લંડનઃ પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના સભ્યો માટે તાજેતરમાં રંગેચંગે દિવાળી સેલિબ્રેશન યોજાયું હતું. 5LPના નામે જાણીતી આ સંસ્થા ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા જિલ્લામાં આવેલા બાલિસણા, સંડેર, મણુંદ, વાલમ અને ભાન્ડુના મૂળ વતની અને બ્રિટનમાં વસતાં પાટીદારોને એકતાંતણે બાંધે છે.
5LP પરિવાર સમાજના સાંસ્કૃતિક મૂળ અને કુળનું જતન-સંવર્ધન, તેના સભ્યો વચ્ચે એકતા વધારવા તેમજ તેમની સહિયારી ઓળખ અને મૂલ્યોની ઉજવણી કરતા વિવિધ કાર્યક્રમો અને મેળાવડાઓનું આયોજન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સાંસ્કૃતિક પરંપરાઓના પ્રચાર દ્વારા 5LP પરિવારોને જોડવાનું મહત્ત્વનું કામ કરે છે.
સંસ્થા દ્વારા ત્રીજી નવેમ્બરે દિવાળીની ઉજવણી કરવા માટે 5LP સમુદાય માટે એક વાઇબ્રન્ટ અને મનોરંજક મેળાવડાનું આયોજન કરાયું હતું. લંડનના હેરોમાં બ્લુરૂમ સ્પોર્ટ્સ ખાતે યોજાયેલા આ મેળાવડામાં 5LP સમુદાયની સંસ્કૃતિની વિવિધતા દર્શાવાઇ હતી.
ઉજવણી દરમિયાન તમામ વયના લોકોને રસ પડે તેવી વિવિધ રમતો અને સ્પર્ધાઓનું આયોજન થયું હતું. બાળકો, યુવાનો અને વૃદ્ધો એમ સહુ કોઇએ આનંદ અને ઉલ્લાસ સાથે આખો દિવસ મજા માણી હતી. મ્યુઝિકલ ચેર અને બિન્ગો જેવી ક્લાસિક રમતોએ લોકોને બાળપણની યાદ તાજી કરાવી દીધી હતી તો ઊર્જાસભર ગરબાએ દિવાળીની ઉજવણીને યાદગાર બનાવી હતી. અવનવી સ્ટાઇલના ગરબા અને નૃત્ય પ્રદર્શને સહુ કોઇની પ્રસંશા મેળવી હતી.
ઢળતી સાંજે સ્વાદિષ્ટ ડિનર પાર્ટી યોજાઇ હતી, જેમાં લોકોએ દિવાળીની પરંપરાગત વાનગીઓની સાથે સાથે સ્વાદિષ્ટ વ્યંજનોની મજા માણી હતી.
આ દિવાળી સેલિબ્રેશન ફેર દરમિયાન, ભારતીય સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ અખબારોની નકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આપણી માતૃભાષા ગુજરાતીના જતન-સંવર્ધન માટે સમર્પિત ABPL ગ્રૂપ પ્રત્યે સંસ્થા દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઇ હતી. ‘ગુજરાત સમાચાર’ અનોખી પહેલ સમુદાયના સહુ કોઇને ગુજરાતીમાં વાંચવા માટે પ્રોત્સાહિત કરે છે. માતૃભાષા પ્રત્યેનો મજબૂત નાતો આખરે તો વતનથી દૂર રહેતા સહુ કોઇને પોતાના સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડતો હોય છે.