ્યો, વિશેષ આમંત્રિત અતિથિઓ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ભક્તિગીતો, કિર્તનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter