SJS UK ના પ્રથમ સ્થાપના દિનની અખાત્રીજના પર્વે વર્ચ્યુઅલ ઉજવણી

Wednesday 09th June 2021 06:04 EDT
 
 

અખાત્રીજના પાવન દિવસે શ્રી જગન્નાથ સોસાયટી યુનાઈટેડ કિંગ્ડમ (SJS UK)ના પ્રથમ સ્થાપના દિનની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. SJS UK લંડન સ્થિત ચેરિટી છે અને તેનો ઉદ્દેશ યુકે અને યુરોપમાં શ્રી જગન્નાથ સંસ્કૃતિનો સમગ્ર યુકેમાં ફેલાવો કરવાનો તેમજ યુરોપમાં જગન્નાથ સંસ્કૃતિનું કેન્દ્ર બને તેવા અદભૂત શ્રી જગન્નાથ મંદિરનું લંડનમાં નિર્માણ કરવાનો છે. વિશાળ પાર્કિંગ સ્પેસ સાથે મંદિર નિર્માણના પ્રથમ તબક્કાનું કામ અંદાજે પાંચ મિલિયન પાઉન્ડના ખર્ચે વર્ષ ૨૦૨૪ સુધીમાં પૂરું થવાની શક્યતા છે.  
વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભારત અને યુકેની કેટલીક આધ્યાત્મિક વ્યક્તિઓ અને મહાનુભાવો અને જગન્નાથ ભક્તો પણ મોટી સંખ્યામાં હાજર હતા.
કાર્યક્રમની શરૂઆતમાં દુનિયામાં કોરોના મહામારીને લીધે જીવ ગુમાવનારા લોકોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને આર્ષ દીપ યુકેના બ્રહ્મચારીણી નંદનાજીએ મહા મૃત્યુંજય મંત્રનું ગાન કર્યું હતું.  
SJS UK ના સેકેટરી ડો.પ્રકાશ ડેએ મંદિર માટે ટ્રસ્ટ દ્વારા ૨૦૨૧ના અંત સુધીમાં યોગ્ય જમીન મેળવવા થતા પ્રયાસોની માહિતી આપી હતી. ટ્રેઝરર ભક્તા પાંડાએ સંસ્થાની આર્થિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓની સાથે SJS UK અને તેની યુકેની સહયોગી સંસ્થાઓ દ્વારા ગ્રામીણ ભારતમાં કોવિડ – ૧૯ના રાહતકાર્યોની માહિતી આપી હતી.
ચિન્મય મિશન, પતિયાલાના આચાર્ય સ્વામી માધવાનંદ સરસ્વતીજીએ આધ્યાત્મિક સાધનામાં મંદિરોની ભૂમિકા વિશે સમજ આપી હતી. મોહનજી ફાઉન્ડેશનના બ્રહ્મર્ષિ મોહનજીએ SJS UK ની વિશેષ આવૃત્તિનું વિમોચન કર્યું હતું અને જણાવ્યું કે માનવતા સૌથી શ્રેષ્ઠ ધર્મ છે.  
શ્રી જગન્નાથ ચિંતન અને ચેતના વર્લ્ડવાઈડના ભગવાન પાંડાએ સંસ્થાની ભાવિ પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી.
ઓડિશા ફિલ્મ ઉદ્યોગના જાણીતા સ્ટાર્સ સબ્યસાચી મિશ્રા અને અર્ચિતા સાહુએ શરૂઆતથી જ SJS UK સાથેના જોડાણ વિશે વાત કરી હતી. લેખક અને હાલ નહેરુ સેન્ટર, લંડનના ડિરેક્ટર અમીષ ત્રિપાઠીએ ઘણાં યુગોથી મંદિરો અભ્યાસ, સંસ્કૃતિ, નૃત્ય, કળા, આધ્યાત્મિકતા અને કોમ્યુનિટી સર્વિસના આપણા કેન્દ્રો રહ્યા હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલે લંડનમાં પ્રથમ મંદિરની સ્થાપનાથી અત્યાર સુધીની અને લંડનમાં ઈસ્કોન દ્વારા રથયાત્રાની ઉજવણીની વાત કરી હતી અને જણાવ્યું કે યુરોપમાં આ મંદિર હેરિટેજ સાઈટ બનશે.
ICICI બેંકના એમ ડી અને સીઈઓ લોકનાથ મિશ્રાએ જણાવ્યું કે આ મંદિર ખાસ કરીને સ્થાનિક લોકો સહિત દુનિયાભરના લોકો માટે હશે.  
હિંદુ ફોરમ બ્રિટન (HFB) ના પ્રેસિડેન્ટ તૃપ્તિ પટેલે લંડનમાં શ્રી જગન્નાથ મંદિરના નિર્માણ વિશે આનંદની લાગણી રજૂ કરી હતી અને આ કાર્યમાં HFBના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.    
હાઉસ ઓફ લોર્ડ્સના મેમ્બર લોર્ડ રેમી રેન્જર CBE ગુરુ નાનકદેવજીના પ્રભુ જગન્નાથ સાથેના જોડાણની વાત કરી હતી.
આ પ્રસંગે મૌસમી મિશ્રા અને પ્રીતિ માધવ પાઢીએ ભજનો, હિરણ્ય મોહંતી અને સુભાશ્રી થોટ્ટુગલ, પ્રજ્ઞા ઈસ્પિતા દેવી અને SJS UK ના ટ્રસ્ટી સુકાંત સાહુના આયોજન હેઠળ કવિતા મોહંતીએ નૃત્ય રજૂ કર્યું હતું.  
SJS UK ના ચેરપર્સન ડો. સહદેવ સ્વૈને સૂચિત જગન્નાથ મંદિર વિશે ટૂંકી વીડિયો રજૂ કર્યા પછી આભારવિધિ કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter